લંડનઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 20 કિમી દૂર આવેલા કનૈયા ગામમાં આવેલી તુલિપ ટેરિટરીની તપાસ બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશન દ્વારા શરૂ કરાઇ છે. આ ટેરિટરી યુકેના લેબર સાંસદ અને બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની બહેનની દીકરી તુલિપ સિદ્દિકની છે. બાંગ્લાદેશનું એન્ટી કરપ્શન કમિશન શેખ હસીના અને તેમના પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહ્યું છે.
કમિશનના સૂત્રે જણાવ્યું હતું કે, શેખ હસીનાની બહેન અને તુલિપ સિદ્દિકની માતા શેખ રિહાનાના પરિવારની માલિકીની તુલિપ ટેરિટરી અને અન્ય સંપત્તિઓની કાયદેસરતાની અમે તપાસ કરી રહ્યાં છીએ. આ પ્રોપર્ટીની માલિકી સિદ્દિકના પિતાની હતી જેઓ ઢાકા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ટેરિટરીમાં અત્યાધુનિક વિલા, બંગલો અને અન્ય કેટલીક ઇમારતો આવેલી છે.
ગામવાસીઓનું કહેવું છે કે તુલિપ અને તેમના પરિવારના સભ્યો અહીં વેકેશન માણવા આવતા હતા. તેઓ પ્રોપર્ટીમાં આવેલા કૃત્રિમ તળાવ પર પિકનિક મનાવતા હતા. કમિશનનો આરોપ છે કે રશિયા સાથેના ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સોડામાં શેખ હસીના, તુલિપ સિદ્દિક અને પરિવારના અન્ય સભ્યો દ્વારા 3.9 બિલિયન પાઉન્ડની કટકી લેવાઇ હતી.
તુલિપ અને પરિવાર સામે હવે વિદેશોમાં પણ તપાસ
બાંગ્લાદેશના સત્તાવાળાઓએ તુલિપ સિદ્દિક અને તેમના પરિવારના સભ્યો સામેની તપાસ હવે સંખ્યાબંધ દેશોમાં વિસ્તારી છે. બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશનના અધિકારીઓ એવા દાવાની ચકાસણી કરી રહ્યાં છે કે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીના અને તેમના પરિવારના સભ્યો દ્વારા ભ્રષ્ટાચાર આચરીને બિલિયનો પાઉન્ડ વિદેશોમાં સંપત્તિઓ ખરીદવા માટે ખર્ચાયાં હતાં. કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે યુકે સિવાયના દેશોમાં પણ તપાસ કરી રહ્યાં છે.