લંડનઃ અફઘાનિસ્તાનમાં સત્તા માટે લડી રહેલા કટ્ટરવાદી તાલિબાન સાતે બ્રિટિશ જેહાદીઓ પમ ગુપ્તપણે જોડાયેલા હોવાના અહેવાલો છે. તાલિબાન સત્તા પર આવવા સાથે આ દેસ આતંકવાદીઓનું સ્વર્ગ બની જશે તેવો ભય સેવાય છે. જાસૂસો દ્વારા બ્રિટિશ ઉચ્ચારો સાથેના ત્રાસવાદીઓના ફોન કોલ્સ ઈન્ટરસેપ્ટ કરાયા પછી બ્રિટિશ જેહાદીઓ પણ આ યુદ્ધગ્રસ્ત દેશમાં પહોંચી ગયા હોવાનું મનાય છે. યુકે સરકારે ચેતવણી આપી છે કે બ્રિટિશ તાલિબાન લડવૈયાઓ ગંભીર નેશનલ સિક્યુરિટી જોખમ પેદા કરશે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય પાછું ફરે છે ત્યારે બ્રિટિશ જેહાદીઓ તાલિબાન કટ્ટરવાદીઓ સાથે જોડાવા ગુપ્તપણે દેશમાં પહોંચી ગયાના અહેવાલો છે. બ્રિટિશ મિલિટરી ઈન્ટેલિજન્સના સીનિયર સૂત્રોના જણાવ્યા મુજબ બે બ્રિટિશ પુરૂષો ખુલ્લેઆમ મોબાઈલ પર વાત કરતા હોય તેમના કોલ્સ ઈન્ટરસેપ્ટ કરાયા હતા. બ્રિટિશ લડવૈયાઓએ અફઘાન સરકાર વિરૂદ્ધ શસ્ત્રો ઉઠાવ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. જોકે, તેમની સંખ્યા જણાવવી મુશ્કેલ છે. સિક્યુરિટી વડાઓ માને છે કે બ્રિટિશ જેહાદીઓ પાકિસ્તાનના અરાજકતાપૂર્ણ આદિવાસી વિસ્તારોમાં થઈને અફઘાન સરહદો પર પહોંચ્યા હોઈ શકે. ISની લડાઈ વખતે આશરે ૮૦૦ બ્રિટિશરોએ સીરિયા અને ઈરાક તરફ પ્રયાણ કર્યું હતું અને સેંકડો લોકો વિશે કોઈ જાણકારી મળતી નથી.
તાલિબાને મોટા ભાગના વિસ્તારો પર કબજો જમાવી દીધો છે અને ટુંક સમયમાં રાજધાની કાબૂલનું પતન થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. આ સંજોગોમાં કાબૂલમાં બ્રિટિશ દૂતાવાસને ખાલી કરાવવા અને આશરે ૪,૦૦૦ જેટલા બ્રિટિશ વર્કર્સને પાછા લાવવા ૬૦૦ જેટલા બ્રિટિશ સૈનિકો ટુંક સમયમાં કાબૂલ પહોંચવાની આશા છે.