લંડન, કાબુલઃ તાલિબાનના વડાઓએ બ્રિટિશ પેરાટ્રુપર્સને એક સપ્તાહમાં અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી જવા આદેશ આપ્યો છે અથવા યુદ્ધના જોખમ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. કટ્ટરવાદીઓએ ચેતવણી આપી છે કે કોઈ પણ વિલંબ કાબુલ એરપોર્ટ પર ચિંતાજનક કામચલાઉ સંધિનો અંત લાવશે. તેમણે ઉમેર્યું હતું કે આ અમારી જોખમની લાલ લાઈન છે. બ્રિટિશ ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે સ્વીકાર્યું છે કે ૭,૦૦૦ બ્રિટિશર અને અફઘાનોને એરલિફ્ટ કરવા હવે સપ્તાહોનો નહિ, કલાકોનો સવાલ છે. વોલેસે યુએસ ખસી ગયા પછી એરલિફ્ટ્સ ચાલુ રાખવાનું નકાર્યું હતું.
બીજી તરફ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન મહત્તમ લોકોનું સ્થળાંતર કરાવી શકાય તે માટે G7 બેઠકમાં યુએસ પ્રમુખ જો બાઈડનને ૩૧ ઓગસ્ટની ડેડલાઈન લંબાવવા વિનંતી કરી છે. જ્હોન્સન અને બાઈડને સોમવારની રાત્રે ફોનથી વાતો કરી હતી અને તાલિબાન સાથે કામ કરવામાં પશ્ચિમી દેશોએ ‘સમાન વલણ’ અપનાવવું જોઈએ તે મુદ્દે સંમત થયા હતા. જો. બાઈડેન મિશન ડેડલાઈન લંબાવવા ઈનકાર કરે તો આગામી સાત દિવસ સામાન્ય લોકોને નહિ પરંતુ, લશ્કરી દળોને કાબુલમાંથી એરલિફ્ટ કરાવવા ઉપયોગમાં લેવાશે.
દળો ટાઈમલાઈનમાં જ પાછા જાય
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને દાવો કર્યો છે કે આગામી મહિને જે અફઘાનો દેશ છોડવા ઈચ્છશે તેઓ ‘સંબંધિત દેશ દ્વારા જારી કરાયેલા વિઝા’ હશે તો કોમર્શિયલ ફ્લાઈટ્સથી જવા મુક્ત રહેશે. તાલિબાનની રાજકીય ઓફિસ અને શાંતિ મંત્રણાકારો છે તેવી કતારની રાજધાની દોહાથી બોલતા પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે ‘તમામ દળોએ તેમણે જાહેર કરેલી ટાઈમલાઈન મુજબ જ પાછા ફરવાનું રહેશે. આ અમારી રેડલાઈન છે. જે વોશિંગ્ટન તેના ઈવેક્યુએશન ઓપરેશનને લંબાવશે તો મિલિટરી રિસ્પોન્સ મળી શકે છે... તે રીએક્શનને ઉશ્કેરશે.’
સ્થળાંતર કરાવવા સમયની સાથે સ્પર્ધા
લશ્કરી વડાઓ અફઘાનિસ્તાનમાંથી નાસી છૂટવા આતુર તમામ લોકોને આઝાદ કરાવવા સમયની સાથે સ્પર્ધામાં ઉતર્યા છે. હવાઈ સ્થળાંતરમાં કાબુલમાંથી દિવસરાત ઉડ્ડયન કરી રહેલા ત્રણ C-17, ત્રણ A400 એટલાસીસ અને બે C-130 હરક્યુલિસ વિમાનોની મદદ કરવા RAFના તમામ શક્ય ટ્રાન્સપોર્ટ વિમાનો પણ કામે લગાવાશે. RAFના સૂત્રે જણાવ્યું છે કે સિવિલિયન ચાર્ટર્સ સહિત વધુ ૧૨ વિમાન ગલ્ફમાં પેસેન્જર્સને એકત્ર કરી યુકે તરફ લઈ જઈ રહ્યા છે. યુએસના અધિકારીઓએ જણાવ્યું છે કે કાબુલથી બહાર જતી ફ્લાઈટ્સમાં નોંધપાત્ર વધારો કરાતો રહેશે. વિશ્વભરમાં યુએસ કેરિયર્સ ડેલ્ટા, અમેરિકન એરલાઈન્સ અને યુનાઈટેડ એરલાઈન્સના ૧૮ સહિત આશરે ૨૩૦ વિમાન હવે ઈવેક્યુએશન મિશનમાં કાર્યરત છે.
આશરે ૧,૮૦૦ બ્રિટિશર અને યુકે સાથે કામ કરનારા ૨,૨૭૫ અફઘાનો હજુ કાબુલમાં એરલિફ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. રવિવારે આશરે ૧૮૦૦ લોકોને યુકે લવાયા હતા. સોમવારે ૧,૩૮૪ લોકોનું સ્થળાંતર કરાયું હતું. આ સાથે કુલ ૭,૧૦૯ લોકોને યુકે લવાયા છે જેમાં ૪,૨૨૬ અફઘાનો, બ્રિટિશ નાગરિકો, બેવડી નાગરિકતા ધરાવતા લોકો તેમજ સાથી દેશોના થોડા નાગરિકોનો સમાવેશ થાય છે. ૧૪ ઓગસ્ટથી સોમવારની રાત સુધી યુએસ અને નાટો ફ્લાઈટ્સ દ્વારા ૩૭,૦૦૦ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે પરંતુ, કાબુલ એરપોર્ટ ખાતે અરાજક પરિસ્થિતિના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. એરપોર્ટ પર ભારે ભીડ, દોડાદોડી અને ગોળીબારમાં ઓછામાં ઓછાં ૨૧ લોકો માર્યા ગયા છે. બ્રિટિશ દળો એરપોર્ટની દક્ષિણની બાજુએ છે. SAS, 1 Para, સ્પેશિયલ ફોર્સીસ સપોર્ટ ગ્રૂપના દળો કાબુલના ગુપ્ત સ્થળોએથી બ્રિટિશ નાગરિકોને લેવા માટે એરપોર્ટની બહાર જાય છે પરંતુ, અમેરિકી દળોને તેની સરહદની બહાર જવા પર પ્રતિબંધ છે. કાબુલ એરુપોર્ટ પર બ્રિટિશ દળો શસ્ત્રસજ્જ અને ઝભ્ભાધારી તાલિબાન સાથે જ પેટ્રોલિંગ કરી રહ્યા છે.