લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને બજેટ ૨૦૧૬-૧૭માં ઈન્કમ ટેક્સ સહિત કેટલીક કરરાહતો અને બચત સંબંધિત દરખાસ્તો રજૂ કરી છે. આને ધ્યાનમાં રાખી વ્યક્તિઓ, યુવાન ગ્રેજ્યુએટ્સ, પ્રોફેશનલ્સ, પેન્શનર્સ, પેરન્ટ્સ અને વર્કિંગ કપલ્સ પર ટેક્સની કેટલી જવાબદારી ઉદ્ભવશે કે લાભ મળશે તેની સરળ સમજ અહીં અપાઈ છે.
યુવાન ગ્રેજ્યુએટ્સઃ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સને રોજગાર દરોમાં નોંધપાત્ર સુધારાઓ અને ઈન્કમ ટેક્સ ભર્યા વિના વ્યક્તિ કમાઈ શકે તે પર્સનલ એલાવન્સમાં વધારાનો લાભ અવશ્ય મળશે.
• પર્સનલ એલાવન્સ ૨૦૧૬-૧૭માં ૧૧,૦૦૦ પાઉન્ડ છે તે વધીને ૨૦૧૭-૧૮માં ૧૧,૫૦૦ પાઉન્ડ થશે.
• ૪૦ વર્ષથી નીચેની વયના હોવાથી યુવાન ગ્રેજ્યુએટ્સ આગામી એપ્રિલથી નવા લાઈફટાઈમ ISAમાં બચત કરી શકશે. આનાથી વાર્ષિક ૪,૦૦૦ પાઉન્ડની બચત થશે અને બચત કરાયેલા પ્રત્યેક પાઉન્ડ પર ૨૫ ટકાનું બોનસ મળશે. આનો ઉપયોગ ૬૦ વર્ષની વય પહેલા ઉપાડ કરાય તો પ્રથમ ઘરની ખરીદી માટે જ કરી શકાશે, અન્યથા પાંચ ટકા ચાર્જ લાગુ કરાશે.
સ્વરોજગારી એન્ટ્રેપ્રીન્યોરઃ એન્ટ્રેપ્રીન્યોર્સ અને સ્વરોજગારી લોકોને મદદરૂપ થવા નેશનલ ઈન્સ્યુરન્સ અને બિઝનેસ રેટ્સમાં કાપ સહિતના કેટલાંક પગલાં ચાન્સેલરે જાહેર કર્યાં છે
• એપ્રિલ-૨૦૧૮માં ક્લાસ-ટુ નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો રદ થવાથી ૩.૪ મિલિયન લોકોને દર સપ્તાહે ૨.૮૦ પાઉન્ડની બચત થશે.
• ઈન્કોર્પોરેટેડ બિઝનેસ ધરાવતાં લોકો માટે કોર્પોરેશન ટેક્સ ૨૦૨૦ સુધીમાં ઘટીને ૧૭ ટકા થવાનો લાભ મળશે.
• સ્મોલ બિઝનેસ રેટની રાહત આગામી વર્ષે બમણી થઈ ૧૨,૦૦૦ પાઉન્ડ થશે. આના પરિણામે, ૬૦૦,૦૦૦ લઘુ બિઝનેસીસે કોઈ બિઝનેસ રેટ ચુકવવો નહિ પડે.
• ફ્યુલ ડ્યુટીમાં વધારાની અટકળો હોવાં છતાં તે સ્થગિત રખાઈ છે.
સિંગલ પ્રોફેશનલઃ ઈન્કમ ટેક્સ, લાઈફટાઈમ ISAમાં ફેરફારો અને ઈબે પર વેપાર માટેના એલાવન્સીસ અથવા પોતાની પ્રોપર્ટી ભાડે આપતા યુવાન પ્રોફેશનલ્સને તેનો લાભ મળશે.
• તેમને વધુ ઊંચું પર્સનલ એલાવન્સ મળશે અને આગામી એપ્રિલથી ઊંચા દરે ટેક્સ માટેની આવકમર્યાદા વધીને ૪૫,૦૦૦ પાઉન્ડ થશે.
• જેઓ માલસામાનનું ઓનલાઈન વેચાણ કરે છે અથવા Airbnbપર પ્રોપર્ટી ભાડે આપે છે તેમને વેપાર અને પ્રોપર્ટીમાંથી આવક પર દરેક માટે ૧,૦૦૦ પાઉન્ડના ટેક્સ એલાવન્સીસનો લાભ મળશે.
