ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના પ્રમુખ રાહુલ ગાંધીએ તાજેતરમાં ચાર દિવસ માટે જર્મની અને લંડનની મુલાકાત લીધી હતી. તેમણે ખાસ કાળજી સાથે ચૂંટવામાં આવેલા કેટલાક સંમેલનોમાં સંબોધન કર્યું હતું, જેથી મેળાવડાઓમાં ઉપસ્થિત નાની સંખ્યાના પ્રેક્ષકો સમક્ષ પોતાની જ પ્રશંસામાં ગીતો ગાઈ શકે. યુવાન રાહુલ ગાંધી પાસે અપેક્ષિત જ હતું તેમ તેમણે લંડનની મુલાકાત આરંભી ત્યારે પ્રથમ શબ્દ ભારત સરકાર વિરુધ્ધ અને ઘણી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ અંગત અને આકરા પ્રહારનો જ હતો. એક બાબત સ્પષ્ટ કરવી જ રહી કે તેમણે કરેલા આક્ષેપોના સમર્થનમાં કોઈ હકીકતો દર્શાવાઈ ન હતી અને જે વધુ મહત્ત્વનું તો એ હતું કે જે નીતિઓની તેમણે રોચકતાથી ટીકાઓ કરી હતી તેના વિકલ્પો આપવામાં પણ તેઓ ઉણા ઉતર્યા હતા.
ભવિષ્યના કોઈ તબક્કે ભારતમાં શાસક પક્ષ બની શકે તેવા પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકેની પોતાની જવાબદારી પર ભારે દુર્લક્ષ સેવ્યું હતું. મુખ્ય રાજકીય સંસ્થાના નેતા હોવાની પરંપરા એ છે કે તેઓ જ્યારે વિદેશમાં સંમેલનો કે મેળાવડાને સંબોધતા હોય ત્યારે તેમણે ટીકા કરવાથી અથવા કહીએ કે શાસક પક્ષની ખુલ્લેઆમ ટીકા કરવાથી અળગા રહેવું જોઈએ. આમ કરવામાં પણ ઉગ્રતા ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ભાજપની નેતાગીરીએ પણ કેટલાક અંશે આવી ભૂલ કરી હતી તેની પણ નોંધ લઈએ છતાં, રાહુલ ગાંધીને ઘરઆંગણાના દરેક મુદ્દાઓ પરત્વે જરા પણ વિચાર્યા વિના આડેધડ આક્ષેપો કરતા રહેવાનો પરવાનો મળી જતો નથી.
જો તમે વિરોધીઓની ટીકા કરો તો પણ સીધો સાદો સિદ્ધાંત એ છે કે જે કાંઈ વાજબી, સારું કે તર્કસંગત હોય તેને સ્વીકારવું જોઈએ અને તદ્દન પાયાવિહોણાં આક્ષેપોનો મારો ચલાવવાથી દૂર રહેવું જોઈએ. સ્વીકારો અને દૂર રહોની આવી નીતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેવી લાંબો અને ગૌરવશાળી ઈતિહાસ ધરાવતી પાર્ટીના નેતા માટે વધુ અર્થપૂર્ણ અને લાભકારી સંવાદનો માર્ગ ખોલી આપી શકે. તેમની રણનીતિ કદાચ ઓસ્ટ્રેલિયા, યુએસ અથવા વિદેશમાં કોઈ સ્થળના કેમ્પેઈન સલાહકારો દ્વારા ઘડાઈ હોય, જેઓ ભારતીયો અથવા વિદેશસ્થિત ભારતીય ડાયસ્પોરાના માનસને સમજવામાં નિષ્ફળ જ ગયા છે. યુએસની ૨૦૧૬ની ચૂંટણી અથવા યુકેની ૨૦૧૫ની ચૂંટણી દરમિયાન, આવા કેમ્પેઈન સલાહકારોએ ‘આક્રમણ એજ શ્રેષ્ઠ સંરક્ષણ’ની પદ્ધતિને ઉત્તેજન આપ્યું હતું. બદજબાન ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી બન્યા હતા, જ્યારે મિસિસ થેરેસા મેએ પાર્લામેન્ટમાં બહુમતી ગુમાવી દીધી હતી.
