ત્રિશંકુ સંસદની આગાહીઓ વચ્ચે વડાપ્રધાન બીજી ટર્મ માટે આશાવાદી

અમારી પાર્ટી પાસે જ જનતાની પ્રાથમિકતાઓ પુરી કરવાની યોજનાઃ સુનાક

Tuesday 07th May 2024 12:17 EDT
 
 

લંડનઃ કાઉન્સિલ અને મેયરની ચૂંટણીઓમાં મોટી પછડાટ મળ્યા બાદ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે બ્રિટન ત્રિશંકુ સંસદ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે કન્ઝર્વેટિવ નેતાઓ અને સાંસદોને લેબર પાર્ટીનો સામનો કરવા એકજૂથ થવા અને મતભેદોને હાંસિયામાં ધકેલી દેવા અપીલ કરી હતી. વડાપ્રધાને સ્વીકાર્યું હતું કે, આ પરિણામો કન્ઝર્વેટિવ પાર્ટીને ઘણી હતાશ કરનારા છે. સુનાકે પ્રમાણિકતાથી સ્વીકાર્યું હતું કે આગામી સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી બહુમતી ગુમાવી શકે છે પરંતુ મતદારો પણ નાની પાર્ટીઓના સમર્થનથી આગળ આવેલી લેબર પાર્ટીને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં જોવા ઇચ્છતા નથી. અમારી પાર્ટી પાસે જ વચનોનું પાલન કરવાની યોજના છે.

વડાપ્રધાને જણાવ્યુ હતું કે મારા ટીકાકારો ચીતરી રહ્યાં છે એટલી બદતર સ્થિતિ નથી. તાજેતરની ચૂંટણીમાં થયેલા મતદાનમાં કન્ઝર્વેટિવ પાર્ટી લેબર પાર્ટી કરતાં મત મેળવવામાં ફક્ત 9 પોઇન્ટ પાછળ છે. જો સંસદની ચૂંટણીમાં આ સિલસિલો યથાવત રહે તો લેબર પાર્ટીને સંપુર્ણ બહુમતી માટે 32 બેઠકની ખોટ પડશે. આ પરિણામ બતાવે છે કે બ્રિટનમાં ત્રિશંકુ સંસદની રચના થઇ શકે છે અને તેમાં લેબર પાર્ટી સૌથી મોટી પાર્ટી હશે. જો લેબરપાર્ટી એસએનપી, લિબરલ ડેમોક્રેટ અને ગ્રીન પાર્ટીના સમર્થનથી સત્તા હાંસલ કરશે તો તે બ્રિટન માટે મોટી હોનારત પૂરવાર થશે. દેશને પોલિટિકલ હોર્સ ટ્રેડિંગની નહીં પરંતુ એક્શનની જરૂર છે. જનતાની પ્રાથમિકતાઓ પુરી કરવામાં અમારી પાર્ટી જ સફળ થઇ શકે તેમ છે.

સુનાકે જણાવ્યું હતું કે, હું મતદારોનો રોષ સમજી શકું છું પરંતુ મને વિશ્વાસ છે કે હું આગામી ટર્મ માટે વિજયી બની શકું છું. છેલ્લા કેટલાક વર્ષ દેશ માટે આકરાં રહ્યાં છે. પરંતુ અમે વચનોનું પાલન કરી શકીએ છીએ તેવો જનતાને વિશ્વાસ અપાવવા પ્રતિબદ્ધ છું.

કાઉન્સિલની ચૂંટણીઓમાં કારમા પરાજય છતાં વડાપ્રધાન રિશી સુનાકે આગામી સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વિજયની સંભાવનાઓનો આશાવાદ છોડ્યો નથી. સ્થાનિક ચૂંટણીઓના અંતિમ પરિણામ બાદ પહેલા જાહેર વાર્તાલાપમાં તેમણે જણાવ્યું હતું કે, સરવે ભલે ગમે તે કહેતા હોય પરંતુ કન્ઝર્વેટિવ મુકાબલો કરવામાં સક્ષમ છે. સ્થાનિક ચૂંટણીમાં પરાજયથી સંસદની ચૂંટણીના પરિણામોનું તારણ આપી શકાય નહીં.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના બે ચૂંટણી નિષ્ણાતોએ તારણ આપ્યું હતું કે, સ્થાનિક સત્તામંડળોમાં થયેલા મતદાનની પેટર્ન સંસદની ચૂંટણીમાં પણ જળવાઇ રહેશે તો ત્રિશંકુ સંસદની નોબત આવી શકે છે. પરંતુ સુનાકે જણાવ્યું હતું કે, આ એક તર્કવિહિન તારણ છે. તેથી હું જે માનુ છું તે માટે આકરી મહેનત કરવા પ્રતિબદ્ધ છું. હું ભવિષ્યના યુકે માટે જે કરવા માગુ છું તે કરવા જઇ રહ્યો છું. હું જનતાની મહત્વની સમસ્યાઓ માટે નક્કર પરિણામ આપવા માગુ છું. હું દેશને બતાવવા માગુ છું કે આપણે પ્રગતિ કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter