લંડનઃ ભારે દેવાના બોજ હેઠળ દબાયેલી ૧૭૮ વર્ષ જૂની બ્રિટિશ ટ્રાવેલ એજન્સી અને એરલાઈન થોમસ કૂક આખરે ૨૩ સપ્ટેમ્બર સોમવારે બંધ પડી ગઈ હતી. તમામ બુકિંગ્સ અને ફ્લાઈટ્સ રદ કરી દેવાતાં વિશ્વના ૧૮ દેશોના ૫૦થી વધુ સ્થળોએ રજા ગાળવા ગયેલા તેના ૧૫૬,૦૦૦ બ્રિટિશ પર્યટકો રઝળતાં થઈ ગયા હતા. થોમસ કૂકના પ્રત્યેક પર્યટકને યુકે પરત લાવવા દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ નાગરિકોની સૌથી મોટી સ્વદેશાગમન કાર્યવાહી ‘ઓપરેશન મેટરહોર્ન’નો આરંભ કરી દેવાયો છે. સૌપ્રથમ ૬૧ ફ્લાઈટસમાં ૧૫,૦૦૦ પ્રવાસીને સ્વદેશ લાવવામાં આવ્યા હતા. સિવિલ એવિયેશન ઓથોરિટી (CAA)ના ફ્લાઈટ પ્રોગ્રામ્સમાં આશરે ૧૦૦૦ ફ્લાઈટ્સનું આયોજન કરાયું છે જેની પાછળ ૧૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચનો અંદાજ છે. આ કામગીરી ઓછામાં ઓછાં બે સપ્તાહ ચાલશે.
કોસ્ટાસથી ક્યૂબા સુધી રઝળી પડેલા હજારો પર્યટકોની હાલત ખરાબ છે. બ્રિટિશ પ્રવાસીઓએ બચાવની ફ્લાઈટ્સની રાહ જોતા એરપોર્ટ્સ પર જમીન પર સૂઈ રહેવાની ફરજ પડી હતી. CAAના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ મોરિઆર્ટીએ જણાવ્યું હતું કે તેમને શાંતકાળમાં યુકેના સૌથી મોટા વાપસી અભિયાનની સૂચના બ્રિટિશ સરકારે આપી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ન્યૂ યોર્કના બ્રિટિશ કોન્સ્યુલેટની મુલાકાત લીધી હતી જ્યાં, રઝળી પડેલાં પ્રવાસીઓને ઘેર લાવવાની કામગીરીમાં રોકાયેલા સ્ટાફની પ્રશંસા કરી હતી. પ્રવાસીઓને પાછા લવાઈ રહ્યા છે ત્યારે અન્ય ટ્રાવેલ એજન્સીઓ અને એરલાઈન્સ દ્વારા ભાવ વધારી દેવાતા રોષ ફેલાયો છે.
કર્મચારીઓની છટણી કરી દેવાઈ
સ્થાપક થોમસ કૂકના જ નામ સાથેની પ્રસિદ્ધ ટ્રાવેલ ઓપરેટર કંપની ૧૬ દેશોમાં ૯૦૦૦ બ્રિટિશર સહિત ૨૧,૦૦૦ કર્મચારી ધરાવે છે. હવે આ કર્મચારીઓનું ભાવિ તત્કાળ છટણી સાથે અંધકારમય બન્યું છે. થોમસ કૂકના કેટલાક સ્ટાફને તો ફ્લાઈટની અધવચ્ચે જ તત્કાળ અસરથી તેમની છટણી કરાયાની જાણ કરાઈ હતી. સ્ટાફને વેતન નહિ અપાય તેવી જાણ થયા બાદ લાસ વેગાસથી માન્ચેસ્ટર ફ્લાઈટના પેસેન્જર્સે કેબીન ક્રુની મદદ કરવા નાણાની સહાય કરી હતી. કેટલાક સ્ટાફને તો ત્રણ સપ્તાહનું વેતન અપાયું ન હતું.
થોમસ કૂકે ૧૮૪૧માં લોકોને બ્રિટનના શહેરો વચ્ચે ટ્રેનમાં સફર કરાવવા સાથે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. આ પછી કંપનીએ વિદેશમાં પણ મુસાફરીનું આયોજન શરૂ કર્યું હતું. થોમસ કૂક કંપની ૧૮૫૫માં બ્રિટિશ પ્રવાસીઓને એસ્કોર્ટ ટ્રીપ પર યૂરોપના દેશોમાં લઇ જતી પ્રથમ ઓપરેટર બની હતી. આ પછી ૧૮૬૬માં અમેરિકા પ્રવાસની સેવા તેમજ ૧૮૭૨માં સમગ્ર દુનિયાની ટૂર સર્વિસ શરુ કરી હતી. આ પછી ટ્રાવેલ ગ્રુપે વિકાસ સાધ્યા હતો અને છેલ્લે આ ગ્રુપે ૧૬ દેશમાં ૨૧,૦૦૦ લોકોને કામે રાખ્યા હતા તેમજ ૧૦૫ એરક્રાફ્ટ તેમજ તેની બ્રાન્ડની ૨૦૦ હોટેલ્સ અને રિસોર્ટ્સનું સંચાલન તેના હસ્તક હતું.
