લંડનઃ રૂટિન ચેક અપ માટે હોસ્પિટલમાં ગયેલા કિંગસ્ટનના રહેવાસી ચંદ્રકાન્ત પટેલને દવાનો વધુ ડોઝ આપવાના કારણે મોત થતાં તે માટની જવાબદારી નક્કી કરવા પરિવાર દ્વારા માગ કરાઇ છે. તપાસમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, ચંદ્રકાન્ત પટેલને પેઇન મેડિકેશનનો 10 ગણો ડોઝ આપી દેવાયો હતો.
કિડનીના દર્દથી પીડાતા ચંદ્રકાન્ત પટેલ 27 ઓક્ટોબર 2022ના રોજ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. તેમની સ્થિતિ બગડતાં ઇમર્જન્સી કેર યુનિટમાં ઓબ્ઝર્વેશન પર રખાયાં હતાં. બીજા દિવસે સવારે તેમને ઘેર જવાનું હતું પરંતુ 27 ઓક્ટોબર 2022ની રાતના 10 કલાકે તેમને પ્રેગાબાલિન દવાનો 50 એમજીનો ડોઝ આપવાને બદલે 500 એમજીનો ડોઝ આપી દેવાયો હતો. જેના પગલે તેમની સ્થિતિ વધુ વણસી હતી. ત્યારબાદ આઇસીયુમાં 43 દિવસ રખાયા બાદ 8 ડિસેમ્બર 2022ના રોજ મોત થયું હતું.