લંડનઃ ડ્યૂક ઓફ એડિનબરો પ્રિન્સ એડવર્ડ બીજી ફેબ્રુઆરીના રોજ ભારતની 3 દિવસીય મુલાકાત અંતર્ગત મુંબઇ પહોંચ્યા હતા. નવેમ્બર 2019ની તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સની સત્તાવાર મુલાકાત બાદ પહેલીવાર કોઇ બ્રિટિશ રાજવી પરિવારના સભ્ય ભારતની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ યુવાઓ અને અવિધિસરના શિક્ષણના લાભોને પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ડ્યૂક ઓફ એડિનબરો દ્વારા ભારતમાં અપાતા ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર યંગ પીપલના હેતૂસર તેઓ આ મુલાકાતે આવ્યા છે. આ માટે તેઓ મુંબઇ અને ત્યારબાદ દિલ્હીની મુલાકાત લેવાના છે. 1962માં ભારતમાં શરૂ કરાયેલા આ એવોર્ડ અંતર્ગત અત્યાર સુધીમાં ભારતની 325 શાળા અને શૈક્ષણિક સંસ્થાના 1,50,000 વિદ્યાર્થી સહાય પ્રાપ્ત કરી ચૂક્યાં છે. પ્રિન્સ એડવર્ડ કિંગ ચાર્લ્સ તૃતીયના સૌથી નાના ભાઇ અને સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના સૌથી નાના સંતાન છે. પ્રિન્સ ફિલિપે દિલ્હીમાં એક બ્રિટિશ સ્કૂલની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે દિલ્હીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ સાથે પણ મુલાકાત કરી હતી.