દરિયામાં ઓઈલ લીકેજઃ બીપીને ૨૧ બિલિયન ડોલરનો દંડ!

Friday 22nd April 2016 08:46 EDT
 
 

ન્યૂ ઓર્લિઅન્સઃ વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ અને ગેસ ઉત્પાદક કંપની બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી)ને તેના કદ પ્રમાણે દંડ થયો છે. અમેરિકાના કાંઠે આવેલા મેક્સિકોના અખાતમાં એપ્રિલ-૨૦૧૦માં બ્રિટિશ પેટ્રોલિયમની રીગમાંથી ઓઈલ ઢોળાયું હતું. એ ઓઈલ ઢોળાવા બદલ આજે ન્યૂ ઓર્લિઅન્સ કોર્ટે બ્રિટિશ પેટ્રોલિયમને ૨૦.૮ બિલિયન ડોલરનો તોતિંગ દંડ ફટકાર્યો છે. પર્યાવરણને નુકસાન કરવા બદલ ઈતિહાસમાં નોંધાયેલો આ સૌથી મોટો દંડ છે. કંપનીએ ૧૬ વર્ષના ગાળામાં દંડ ચૂકવવાનો રહેશે.
મેક્સિકોના અખાતમાં આવેલી બ્રિટિશ પેટ્રોલિયમની રીગમાં ૨૦ એપ્રિલ, ૨૦૧૦ના રોજ પ્રચંડ વિસ્ફોટ સાથે દુર્ઘટના સર્જાઇ હતી. એ વખતે દરિયામાં સપાટી ઉપર અને અંદર ઓઈલ ઢોળાયું હતું. આ ઓઈલ અંદાજે ૫૧ કરોડ લિટર જેટલું હતું. ઓઇલના આ વિશાળ જથ્થાના કારણે દરિયાની સપાટી પર સતત ૮૭ દિવસ સુધી કાળું ધબ્બું રહ્યું હતું. આ અકસ્માત વખતે રીગ પર કામ કરતા ૧૧ કામદારો લાપત્તા થઈ ગયા હતા, જેનો આજ દિન સુધી કોઈ અતોપતો નથી. ૧૭ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
દરિયાઇ સપાટી પર તરતા ઓઈલે ફેલાતા ફેલાતા લગભગ ૧.૧૦ લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લીધો હતો. પરિણામે દરિયા પર છવાયેલું ઓઈલનું એ ધાબુ આકાશમાંથી પણ જોઈ શકાતું હતું. નાસાના ઉપગ્રહે છેક અંતરીક્ષમાં ભ્રમણ કરતાં કરતાં દરિયાઇ સપાટી પર તરતા ઓઇલના ધાબાના ફોટોગ્રાફ લીધા હતા.
બ્રિટિશ પેટ્રોલિયમને થયેલા તોતિંગ દંડની રકમનો ઉપયોગ દરિયાઈ સફાઈ, અખાતના કાંઠે આવેલા રાજ્યોના વળતર, પર્યાવરણીય સુરક્ષા વગેરે હેતુ માટે થશે. પર્યાવરણીય નુકસાનનો અભ્યાસ કર્યા પછી અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ૨૦.૮ બિલિયન ડોલરની રકમ નુકસાની પેટે અંદાજી હતી.
આ ચુકાદાને આવકારતા બ્રિટિશ ઓઈલના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે જલ્દીથી કોર્ટના ઓર્ડરનું પાલન શરૂ કરી દઈશું કેમ કે કંપની અત્યારે આ સેટલમેન્ટ ન સ્વીકારે તો દંડ અને ગુનાખોરીની રકમ વધીને ૫૩ બિલિયન ડોલરે પહોંચે એવો કંપનીનો અંદાજ છે.
કંપનીએ દરિયાઇ સપાટી પર ફેલાયેલા ઓઈલનો નાશ કરવા માટે તેને સળગાવવાનો નુસખો અજમાવ્યો હતો. આ પ્રયાસથી ઓઈલ તો બળ્યું, પણ તેનાથી ફેલાતા ધુમાડા સહિતના બીજા પ્રદૂષણો અને પર્યાવરણીય નુકસાનના પ્રશ્નો ઉભા થયા હતા.
બીપીના ટુંકા નામે ઓળખાતી બ્રિટિશ ઓઈલ કંપની જગતની સાત મોટી પેટ્રોલિયમ કંપનીમાં સ્થાન ધરાવે છે. પર્યાવરણને મોટા પાયે નુકસાન પણ આવી મોટી કંપનીઓ જ કરતી હોય છે. આ દંડથી અમેરિકાએ પર્યાવરણને નુકસાન કરતી કંપનીઓ માટે દાખલો બેસાડયો છે.

