લંડનઃ બ્રિટનનાં ૭૭ વર્ષનાં જેન સોક્રેટ્સ દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ કરનારાં વિશ્વનાં સૌથી વૃદ્ધ મહિલા બન્યાં છે. નોન-સ્ટોપ મુસાફરીમાં તેઓ એકલાં જ હતાં. હેમ્પશાયરના લિમિંગ્ટનનાં જેનને દુનિયાનું ચક્કર કાપવામાં ૩૨૦ દિવસ લાગ્યાં છે, જે એક નવો વિક્રમ છે.
જેને ૩૮ ફૂટ લાંબી નેરીડા બોટમાં પ્રવાસ ખેડ્યો હતો. પ્રવાસ દરમિયાન એક સમયે વાવાઝોડાથી બોટની સોલર પેનલ પણ કામ કરતી બંધ થઈ ગઈ હતી. જોકે તેમ છતાં દાદીમાએ મુસાફરી પૂરી કરી. રોયલ યોટ કલબના જણાવ્યા અનુસાર, જેન ૨૦૧૩માં પણ દુનિયાનું ચક્કર કાપી ચૂક્યાં છે. તે સમય તેમણે ૭૧ વર્ષનાં મિનોરુ સૈટોનો રેકોર્ડ તોડ્યો હતો. મિનોરુ ૨૦૦૫માં દરિયાઈ માર્ગે દુનિયાનું ચક્કર કાપનારાં સૌથી વૃદ્ધ મહિલા હતાં. જેન ૨૦૧૭માં વર્લ્ડ ટૂર પર નીકળ્યા હતાં, પણ બોટ પરથી પડી જતાં તેમની ગરદનનું હાડકું ભાંગી ગયું હતું. જોકે તેઓ હિંમત ન હાર્યા, અને પ્રયાસ ચાલુ રાખ્યો.
નિવૃત્તિ બાદ બોટિંગ શરૂ કર્યું
જેને ૧૯૯૭માં જોબમાંથી રિટાયર થયા બાદ પતિ સાથે બોટપ્રવાસ શરૂ કર્યા. ત્યારથી દંપતી યુરોપ, કેરેબિયન અને અમેરિકાના ચક્કર લગાવી ચૂક્યું છે. ૨૦૦૩માં પતિનું નિધન થયું, પણ જેને બોટિંગ ન છોડ્યું. જેને આ પૂર્વે ૨૦૦૯ અને ૨૦૧૨માં પણ બોટમાં દુનિયાનું ચક્કર કાપવા પ્રયાસ કર્યો હતો.