• આગામી એપ્રિલથી ISAની વાર્ષિક મર્યાદા ૧૫,૦૦૦ પાઉન્ડથી વધીને ૨૦,૦૦૦ પાઉન્ડ થવાથી બચતકારો અને ઈન્વેસ્ટર્સને ફાયદો થશે.
વર્કિંગ કપલ (સંતાનો વિના)ઃ સંતાનવિહોણા વર્કિંગ કપલ્સને પણ ઈન્કમ ટેક્સ અને ISAમાં ફેરફારોનો લાભ મળશે. રોકાણ કરવાની ક્ષમતા ધરાવતા ઊંચી કમાણી કરનારાઓને કેપિટલ ગેઈન્સ ટેક્સમાં નોંધપાત્ર કાપનો લાભ પ્રાપ્ત થશે.
• કેપિટલ ગેઈન્સ ટેક્સમાં કાપ સાથેના નીચાં દરોથી શેર્સમાં રોકાણ કરનારાઓને નોંધપાત્ર ફાયદો થશે, પરંતુ પ્રોપર્ટીના રોકાણમાં લાભ નહિ મળે.
• ૫૫ વર્ષથી નીચેની વયના લોકોને નિયંત્રિત પેન્શન્સ એડવાઈઝના ખર્ચ સામે સરભર કરવા માટે તેમના પેન્શન્સમાંથી ૫૦૦ પાઉન્ડના ટેક્સ ફ્રી ઉપાડની છૂટ મળશે. આની પૂર્ણ વિગતો જાહેર કરાઈ નથી, પરંતુ આનાથી લોકોને પોતાની નિવૃત્તિના આયોજન કરવામાં નિશ્ચિતપણે મદદ મળશે.
૬૫થી વધુ વર્ષના નિવૃત્તોઃ ચાન્સેલરે પેન્શનરોનો એકમાત્ર ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે પેન્શનરોની ગરીબી રહી નથી. ૬૫થી વધુ વયના માટે વિશેષ પગલાં જાહેર કરાયાં નથી અને નિવૃત્ત લોકોને નવા લાઈફટાઈમ ISAઅને હેલ્પ ટુ સેવ સ્કીમ્સમાંથી બાકાત રખાયાં છે.
• ચાન્સેલર ઓસ્બોર્ને બાય-ટુ-લેટ પ્રોપર્ટીઝ પર સ્ટેમ્પ ડ્યુટી સરચાર્જને હળવાં નહિ બનાવીને બાય-ટુ-લેટ લેન્ડલોર્ડ્સ પરનું આક્રમણ યથાવત રાખ્યું છે.
• જોકે, આગામી એપ્રિલથી ૫,૦૦૦ પાઉન્ડના નવા ડિવિડન્ડ એલાવન્સ ઉપરાંત, વધારાયેલાં પર્સનલ એલાવન્સ અને પર્સનલ સેવિંગ્સ એલાવન્સના કારણે ૬૫થી વધુ વયના લોકો સેવિંગ્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સની આવક પર ટેક્સ ટાળી શકશે.
વૃદ્ધ પેન્શનર (૭૫થી વધુ વર્ષ)ઃ વયોવૃદ્ધ પેન્શનર્સ માટે કોઈ ચોક્કસ દરખાસ્તો નથી. જોકે, અગાઉ જાહેર કરાયેલી દરખાસ્તો અનુસાર આગામી વર્ષથી ગ્રાન્ડપેરન્ટ્સના માથા પર ઈન્હેરિટન્સ ટેક્સના બોજાનું દર્દ હળવું અવશ્ય બનશે.
• કેપિટલ ગેઈન્સ ટેક્સના નીચાં દરોથી સૌથી વધુ લાભ મેળવનારાઓમાં વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે. આનું કારણ એ છે કે મિલકતો એકત્રિત કરવા માટે તેમને સૌથી વધુ સમય મળ્યો હતો.
• આગામી વર્ષના એપ્રિલથી ઈન્હેરિટન્સ ટેક્સમાં ફેરફારોના પરિણામે વયોવૃદ્ધ દંપતીઓ માટે તેમની ૮૫૦,૦૦૦ પાઉન્ડના મૂલ્ય સુધીની રહેઠાણ સંપત્તિ ૨૦૧૭-૧૮થી વારસામાં ટેક્સ-ફ્રી છોડી જવાનું શક્ય બનશે. ૨૦૨૦-૨૧થી આ લાભ એક મિલિયન પાઉન્ડના મૂલ્ય સુધી વિસ્તારાશે.
