લંડનઃ યુરોપિયન યુનિયનથી અળગા થવાના સંપૂર્ણ બ્રેક્ઝિટ પ્લાન વિશે જણાવતાં વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈયુની અંશતઃ અથવા એસોસિયેટ મેમ્બરશિપને નકારે છે. બ્રિટન પોતાની સરહદો પરનો અંકુશ પાછો મેળવશે તથા સિંગલ માર્કેટ અને યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસને છોડી દેશે. યુકે બ્રસેલ્સ બ્લોકની બહાર તેજસ્વી ભાવિની તરફેણમાં વ્યાપક પાંખ ધરાવતું મહાન વેપારી રાષ્ટ્ર બની રહેશે. ઈયુમાં અડધા અંદર અને અડધા બહાર રાખે તેવા કોઈ સોદાને બ્રિટન સ્વીકારશે નહિ. તેમણે કહ્યું હતું કે અમે સ્વતંત્ર, ગ્લોબલ બ્રિટન તેમજ ઈયુમાં અમારા મિત્રો અને સાથીઓ વચ્ચે નવી અને સમાન ભાગીદારી માગીએ છીએ.
વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે યુનાઈટેડ કિંગ્ડમ યુરોપિયન યુનિયનને છોડી રહ્યું છે ત્યારે અમે બીજા રાષ્ટ્રોએ અપનાવેલા મોડેલને અનુસરવા માગતા નથી. મારું કાર્ય યુકે માટે યોગ્ય સોદો મેળવવાનું છે. જોકે, તેઓ સભ્યો વચ્ચે ટેરિફમુક્ત વેપાર અને માલસામાનની હેરફેરની છૂટ આપતા કસ્ટમ્સ યુનિયનને છોડવા વિશે કશું જણાવશે નહિ પરંતુ, બાકીના વિશ્વ સાથે એકલા વેપાર સોદાઓને અંકુશિત કરતા અથવા યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ પાસેથી યુકેના સાર્વભૌમત્વને પાછા મેળવવાની ક્ષમતાને નિયંત્રિત કરતી કોઈ પણ જોગવાઈને સ્વીકારશે નહિ.
સેન્ટ્રલ લંડનમાં વિદેશી રાજદૂતો સહિતના ઓડિયન્સને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે,‘બ્રિટિશ પ્રજાએ આંખો ખુલ્લી રાખીને જ બ્રેક્ઝિટ માટે મતદાન કર્યું છે. યુકે અમારા ઈયુ પાર્ટનર્સ માટે શ્રેષ્ઠ મિત્ર અને પડોશી બની રહેશે. અમે મુક્ત અને સલામતપણે તમારો માલસામાન ખરીદવા અને અમારો માલસામાન તમને વેચવા માગીએ છીએ.
થેરેસા મેના ૧૨ ઉદ્દેશની યાદીમાં ઈયુ વર્કર્સ માટે વિઝા નિયમો સાથે યુકેની સરહદો પર અંકુશ પાછો મેળવવો, યુરોપિયન કોર્ટના ચુકાદાઓને માન્ય નહિ રાખી બ્રિટિશ સાર્વભૌમત્વની પુનઃસ્થાપના, ઈયુ અને બાકીના વિશ્વ સાથે બ્રિટન માટે મહત્તમ વ્યાપારી તકોનું સર્જન, બ્રિટનમાં રહેતા ૩૦ લાખ ઈયુ નાગરિકોને અહીં વસવાટ કરવા દેવા તેમજ વિદેશ (ઈયુ) રહેતા બ્રિટિશરો માટે આવી જ વ્યવસ્થાની સમજૂતી, સ્કોટલેન્ડ માટે વિશે, વ્યવસ્થા, યુકેને ઈન્વેસ્ટમેન્ટ અને અભ્યાસ માટે આકર્ષક સ્થળ બનાવવું તેમજ વર્કર્સના અધિકારોના રક્ષણ અને વૃદ્ધિનો સમાવેશ થાય છે. જો બ્રસેલ્સ સોદાનો ઈનકાર કરશે તો દેશ તેની સામે ઝૂકશે નહિ તેમ પણ વડા પ્રધાને જણાવ્યું હતું. દરમિયાન, ચાન્સેલર ફિલિપ હેમન્ડે ઈયુ સાથે ટેરિફમુક્ત વેપારની સમજૂતી ન થાય તો બિઝનેસ ટેક્સીસમાં ભારે કાપ મૂકવાની પણ ધમકી આપી છે.