લંડનઃ લેસ્ટર ઇસ્ટના નવા ટોરી સાંસદ શિવાની રાજાએ મેયર સર પીટર સોલ્બી સાથે મુલાકાત કરી દિવાળી ઇવેન્ટ રદ કરવાના નિર્ણયને પાછો ખેંચવા અપીલ કરી હતી. રાજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળી લાઇટ્સ સ્વીચ ઓન ઇવેન્ટ રદ કરવાનો નિર્ણય પાછો ખેંચવા મેં શહેરના મેયરને જણાવ્યું છે.
લેસ્ટરમાં દિવાળીના પર્વમાં બે ઇવેન્ટ યોજાતી આવી છે. લેસ્ટર કાઉન્સિલ પાસે નાણાનો અભાવ હોવાનું કારણ આપી તેમાંથી એક ઇવેન્ટ રદ કરવાનો નિર્ણય કાઉન્સિલ દ્વારા લેવાયો છે. આ બંને ઇવેન્ટ પાછળ કાઉન્સિલને 2,50,000 પાઉન્ડનો ખર્ચ થતો હોવાનો અંદાજ છે.
મિડ લેસ્ટરશાયરના સાંસદ પીટર બેડફોર્ડ અને વિગસ્ટનના સાંસદ નીલ ઓબ્રાયન સાથે હસ્તાક્ષર કરેલા પત્રમાં શિવાની રાજાએ જણાવ્યું હતું કે, દિવાળીની ઉજવણી આપણા શહેર માટે સાંસ્કૃતિક હોવાની સાથે આર્થિક મહત્વ પણ ધરાવે છે. આ ઇવેન્ટના આયોજન દ્વારા શહેરને 3.5 મિલિયન પાઉન્ડનો લાભ થાય છે. ઇવેન્ટ રદ થવાના કારણે લેસ્ટરના રહેવાસીઓમાં હતાશા છે. મેયર સોલ્સબી આ ઇવેન્ટ રદ થવાના કારણે થનારા આર્થિક નુકસાનને સમજી શક્તાં નથી.
જોકે મેયર સોલ્સબીએ શિવાની રાજા સાથેની મુલાકાત સારી રહી નહોતી. હું નથી જાણતો કે મને આર્થિક સમજણ નથી તેવા આરોપ કોણે અને કેવી રીતે મૂક્યાં. હું અમારી સામે રહેલા પડકારો અને દિવાળી ઉજવણી પાછળ થનારા ખર્ચને સારી રીતે સમજી શકું છું.