વિરાટકાય સમુદ્ર જહાજ હવામાં તરતું હોય એવી આ તસવીર કમ્પ્યુટરના કોઇ સોફ્ટવેરની કરામત સમજતા હો તો તમે ભૂલ કરો છે. આ તસવીરમાં કોઇ પણ જાતની ભેળસેળ નથી, સો ટચના સોના જેવી સાચી આ તસવીર છે. હવાઈજહાજ હોય તો હવામાં તરે, અને પાણીનું જહાજ પાણી પર તરે... પણ પાણીનું જહાજ હવામાં તરે છે. જાદુના ખેલમાં જાદુગર સ્ટેજ પર કોઈને હવામાં અધ્ધર કરી દેતો હોય એ રીતે ઊંચકાયેલા જહાજની આ તસવીર ઇંગ્લેન્ડના કાંઠે ડેવિડ મોરિસ નામના તસવીરકારે ઝડપી છે. એ તસવીર જોઈને મારા - તમારા આમ આદમી અવશ્ય અચંબિત થયા છે, પણ હવામાનશાસ્ત્રીઓએ તુરંત જ તેનું રહસ્ય પામી ગયા. સત્ય એ છે કે જહાજ પાણી પર છે, હવામાં ઊંચકાયું નથી. જેમ રણભૂમિ પર જળ ન હોવા છતાં ઝાંઝવા દેખાય છે એમ હવાના પ્રવાહ, તાપમાન, પાણીની સ્થિરતા વગેરે હવામાન સંબંધિત એક કરતાં વધુ પરિબળો એક સાથે એકઠા થવાથી જહાજ હવામાં ઊંચકાયું હોય એમ દેખાય છે. જહાજ આસપાસ ફેલાયેલી હવાને કારણે જહાજ નીચેનું પાણી જોઈ શકાતું નથી, એટલે આ ચમત્કારિક લાગતું ચિત્ર સર્જાયું હતું.