લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠના એક સપ્તાહ અગાઉ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજ ૧૦થી ૧૬ એપ્રિલ સુધી ભારત અને ભુતાનની સત્તાવાર મુલાકાત લેશે. ડ્યૂક અને ડચેસ ક્વીન વતી અને બ્રિટિશ સરકારની વિનંતીને માન આપી આ મુલાકાત લેશે. બન્ને દેશની તેમની આ પ્રથમ મુલાકાત છે. તેઓ દૃઢ વિશ્વાસ સાથે હાલના પડકારોનો સામનો કરી રહેલા તેમજ વિપુલ તકો ધરાવતા ભારતને સમજવાના પ્રયાસ સાથે ડ્યૂક અને ડચેસ ભારત અને બ્રિટનના ઐતિહાસિક સંબંધો પ્રત્યે આદર વ્યક્ત કરશે. ભુતાનમાં લોકશાહી, બંધારણીય રાજાશાહી સ્થાપવા ચોથા રાજાએ લીધેલા ઐતિહાસિક નિર્ણયના એક દાયકા બાદ આ મુલાકાત યોજાઈ રહી છે. તેમની મુલાકાતનો આ સમય યુકે અને ભુતાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપવા માટે સાનુકુળ છે.
પ્રિન્સ વિલિયન અને કેટ મિડલટન- ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજના પ્રવાસનો આરંભ ભારતના વાણિજ્યિક અને મનોરંજન પાટનગર મુંબઈથી થશે. ગત નવેમ્બર, ૨૦૦૮માં થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં લોકો પ્રત્યે સહાનુભુતિ દર્શાવવા પ્રિન્સ ઓફ વેલ્સ અને અમેરિકી પ્રમુખ સહિત વિશ્વના ટોચના નેતાઓ મુંબઈ મુલાકાત દરમિયાન તાજ પેલેસ હોટલમાં રોકાયા હતા. ડ્યૂક અને ડચેસ પણ તેમને અનુસરીને ૧૦મી એપ્રિલે ત્યાં જ રોકાણ કરશે. મુંબઈના પોશ વિસ્તારમાં રહેવા સાથે તેઓ મુંબઈના સ્લમ વિસ્તારની મુલાકાતે જશે અને પોતાનું અસ્તિત્વ ટકાવવા સખત પરિશ્રમ કરતાં લોકોને મળશે. શાહી દંપતી શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ બોલિવુડની હસ્તીઓને પણ મળશે તેમજ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના સહયોગથી બ્રિટિશ હાઈ કમિશને યોજેલા સ્વાગત સમારોહ અને ડિનરમાં પણ હાજરી આપશે.
ડ્યૂક વિલિયમ અને ડચેસ કેટ ભારતના વિશાળ અર્થતંત્રને ઊર્જા પૂરી પાડવા માટે યુવા એન્ટ્રેપ્રીન્યોર્સને પણ મળશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલા સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાનમાં નવા બિઝનેસ અને રોજગારી સર્જનના લક્ષ્યોને હાંસલ કરવામાં યુકે ભારતને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની શક્યતા ચકાસવાની તક પૂરી પાડશે. વડાપ્રધાન મોદીએ યુકે અને ભારતના સંબંધોને ‘અદ્વિતીય સંયોજન’ ગણાવ્યું છે.
શાહી દંપતી મુંબઈથી હવાઈમાર્ગે નવી દિલ્હી પહોંચશે. તેઓ ઈન્ડિયા ગેટ ખાતે પુષ્પાંજલિ દ્રારા તેમનો દિલ્હી પ્રવાસ શરૂ કરશે. પ્રથમ વિશ્વયુદ્ધને ૧૦૦ વર્ષ થયા છે. તે યુદ્ધમાં બ્રિટિશ સેના વતી લડતાં ૭૦,૦૦૦થી વધુ ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યા હતા તેમને ઈન્ડિયા ગેટ ખાતે પુષ્પાંજલિ દ્વારા ડ્યૂક અને ડચેસ શ્રદ્ધાંજલિ અર્પશે. ત્યાંથી તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનના છેલ્લાં દિવસો વીતાવ્યા હતા તે બિરલા હાઉસમાં ગાંધી સ્મૃતિ (ગાંધી મેમોરિયલ)ની મુલાકાત લેશે. મેમોરિયલ ખાતે તેઓ શ્રદ્ધાંજલિ અર્પશે અને યુવા કલાકારો દ્વારા ભજન કાર્યક્રમ નિહાળશે.
શાહી દંપતી બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાને ક્વીનના જન્મદિન નિમિત્તે યોજાનારી સાંધ્યપાર્ટીમાં હાજરી આપશે. તેમાં દેશવિદેશની સરકાર અને રાજકારણના મહાનુભાવો ભાગ લેશે. આ પ્રસંગ બ્રિટન અને ભારતના સંબંધોની ઉજવણીની તક પૂરી પાડશે. ડ્યૂક પોતાના દાદીના માનમાં ઉપસ્થિત મહેમાનો સમક્ષ ટૂંકુ વક્તવ્ય આપશે.