સ્ટાફ અને લેણદારોને બાકી નાણા પરત કરી શકાય તે માટે ૨૫થી વધુ થોમસ કૂક કંપનીઓ પાસેથી નાણા મેળવી શકાશે કે કેમ તેની ચકાસણી લિક્વિડટર્સ કરશે. ટ્રાવેલ કંપની યુકેની હાઈ સ્ટ્રીટ્સના ૫૫૦ સ્થળો ધરાવે છે. જોકે, તેના વિમાનો લીઝ પર અપાયાં છે, દુકાનો ભાડે અપાઈ છે તેમજ તે થર્ડ પાર્ટી હોટેલ્સ અને ક્રુઝ શિપ્સના બ્રોકર તરીકે કામ કરતી હતી. આમ, તેની મિલકતો ઘણી ઓછી છે.
ટ્રાવેલ એજન્સી થોડાં જ દિવસમાં બંધ થઈ જવાના અહેવાલોથી પર્યટકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. હાલ થોમસ કૂકના ૬૦૦,૦૦૦ ગ્રાહકો રજાઓ ગાળી રહ્યાં છે જેમાંથી ૧૫૦,૦૦૦થી ૧૬૦,૦૦૦ પર્યટકો બ્રિટિશ છે. પેકેજ હોલીડે પર ગયેલા યુકે પર્યટકો ATOLથી રક્ષાયેલા હોવાથી સરકારને તેમને પાછા લાવવા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી સ્વદેશાગમન કાર્યવાહી લોન્ચ કરવાની ફરજ પડશે, જેનો સંભવિત ખર્ચ ૬૦૦ મિલિયન પાઉન્ડ થઈ શકે છે. જોકે, ફ્લાઈટ ઓન્લી પેકેજીસ બુકિંગ ધરાવતા પર્યટકો આગામી ૨૪ કલાકમાં વતન પાછા ન આવે તો વિદેશમાં જ રઝળી પડે તેવી શક્યતા છે. સિવિલ એવિયેશન ઓથોરિટી રઝળેલાં પર્યટકોને સ્વદેશ પાછા લાવવાની તાકીદની બચાવ યોજના સાથે તૈયાર છે.
ટ્રાવેલ ગ્રૂપ સરકાર સહિતના સંભવિત રોકાણકારો સાથે વાતચીત ચલાવી રહ્યું હતું. જોકે, છેલ્લી ઘડીના પ્રયાસો નિષ્ફળ જવાથી ૧.૬ બિલિયન પાઉન્ડના દેવાના બોજ હેઠળ દબાયેલી કંપની ગણતરીના કલાકોમાં નાદાર થઈ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. એમ કહેવાય છે કે કંપનીની લાંબા ગાળાની સ્થિરતા વિશે ચિંતા હોવાથી સરકાર કરદાતાના નાણાથી તેના બચાવમાં આવે તેવી શક્યતા નહિવત હતી. ચીનના ફોસન ટુરિઝમ ગ્રૂપ દ્વારા તેને બચાવી લેવાના પ્રયાસો પણ નિષ્ફળ નીવડ્યા હતા. કંપનીને પોતાનું ભાવિ સ્થિર કરવા તત્કાળ ૨૦૦ મિલિયન પાઉન્ડના ભંડોળની જરૂર હતી અને તેને બચાવી લેવાના છેલ્લી ઘડીના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ પીટર ફ્રાન્કહૌઝરે છેલ્લી ઘડી સુધી નાણા મેળવવા વાતચીત ચલાવી હતી પરંતુ, નિષ્ફળતા સાંપડી હતી. નાદાર જાહેર કરાયા પછી કંપનીના તમામ વિમાનો ભૂમિગત કરાયાં હતાં.
ભારતીય કંપનીને કોઈ અસર નહિ
થોમસ કૂક ઇન્ડિયા તરફથી શનિવારે કહેવાયું કે તે બ્રિટન સ્થિત થોમસ કૂક પીએલસીથી સંબંધ ધરાવતી નથી. કંપનીએ ખાસ સ્પષ્ટતા કરી હતી કે થોમસ કુક ઈન્ડિયા સમગ્રપણે અલગ એકમ છે જેનો માલિકી હક્ક કેનેડાની ફેયરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ પાસે છે, જે કંપનીમાં ૭૭ ટકા શેર ધરાવે છે. બ્રિટનની થોમસ કુક પીએલસી કંપનીના બંધ થવાથી ભારતીય કંપની પર તેની કોઇ અસર નહીં થાય. થોમસ કૂક યુકેએ ૨૦૧૨માં થોમસ કુક ઈન્ડિયાની ભાગીદારી ફેયરફેક્સને વેચી દીધી હતી. કેનેડિયન વોરેન બફેટ તરીકે ઓળખાતા તેમજ હૈદરાબાદમાં જન્મેલા અને હાલ ટોરન્ટોસ્થિત ભારતીય-કેનેડિયન બિલિયોનેર પ્રેમ વત્સ CM ફેયરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સના સ્થાપક, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ છે.