લંડનઃ બ્રિટનના શીખ સાંસદ તનમનજિતસિંહ ઢેસીની નવી સંસદમાં ડિફેન્સ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઇ છે. સ્લાઉના લેબર સાંસદ ઢેસીને હાઉસ ઓફ કોમન્સમાં આયોજિત ચૂંટણીમાં 563 માન્ય મતમાંથી 320 મત પ્રાપ્ત થયાં હતાં. તેમના પ્રતિસ્પર્ધી અને લેબર સાંસદ ડેરેક ટ્વિગને 243 મત મળ્યાં હતાં. આ પહેલાં ઢેસી 2020માં આ કમિટીના સભ્ય તરીકે કામ કરી ચૂક્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, ડિફેન્સ કમિટીના અધ્યક્ષપદે ચૂંટાવાથી સન્માન પ્રાપ્ત થયું છે. મને સમર્થન આપનારા તમામ અને મારા પર વિશ્વાસ મૂકવા માટે હાઉસ ઓફ કોમન્સનો આભારી છું. રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક સ્થિરતા સામેના જોખમોમાં વધારો થયો છે. આપણો દેશ આ પડકારો સામે સજ્જ બને તે અત્યંત જરૂરી છે. આપણી સેનાઓ અને બહાદૂર વેટરન્સ પ્રત્યે સરકાર ઉચ્ચ ધોરણોની જાળવણી પ્રાથમિક ફરજ સાથે કરે તે હું સુનિશ્ચિત કરીશ.
ઢેસી છેલ્લા 7 વર્ષથી સ્લાઉના સાંસદ તરીકે કામ કરી રહ્યાં છે. 4 જુલાઇએ યોજાયેલી સંસદની ચૂંટણીમાં તેઓ સતત ત્રીજી ટર્મ માટે સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.