વડા પ્રધાન થેરેસા મેના બ્રેક્ઝિટ પ્લાનની આખરે ઐતિહાસિક કારમી હાર થઈ છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા લેવાયેલો આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. બ્રિટનના ઈયુ સાથેના ભાવિ સંબંધો દર્શાવતી થેરેસા મેની સમજૂતી આગળ વધારવાની તેમની આકાંક્ષા પર પાણી ફરી વળ્યું છે ત્યારે આગામી દિવસોમાં શું થશે તે જાણવાનો ઈન્તજાર સહુને રહે તે સ્વાભાવિક છે. બ્રેકિઝિટ સોફ્ટ કે હાર્ડ રહેવું જોઈએ અથવા નોર્વે સ્ટાઈલ કે કેનેડાની સ્ટાઈલના સંબંધો રાખવા જોઈએ તે બાબતે રાજકારણીઓ ભારે વિભાજિત છે.
બ્રિટન સમક્ષ હવે નીચે મુજબની પરિસ્થિતિ અને વિકલ્પ રહેલાં છેઃ
(૧) પ્લાન બીઃ થેરેસા મેએ ઈયુ સાથે સમજૂતી સાદી હતી, જેને પાર્લામેન્ટે ભારે બહુમતીથી ૧૫ જાન્યુઆરી, મંગળવારની રાત્રે ફગાવી દીધી છે. આ સંજોગોમાં વડા પ્રધાને તેમના પ્લાન બી સાથે આગળ આવવું પડશે. ગત સપ્તાહે ટોરી રીમેઈનર ડોમિનિક ગ્રીવે મૂકેલા સુધારાને સાંસદોએ બહાલી આપી હતી, જેના પરિણામે વડા પ્રધાન પાસે નવી યોજના સંસદ સમક્ષ મૂકવાનો ત્રણ દિવસનો કામકાજનો સમય રહ્યો છે. આનો અર્થ એ છે કે તેઓ હવે આગળ શું કરશે તે સ્પષ્ટ કરવા તેમણે ૨૧ જાન્યુઆરીએ સંસદ સમક્ષ આવવું પડશે. વડા પ્રધાને અત્યાર સુધી તો તેમનો પ્લાન બી શું હશે તે જણાવ્યું નથી પરંતુ, નો-ડીલ બ્રેક્ઝિટ નહિ થાય તેની સ્પષ્ટતા અને ઈયુ સાથે વાટાઘાટો કઈ દિશામાં લઈ જવાશે તે તેમણે સાંસદોને જણાવવું પડશે. રીમેઈનર્સ જૂથ નોર્વે સ્ટાઈલ બ્રેક્ઝિટ માટે જ્યારે, બ્રેક્ઝિટતરફી જૂથ બ્રિટનને ઈયુના કસ્ટમ યુનિયન અને સિંગલ માર્કેટમાંથી બહાર રાખતી કેનેડા સ્ટાઈલ ફ્રી ડીલ માટે વડા પ્રધાન પર દબાણ કરી રહ્યું છે
(૨) રીમેઈનર્સ પ્લોટઃ વડા પ્રધાનની સમજૂતી મતદાનમાં ફગાવી દેવાય અને તેઓ ત્રણ દિવસમાં નવી યોજના આપી ન શકે તેવા સંજોગોમાં ટોરી રીમેઈનર્સ જૂથે બ્રેક્ઝિટ વાટાઘાટ પોતાના હસ્તક લેવાની યોજના તરતી મૂકી છે. ટોરી સાંસદ નિક બોલ્સે જણાવ્યું છે કે જો આમ થાય તો રીમેઈનર્સના પ્રભુત્વ સાથે ૩૨ સીનિયર સાંસદની લાયેઝન કમિટીએ વાટાઘાટો પોતાના હસ્તક લેવી જીએ. પૂર્વ ટોરી મિનિસ્ટર્સ ઓલિવર લેટવિન અને ડોમિનિક ગ્રીન આ યોજનામાં સંકળાયેલા હોવાનું મનાય છે. સરકારને કોરાણે રાખવાની આ યોજના પાર્લામેન્ટના નિયમોનો ભંગસમાન છે પરંતુ, આ શક્ય છે કે નહિ તેનો આખરી નિર્ણય કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોનો રહેશે. સ્પીકરે સ્પષ્ટ કહ્યું છે કે બ્રેક્ઝીટની વાત હશે તો તેઓ નિયમો બદલવા તૈયાર રહેશે. સરકાર માને છે કે પ્લાન સફળ થાય તો કમિટીના સાંસદો નોર્વે સ્ટાઈલના સોફ્ટ બ્રેક્ઝિટને આગળ ધપાવશે, જે યુકેને સિંગલ માર્કેટમાં રાખશે અને લોકોની અવરજવર મુક્ત રહેશે.