સિંગલ પેરન્ટ્સઃ સિંગલ પેરન્ટ્સને પર્સનલ એલાવન્સમાં વધારો, કરપાત્ર બનવા ઊંચી આવકમર્યાદા તથા અન્ય પગલાંમાંથી લાભ મળશે. અગાઉ, ટેક્સ ક્રેડિટ્સ પર ભારે દબાણ આવવાથી ઘણા પેરન્ટ્સને નુકસાન સહન કરવું પડ્યું છે.
• નવી હેલ્પ ટુ સેવ યોજનાથી યુનિવર્સલ ક્રેડિટ અથવા વર્ક ટેક્સ ક્રેડિટ મેળવનારા સિંગલ પેરન્ટ્સ માસિક ૫૦ પાઉન્ડ સુધીની બચત કરીને બે વર્ષ પછી ૫૦ ટકા એટલે કે ૬૦૦ પાઉન્ડના મૂલ્યના બોનસનો દાવો કરી શકે છે.
• ઘણા લોકો શાળાના સમયમાં બપોરના ૩.૩૦ પછી વધારાનો સારો ઉપયોગ સ્પોર્ટ અને મ્યુઝિક સહિતની પ્રવૃત્તિઓમાં કરવાનો લાભ મેળવી શકશે.
ત્રણ વ્યક્તિનો પરિવાર (બન્ને કાર્યરત)ઃ ત્રણ વ્યક્તિના પરિવારમાં બન્ને પાર્ટનર કામકાજ કરતાં હોય તેવા વર્કિંગ ફેમિલીઝને ઈન્કમ ટેક્સ અને ISAમાં ઊંચી મર્યાદાના ફેરફારોનો લાભ મળશે. આ સિવાય તેમના માટે ઓછાં પણ ચોક્કસ પગલાં પણ છે. યુવાન પેરન્ટ્સ નવા લાઈફટાઈમ ISAનો ઉપયોગ કરી શકે છે.
• વર્કિંગ ફેમિલીઝને અગાઉ જાહેર કરાયેલા ટેક્સ-ફ્રી ચાઈલ્ડકેરનો લાભ મળશે. આ ઉપરાંત, આગામી વર્ષના સપ્ટેમ્બર મહિનાથી વર્કિંગ ફેમિલીઝના ત્રણ અને ચાર વર્ષના સંતાનો માટે સપ્તાહના ૧૫ કલાકના બદલે ૩૦ કલાકના ફ્રી ચાઈલ્ડકેરનો લાભ મેળવી શકશે.
• ધનવાન પરિવારોને આગામી મહિનાથી કેપિટલ ગેઈન્સ ટેક્સમાં કાપથી પણ લાભ મળશે. જોકે, આ લાભ પ્રોપર્ટીના વેચાણ માટે લાગુ પડતો નથી.
ત્રણ વ્યક્તિનો પરિવાર (એક કાર્યરત)ઃ ત્રણ વ્યક્તિના પરિવારમાં એક વ્યક્તિ કામકાજ કરતી હોય તેવા પરિવારોને ઈન્કમ ટેક્સના ફેરફારો અને નવા બચત પ્રોત્સાહનોથી લાભ મળશે. જોકે, કેટલાક પરિવારોને જ્યોર્જ ઓસ્બોર્નના અગાઉના ટેક્સ ક્રેડિટ્સમાં કાપના પગલાંથી ભારે નુકસાન સહન કરવું પડ્યું હશે.
• ટ્રેડિંગ અને પ્રોપર્ટીની આવક સામે નવા ૧,૦૦૦ પાઉન્ડના એલાવન્સીસ દ્વારા સરળ ટેક્સ-ફ્રી આવકને પ્રોત્સાહન મળવાની સારી શક્યતા છે.
• લંડનમાં ક્રોસરેઈલ-ટુ તેમજ માન્ચેસ્ટર અને લીડ્ઝ વચ્ચે હાઈસ્પીડ ૩ રેઈલ લિન્ક જેવાં લેન્ડમાર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના પરિણામે વર્કર્સ તેમને પોસાય તેવા અને પરિવારલક્ષી વિસ્તારો અને સિટી સેન્ટર્સમાં નોકરીઓનાં સ્થળો વચ્ચે વધુ સરળતાથી અવરજવર કરી શકશે.