રાહુલ ગાંધીના આક્રમણોનો મુખ્ય સૂર રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચારનો હતો. આખો મુદ્દો જટિલ છે અને માત્ર સમય જ સાબિત કરશે કે તે બીનઉત્પાદક છે કે ગાજરને કાકડી સાથે સરખાવવાની મૂર્ખામી છે. (બોફોર્સ કૌભાંડ અને કોંગ્રેસની યાદ અપાવવાની જરૂર ખરી?) રાહુલ ગાંધીએ વારંવાર દલિતો. આદિવાસીઓ, લઘુમતીઓ (મુસ્લિમ્સ, ક્રિશ્ચિયન્સ) અને અન્ય કચડાયેલાં વર્ગો વિશે વાત કરી. દરેક મીટિંગમાં આવા બીનઆધારભૂત આક્ષેપો કરતા રહેવાથી સમય જતા તે દેખીતી રીતે અસરહીન જ બની જાય છે.
શીખો ભારતમાં મોટી અને પ્રત્યક્ષ દેખાતી લઘુમતી છે. પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા તેમના બે શીખ બોડીગાર્ડ્સ દ્વારા ૩૧ ઓકટોબરે કરવામાં આવી તે જ દિવસે દિલ્હીમાં ૩૦૦૦ તે તેથી વધુ શીખોની નિર્મમ હત્યાઓ થઈ તેમાં કોંગ્રેસની ભૂમિકા વિશેનો પ્રશ્ન એક મેળાવડામાં પૂછાયો ત્યારે રાહુલ કદાચ કહી શક્યા હોત તો તે ખરેખર ઘણી કરુણ ઘટના હતી અને તેઓ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત બદલ દિલગીરી ધરાવે છે અને આ કરુણાંતિકામાં કોંગ્રેસ પક્ષ પોતે મુખ્ય અપરાધી ન હતો. તેઓ એ પણ સ્વીકારી શક્યા હોત કે હા, આ ઘટનાના ચાર મુખ્ય આરોપી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હતા. પણ ના, આના બદલે તો તેમણે દરેક બાબતમાં આરએસએસ પર દોષનો ટોપલો નાખવાની રમત આરંભી અને છેલ્લે મુસ્લિમ બ્રધરહૂડ સાથે પણ સરખામણી કરી નાખી. તમે આટલા નીચે કેવી રીતે ઉતરી શકો?
કોંગ્રેસ પાર્ટી આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરવાની આશા રાખે છે અને તેમાં કશું ખોટું નથી. પરંતુ, તેમની પાસે યોગ્ય રણનીતિ હોવી જોઈએ અને હકીકત એ છે કે રાહુલ ગાંધી પાસે આ નથી. તેમના નિષ્ણાત સલાહકારોએ પણ સમજવું જોઈએ કે જો કોંગ્રેસ પાર્ટી ખુલ્લેઆમ તેની પ્રણાલીગત વોટબેન્કને સુગઠિત કરવાની ઈચ્છા રાખશે, તો દેખીતી રીતે અને અનિવાર્યપણે જ ભારતની વિશાળ હિન્દુ બહુમતી આજ મત ધરાવતી થઈ જશે. રાહુલ ગાંધીને કદાચ એવી આશા સાથે કાદવઉછાળ પ્રવૃત્તિમાં લાગ્યા રહેવાની સલાહ અપાઈ હશે કે થોડો ઘણો તો કાદવ ચોંટી જશે. પરંતું, દેખાય છે એટલું આ સરળ નથી. જે લોકો બીજા સામે કાદવ ફેંકતા રહે છે તેઓ કદી સમજતા નથી કે થોડો ઘણો કાદવ પોતાને પણ લાગશે.
બે મહત્ત્વના પ્રશ્નો છે. કદાચ રાહુલ ગાંધી અથવા તેમના સલાહકારોએ તેને ભારે કાળજીપૂર્વક વિચારવા જોઈશે. પ્રથમ તો એ કે, શા માટે બ્રિટિશ મીડિયા અને ખાસ કરીને વડા પ્રધાન મોદી અથવા ભાજપના કટુ આલોચક તરીકે જાણીતા મીડિયા રાહુલના સંભાષણો અથવા તેમની મુલાકાતનું રિપોર્ટિંગ કરવાથી સંપૂર્ણપણે અળગું રહ્યું હતું? બીજો પ્રશ્ન એ કે, રાહુલ ગાંધી મિનિસ્ટર્સ અથવા શાસક પક્ષના નેતાઓને બાજુએ રાખીએ તો પણ મહત્ત્વના સાંસદોને શા માટે મળી જ શક્યા નહિ. મારો નમ્ર મત એવો છે કે તેઓને લાગ્યું હશે કે રાજકારણમાં રાહુલ ગાંધીનું ભવિષ્ય અંધકારમય છે. ભારતસ્થિત બ્રિટિશ રાજદ્વારીઓ અથવા જર્નાલિસ્ટ્સે કદાચ રાહુલ ગાંધીને વધુપડતું મહત્ત્વ નહિ આપવા સલાહ આપી હશે. જો આવા માંધાતાઓને ખરેખર એમ લાગ્યું હોત કે રાહુલ ગાંધી પાણીદાર નેતા છે તો તેઓ કોઈ જાતના દબાણ કે સમજાવટ વિના જ આપમેળે તેમને મળવા અને વૈચારિક આદાનપ્રદાન કરવા થોકબંધ ઉમટી પડ્યા હોત.
