થેરેસા મે ભારત અને યુકેના સંબંધોને નુકસાન પહોંચાડે તેવો ભારતીયોને ડર

Tuesday 26th July 2016 10:03 EDT
 
 

લંડનઃ યુકેમાં કામ કરતા ઘણા ભારતીયોએ ભારતથી આવતા માઇગ્રન્ટ્સને સારી નોકરીઓની તકો મળી રહે તેવી આશા સાથે ૨૩ જૂનના રેફરન્ડમમાં બ્રેકઝિટ માટે મત આપ્યો હતો. પરંતુ હવે તેમને પોતાની વિવેકબુદ્ધિ પર ગંભીર શંકા જાગી છે. કારણ કે બ્રિટનના નવા પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મે ભારતીયો સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પ્રત્યે દુશ્મનાવટ દર્શાવતા દેખાયાં હોવાથી ભારત અને યુકે વચ્ચેના વધુ સારા અને મજબૂત સંબંધો વિશે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. બીજી તરફ ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસને ભારત પાસેથી ૪.૪ મિલિયન પાઉન્ડ લેણા નીકળતા હોવાના આક્ષેપ કરતાં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોને પણ નુકસાન પહોંચ્યું છે.

યુકેની યુનિવર્સિટીઓમાં ૨૦૧૪-૧૫માં ભારતીય વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની નોંધણી ૧૦૧૨૫ થઈ છે. જે ગત વર્ષોની સરખામણીએ ૧૦ ટકા ઘટી છે. રૂપિયાની સામે પાઉન્ડની કિંમત ઘટતા વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ માટે આવી શકશે તેવી કોમ્યુનિટીની આશા પણ હવે અશક્ય દેખાઈ રહી છે.

ડેઈલી ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર વડા પ્રધાન ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ઉપર ત્રાટકવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેમની દલીલ છે કે આ સંસ્થાઓ આર્થિક માઇગ્રન્ટસના બ્રિટનમાં પ્રવેશ માટે સરળ માર્ગ બની છે. સ્ટુડન્ટસ વિઝાના માપદંડો વધુ કડક બનાવી શકાય તે માટે હોમ ઓફિસ અને શિક્ષણ વિભાગ નિયમોની ચકાસણી કરી રહ્યાં છે. મિનિસ્ટર્સને લખેલાં પત્રમાં વડા પ્રધાને દલીલ કરી છે કે યુનિવર્સિટીઓએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉપર આધારિત રહેવું ના પડે તેવા ટકાઉ ભંડોળ મોડેલ્સ વિકસાવવા જોઈએ. નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટસના ઈન્ટરનેશનલ ઓફીસર મોસ્તોફા રાજાઈએ જણાવ્યું છે કે હોમ સેક્રેટરી હતાં ત્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરફ થેરેસા મેના વલણના કારણે ૩૦ વર્ષમાં પ્રથમ વખત યુકે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. અત્યારે પણ બ્રિટિશ સ્ટુડન્ટ વિઝા નિયમો વિશ્વમાં સૌથી કડક હોવાના કારણે હાયર એજ્યુકેશન સેકટરને ભારે નુકસાન જાય છે.

બીજી તરફ બ્રિટનના ભારત પાસે ૪.૪ મિલિયન પાઉન્ડ લેણા નીકળતા હોવાના આક્ષેપ સાથે બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને નુકસાન પહોંચ્યું છે. ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોનસને પાર્લામેન્ટને જણાવ્યું હતું કે લાખો પાઉન્ડના નહીં ચૂકવેલા બિલ્સ સાથેના વિદેશી મિશનોની લાંબી યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનના ૨૦૧૬ના આંકડા અનુસાર ભારતીય રાજદ્વારીઓ છેક ૨૦૦૩થી વણચૂકવેલા નાણાં રૂપે ૪.૪ મિલિયનનું દેવું ધરાવે છે. મોટા ભાગની રકમ વાહનો દ્વારા સેન્ટ્રલ લંડનના માર્ગોના ઉપયોગ અંગેના કન્જેશન ચાર્જ સંબંધિત છે. ભારત સહિત ૯ મિશનોના રાજદ્વારીઓ દ્વારા ૧૧ ગંભીર ગુનાઓ કરાયા છતાં ડિપ્લોમેટિક ઈમ્યુનિટીના કારણે તેઓ સામે કામ ચલાવી શકાયું નથી.

જોકે લંડનસ્થિત ભારતીય હાઈકમિશને સતત એવું વલણ રાખ્યું છે કે કમિશનના વાહનો દ્વારા લંડનના ઝોન્સનો ઉપયોગ કરવા બદલ કોઈ કન્જેશન ચાર્જ ચૂકવવાનો બાકી રહેતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter