લંડનઃ પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના ભાવિ અંગે પ્રશ્નો ઉઠી રહ્યાં છે ત્યારે સસ્તી આયાતોથી ભારે ખોટ ખાઈ રહેલા તાતા સ્ટીલે ગ્રેબૂલ કેપિટલ સાથે નવ મહિનાની વાટાઘાટો પછી નોર્થ ઈંગ્લેન્ડમાં તેના સ્કનથોર્પ સ્ટીલ વર્ક્સ વેચવાના સોદાને મંજૂરી આપી હતી. માંદી કંપનીઓને લાભદાયી બનાવવામાં માહેર ગણાયેલી ફાઈનાન્સિયર પેઢી ગ્રેબૂલ કેપિટલ સોદાના ભાગરૂપે કંપનીનું બ્રિટિશ સ્ટીલ નામ પાછું લાવશે. આ સોદાથી ૪,૪૦૦ બ્રિટિશ નોકરીઓ બચી જશે, પરંતુ કરારના ભાગરૂપે વર્ક્સે ત્રણ ટકા વેતનકાપ અને પેન્શન નિયંત્રણો સ્વીકારવા પડશે. હવે સાઉથ વેલ્સના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના વેચાણની વાટાઘાટ શરૂ થઈ શકે છે.
ગ્રેબૂલના પાર્ટનર માર્ક મેયોહાસે જણાવ્યું હતું કે સ્કનથોર્પ સાઈટ અને સંકળાયેલા બિઝનેસીસ માટે કંપની ઈન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્સિયલ પેકેજમાં ૪૦૦ મિલિયન પાઉન્ડ ફાળવશે. તાતા લોન્ગ પ્રોડક્ટ્સ યુરોપ બિઝનેસના એક્ઝીક્યુટિવ ચેરમેન બિમલેન્દ્ર ઝાએ સ્કનથોર્પ વેચાણની જાહેરાત કરી હતી. તાતા સ્ટીલના યુરોપિયન ઓપરેશન્સના ચીફ એક્ઝીક્યુટિવ હાન્સ ફિશરે કહ્યું હતું કે ચીનથી આયાતનું પ્રમાણ વધી જતાં યુરોપમાં બજાર ડામાડોળ થયું છે ત્યારે તાતા સ્ટીલ યુકે અને ગ્રેબૂલ કેપિટલ સોદાના આખરી તબક્કામાં પહોંચ્યાની ખુશી છે.
સોદામાં સ્કનથોર્પ સ્ટીલ વર્ક્સ, ટીસ્સાઈડમાં બે મિલ, વર્કિંગ્ટનમાં ઈજનેરી વર્કશોપ, યોર્કમાં ડિઝાઈન કન્સલ્ટન્સી, સંકળાયેલી વિતરણ સુવિધાઓ તેમજ નોર્થન ફ્રાન્સમાં મિલનો સમાવેશ થાય છે.