મને સૌથી વધુ ચિંતા તો શાસક પક્ષનો સપોર્ટ ધરાવતી સંસ્થા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા દ્વારા રાહુલ ગાંધીની મીટિંગ યોજવામાં આવી તે વિશે છે. આમંત્રણો મોકલાઈ ગયા અને છેલ્લી ઘડીએ મીટિંગને પાર્લામેન્ટમાં અન્ય સ્થળે ગોઠવવામાં આવી. લેબર પાર્ટીના બે સાંસદો ઉપસ્થિત હતા અને કન્ઝર્વેટિવ પાર્ટીના કોઈ પ્રતિનિધ હાજર ન હતા. વિચિત્ર ઘટના તો એ થઈ કે રાહુલ ગાંધી ગ્રાન્ડ કમિટી રુમમાં જઈ રહ્યા હતા ત્યારે જ શેડો કેબિનેટના સભ્ય અને લેબર સાંસદ તથા આનંદ શર્માએ શેડો કેબિનેટના કેટલાક સભ્યોને મળવા ૧૦ મિનિટ માટે ચાલીને અન્ય સ્થળે જવા તેમને આગ્રહ સાથે સમજાવી લીધા. સુઆયોજિત બેઠક શા માટે એક કલાક વિલંબમાં પડી? રાહુલ ગાંધીના પ્રવાસનું આયોજન પણ તેમની રાજકીય વ્યૂહરચના સાથે ઘણું સામ્ય ધરાવતું લાગ્યું. દરેક તબક્કે ગૂંચવાડાનો કોઈ પાર ન હતો.
મારું ધ્યાન ૩૧ ઓગસ્ટે ભારતમાં કોંગ્રેસ પાર્ટીની માલિકીના દૈનિક નેશનલ હેરલ્ડમાં પ્રસિદ્ધ ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન, યુરોપના ચેરમેન આશિષ રેના રિપોર્ટ તરફ ખેચવામાં આવ્યું હતું. સ્વાભાવિક રીતે જ આ રિપોર્ટ અત્યંત પોઝિટીવ હતો, જેમાં રાહુલ ગાંધીની પ્રવૃત્તિઓને અસ્વાભાવિક ભભકાદાર અંજલિ અપાઈ હતી. તેમાં રાયસ્લીપની જાહેર મીટિંગને હાઈલાઈટ કરવામાં આવી હતી, જે વાસ્તવમાં તો તમાશો જ હતી, જેના માટે સન્માનીય બ્રિટિશ પત્રકારોએ સંપૂર્ણ ફિયાસ્કો જેવો શબ્દપ્રયોગ કર્યો હતો.
આ રિપોર્ટમાં એશિયન વોઈસનો નામ લીધા વિના જ ગૌરવશાળી ઉલ્લેખ કરાયો હતો, જેમાં લેખકે તેને ‘વોઈસ ઓફ મોદી’ તરીકે જ ઓળખાવ્યું હતું. ખેદજનક તો એ છે કે આશિષ રે જેવા ક્ષમતાપૂર્ણ રિપોર્ટર રાહુલ ગાંધીની મુલાકાત અગાઉ અને તેમના સંબોધનો પછી પણ જે વાજબી અને નૈતિકતાપૂર્ણ રિપોર્ટિંગને નિહાળવામાં નિષ્ફળ ગયા હતા.
ભારતમાં તાજેતરના દિવસોમાં થયેલ જનમતના આંકડા અનુસાર સંભવિત વડા પ્રધાન તરીકે રાહુલ ગાંધીને માત્ર ૧૧ ટકા જ સમર્થધન સાંપડ્યું છે તેમાં કોઈ નવાઈ નથી.