વધુમાં તેઓ આસામી નૂતન વર્ષ બોહાગ બિહુ ઉત્સવ દરમિયાન આસામના કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેશે. કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તા જેસન નૌફે જણાવ્યું હતું કે, ‘‘યુનાઈટેડ ફોર વાઈલ્ડ લાઈફ’ના પ્રમુખ ડ્યૂક લાંબા સમયથી કાઝીરંગાની મુલાકાત લેવા માગતા હતા. તેઓ આ મુલાકાતનો ઉપયોગ જોખમમાં આવેલી પ્રજાતિ ગેંડા સામે થઈ રહેલી હિંસા સામે અવાજ ઉઠાવવા માટે કરશે.
ભુતાન માટે વિદાય પહેલાં ડ્યૂક અને ડચેસ ભારતમાં હાથીની પરેડ માટે ‘કલાકારોને સત્તાવાર આહ્વાન’ માટે હાથીના શિલ્પને આખરી ઓપ આપશે. આ પરેડમાં કલાકારો ૨૦૦ હાથીને શણગારશે અને એલિફન્ટ ફેમિલી દ્વારા તેમને ભારતમાં ૨૦૦ સ્થળોએ રખાશે. આવી પરેડ અગાઉ લંડન, એડિનબરો અને ન્યૂયોર્કમાં યોજાઈ હતી.
શાહી દંપતી ૧૪ એપ્રિલે સવારે હવાઈમાર્ગે ભુતાન જશે. પારો એરપોર્ટથી કુદરતી સૌદર્યથી ભરપુર પાટનગર શિમ્પુ રવાના થતાં પહેલાં વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ દ્વારા ઔપચારિક સ્વાગત કરાશે. થિમ્પુથી તેઓ થિમ્પુ ઝોંગ જશે અને વિવિધ પહેરવેશમાં સજ્જ સંગીત વગાડતા લોકો દ્વારા યોજાયેલી પરંપરાગત સ્વાગત શોભાયાત્રામાં ભાગ લેશે. બપોરે ડ્યૂક અને ડચેસ થિમ્પુના ઓપન એર તીરંદાજીના સ્થળની મુલાકાત લેશે. શાહી દંપતી ભુતાનની આ અદ્ભુત પ્રેરણાદાયક રાષ્ટ્રીય રમતનો લહાવો લેશે. તીરંદાજોએ તેમનાથી ૧૪૫ મીટરના અંતરે મુકાયેલું લાકડાનું ખૂબ નાનું ચમકતું અને શણગારેલું નિશાન વીંધવાનું હોય છે. તે સાંજે ડ્યૂક અને ડચેસ લિંગકાના પેલેસ ખાતે રાજા અને રાણી સાથે ડીનર લેશે.
આ પછી દિવસે શાહી દંપતી ૧૬૯૨માં સ્થાપિત અને ભુતાનમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કર્યાનું મનાય છે તે ગુરુ પદ્મસંભવની ગુફા નજીક આવેલા પારો તક્તસંગ મઠની મુલાકાત લેશે. તેમણે ૮મી સદીમાં તેમણે અહીં ત્રણ વર્ષ સુધી તપ કર્યું હોવાનું કહેવાય છે. તે જ સાંજે શાહી દંપતી થિમ્પુ પાછું ફરશે. તેઓ ભુતાનમાં વસતા બ્રિટિશ નાગરિકો અને યુકે સાથે ગાઢ સંબંધો ધરાવતા ભુતાનના નાગરિકોના સન્માનમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે. પછીના દિવસે તેઓ પારો એરપોર્ટથી હવાઈમાર્ગે આગ્રા જશે, જ્યાં તેઓ તાજમહેલ નિહાળશે, જે તેમના પ્રવાસનો છેલ્લો તબક્કો હશે.
કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘જે દેશમાં સ્વર્ગસ્થ માતા પ્રિન્સેસ ડાયનાને ખૂબ માન અપાયું હતું તેવા દેશની મુલાકાત લઈ માતાના માર્ગે ચાલવામાં પ્રિન્સ વિલિયમ ગૌરવ અનુભવે છે.’ ભારત અને ભુતાન બન્ને દેશોમાં ક્વીને આપેલી સેવા અને ચાલતાં કાર્યોને ડ્યૂક અને ડચેસ અંજલિ આપશે. શાહી દંપતીનો તેમના દેશ બહારનો આ સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રવાસ છે. પ્રવાસમાં લોકપ્રિય સંસ્કૃતિ, ગ્રામીણ પરંપરાઓ અને દીર્ઘકાલીન રાજદ્વારી સંબંધો સ્થાપવા પર વિશેષ ધ્યાન અપાશે.