(૩) નો ડીલ પ્લાનઃ ઈયુ સાથે થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીને પાર્લામેન્ટે ફગાવી દીધી છે અને નવી યોજના પર તત્કાળ સમજૂતી ન સધાય તો બ્રિટન કોઈ પણ સમજૂતી વિના (નો-ડીલ) ઈયુની બહાર નીકળી જશે. જોકે, નો-ડીલથી બ્રિટિશ અર્થતંત્રને ભારે નુકસાન જશે તેવી દલીલ સાથે ઘણાં સાંસદોએ તેનો જોરદાર વિરોધ કરવાની ચેતવણી આપી જ છે. CBI અને આર્થિક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે નો-ડીલના પરિણામે યુકેના અર્ધથતંત્રનું કદ આઠ ટકા જેટલું ઘટી જશે અને દેશ ગંભીર મંદીમાં ધકેલાશે. વડા પ્રધાન નો-ડીલને સમર્થન આપશે તો ગ્રેગ ક્લાર્ક, અમ્બર રડ અને ડેવિડ ગોકે સહિત કેબિનેટ મિનિસ્ટર્સ પણ સરકાર છોડે તેવી શક્યતા છે. બીજી તરફ, બોરિસ જ્હોન્સન અને જેકોબ રીસ-મોગ જેવા કટ્ટર બ્રેક્ઝીટીઅર્સનું જૂથ કહે છે કે નો-ડીલ બ્રેક્ઝિટ વિશે કશું ડરવા જેવું નથી. આ જૂથ નો-ડીલ બ્રેક્ઝિટને ઈયુ સાથે કેનેડા પ્લસ સ્ટાઈલની વેપારસંધિ તરફ આગળ વધવા સમાન ગણાવે છે.
(૪) અવિશ્વાસ પ્રસ્તાવઃ વડા પ્રધાનની બ્રેક્ઝિટ સમજૂતીને પાર્લામેન્ટે ફગાવી દેવાની સાથે જ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને થેરેસા સરકારમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. પ્રસ્તાવ પર ૧૬ જાન્યુઆરી, બુધવારે મતદાન થવાનું છે. જો આ પ્રસ્તાવમાં પણ સરકારનો પરાજય થાય તો કોઈ પણ સાંસદ તેને અટકાવવા અને સાંસદોનો વિશ્વાસમત હાંસલ કરવા કામકાજના ૧૪ દિવસનો સમય મેળવી શકે છે. જો તેમાં સફળ નીવડે તો તે વડા પ્રધાન બની શકે છે. જો કોઈ પાર્ટીનો નેતા બે સપ્તાહમાં આમ કરી ના શકે તો સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. જોકે, થેરેસા મેને હટાવવા માટે કોર્બીનનો અવિશ્વાસનો પ્રસ્તાવ નિષ્ફળ જઈ શકે છે કારણકે ટોરી પાર્ટીના તમામ સાંસદો અને ડીયુપીએ થેરેસા સરકારને બચાવવાનું જાહેર કરી દીધું છે.
(૫) સામાન્ય ચૂંટણીઃ લેબર પાર્ટી તો સામાન્ય ચૂંટણીની માગણી કરી જ રહી છે. જોકે, કેટલાક રાજકીય નીરિક્ષકો માને છે કે પાર્લામેન્ટમાં રાજકીય મડાગાંઠને ઉકેલવા ટોરી પાર્ટી પણ આખરે સામાન્ય ચૂંટણી જાહેર કરી શકે છે. ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ્સ એક્ટ હેઠળ થેરેસા મેએ કોમન્સ તેના માટે સંમત થાય તેમ કરવું પડે. જોકે, ઘણાં સાંસદો પોતાની બેઠક ગુમાવવાના તેમજ કોર્બીનને સત્તા મળી જશે તેવા ભયથી આવી ચૂંટણીનો સખત વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ, વડા પ્રધાનની સમજૂતીને સંસદે ફગાવી દીધી છે અને યુકે ૨૯ માર્ચે ઈયુ છોડે તે અગાઉ વર્તમાન સાંસદો અન્ય વિકલ્પ મુદ્દે સંમત ન થઈ શકે તો આનું નિરાકરણ નવા સાંસદો લાવી શકે તે હેતુસર પણ નવી ચૂંટણીનો વિકલ્પ દેશની જનતા સમક્ષ મૂકાઈ શકે છે.
(૬) સેકન્ડ રેફરન્ડમ — કેટલાક સાંસદો બ્રેક્ઝિટ મુદ્દે બીજો જનમત મેળવવાની તરફેણ કરી રહ્યા છે. અગાઉ જનમત લેવાયાને હજુ ત્રણ વર્ષ પણ થયાં નથી અને સાંસદો ઈયુ સાથે સમજૂતી મુદ્દે વિભાજિત છે ત્યારે આ મુદ્દો ફરી પ્રજા સમક્ષ લઈ જવો જોઈએ તેવી દલીલ છે. લેબર પાર્ટીના ઘણા સાંસદ, લિબરલ ડેમોક્રેટ્સ તેમજ ટોરી સાંસદોનું શક્તિશાળી જૂથ સેકન્ડ રેફરન્ડમની તરફેણ કરી રહ્યું છે. જોકે, થેરેસા મેએ તેઓ વડા પ્રધાન હશે ત્યાં સુધી બીજો જનમત લેવાશે નહિ તેમ વારંવાર જણાવ્યું છે. બીજી તરફ, વડા પ્રધાનની સમજૂતી અને વર્તમાન શરતોએ ઈયુમાં રહેવાનો વિકલ્પ અપાવો જોઈએ કે વિશ્વ વેપાર સંસ્થા (WTO)ની જોગવાઈ સાથે નો-ડીલના વિકલ્પોમાંથી મતપત્ર પર શું લખાવું જોઈએ તેના વિશે પણ મતભેદ છે.