ઓઈલ આજે પણ નડે છે

ઓઈલ તો ૨૦૧૦માં ઢોળાયું હતું, પણ દરિયામાં ઠલવાતા પેટ્રોલિયમ પેદાશની અસર એમ જલ્દી નાબૂદ થતી નથી. ઓઇલ ઢોળાયું ત્યારે અમેરિકાના ટેક્સાસ, લુઇસિયાના, મિસિસિપી, અલાબામા અને ફ્લોરિડા રાજ્યના કાંઠે અસર થઈ હતી. કુલ મળીને ૨૬ હજાર કિલોમીટર લાંબો દરિયાકાંઠો ઓઈલથી ખરડાયો હતો. દરિયાની સપાટી પર ઢોળાયેલું ઓઈલ તો કંપનીએ એકત્ર કરી લીધું છે, પણ દરિયામાં ભળેલું ઓઈલ હજુ પણ પાણીમાં જોઈ શકાય છે.

નુકસાન સમગ્ર વિશ્વને

ઓઈલનો જથ્થો ભલે અમેરિકાના કાંઠે ઢોળાયો હોય, પણ તેનું નુકસાન જગતભરને થઈ શકે કેમ કે દરિયામાં ઢોળાયેલું ઓઈલ પ્રસરતું પ્રસરતું ગમે ત્યાં પહોંચી શકે છે. ઓઈલથી સૌથી મોટું નુકસાન દરિયાઈ જીવસૃષ્ટિને થતું હોય છે.
ઓઈલ ઢોળાયાના માત્ર છ મહિનામાં જ ૮ હજાર દરિયાઈ જીવોના મોત નોંધાયા હતા. દરિયાઈ ખોરાક પર આધારિત પક્ષીઓના પેટમાં ઓઈલ જવાથી પણ તેમના મોત થયા હતા. જ્યારે સપાટી નીચેના સજીવો ઓઈલના કારણે પૂરતો ઓક્સિજન ન મળતાં ગુંગળાઈ મર્યા હતા. હવે અહીંના સજીવો મુશ્કેલીમાં છે અને કેટલાયની વસતી ઘટી ગઈ છે. તેની વિપરિત અસર સી ફૂડ ચેઈન પર પણ જોવા મળી છે.

મુંબઈના દરિયાકાંઠે ઓઈલ ઢોળાયું હતું

મેક્સિકોના અક્સ્માતના વર્ષે જ મુંબઈના દરિયાકાંઠે પણ ઓઇલ લિકેજ થયું હતું. બે દરિયાઈ જહાજો વચ્ચે અકસ્માત થવાથી આ ઘટના સર્જાઇ હતી. ઘટનાના બે દિવસ બાદ જ્યારે ઢોળાઇ રહેલા ઓઈલ પર અંકુશ મેળવવામાં આવ્યો ત્યાં સુધીમાં દરિયાના પાણીમાં ૮૦૦ ટન ઓઇલ ઠલવાઈ ચૂક્યું હતું. આ વખતે સરકારે વિવિધ પગલાઓ લેવાની જાહેરાત કરી હતી. જોકે આજ દિન સુધી કોઈને દંડ કે સજા થયા નથી કેમ કે સરકારે જ ઓઇલ લિકેજમાં કોનો વાંક છે તે જાહેર થવા દીધું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter