લંડનઃ વાનના કાફલાના છૂપા ખાનાઓમાં મિલિયનો પાઉન્ડના કોકેઇનની સમગ્ર દેશમાં હેરાફેરી કરનારી એક ડ્રગ સમ્ગલિંગ ગેંગને જેલ ભેગી કરી દેવાઇ છે. ડ્રગ્સની દાણચોરીના આ રેકેટને ઉઘાડું પાડતાં વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે 400 કિલોગ્રામ ડ્રગ્સ અને 1.6 મિલિયન પાઉન્ડની રોકડ જપ્ત કરી હતી.પોલીસે આ ગેંગના 10 સભ્યો પૈકીના બે મનિન્દર દોસાન્જ અને અમનદીપ રિશીની 150 કિલો કરતાં વધુ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. બંને ચીકન ઉત્પાદનોમાં આ ડ્રગ્સ લઇને જતા હતા ત્યારે બર્મિંગહામ પોલીસે તેમને ઝડપી લીધાં હતાં.
આ ગેંગનો અન્ય એક સભ્ય વ્હીલ અને ટાયરમાં પાંચ લાખ પાઉન્ડની રોકડ સંતાડીને લઇ જતાં ઝડપાયો હતો. તે આ રકમ લંડનમાં સઇદ હેશમેનને આપવા જઇ રહ્યો હતો. ગેંગની અન્ય વાનમાંથી એર કોમ્પ્રેસરમાં સંતાડેલ 1 મિલિયન પાઉન્ડ રોકડા મળી આવ્યા હતા. ત્યારબાદ ફક્ત 10 દિવસની તપાસમાં પોલીસે બર્મિંગહામ, વૂલ્વરહેમ્પટન, સેન્ડવેલ, વાલસાલ, સાઉથ સ્ટેફર્ડશાયર અને લંડનમાંથી ગેંગના 10 સભ્યોની જુલાઇ 2020માં ધરપકડ કરી હતી.
તેમણે બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં પોતાનો અપરાધ કબૂલી લીધો હતો જેના પગલે આ ગેંગના સભ્યોને કુલ 80 વર્ષ કરતાં વધુની કેદની સજા કરાઇ હતી.
કોને કેટલી સજા
મનિન્દર દોસાન્જ – 16 વર્ષ 8 મહિના
અમનદીપ રિશી – 11 વર્ષ બે મહિના
મોહમ્મદ ઉસ્માન – 9 વર્ષ 8 મહિના
રિઝવાન અલી – 9 વર્ષ 6 મહિના
કામરાન હુસેન – 9 વર્ષ બે મહિના
પીટર મસીહ – 8 વર્ષ
મનદીપ સિંહ – 7 વર્ષ બે મહિના
મિથાબ હુસેન – 7 વર્ષ બે મહિના
એશ્તિયાક એહમદ – બે વર્ષ 7 મહિના
સઇદ હાશેમિયા – બે વર્ષ 3 મહિના