લંડનઃ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આયોજિત દિવાળીની ઉજવણીમાં માંસાહારી ભોજન અને શરાબ પીરસવા માટે વડાપ્રધાન નિવાસસ્થાન દ્વારા બ્રિટિશ હિન્દુઓની માફી માગવામાં આવી છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, 29મી ઓક્ટોબરે કરાયેલા આયોજનમાં અમારાથી ભૂલ થઇ હતી. ઉજવણીમાં બિયર, વાઇન અને લેમ્બ કબાબ પીરસાયા હતા.
તેના પરિણામે ઘણા હિન્દુ દ્વારા આક્રોશ વ્યક્ત કરાયો હતો. કન્ઝર્વેટિવ સાંસદ શિવાની રાજાએજણાવ્યું હતું કે, મને આ જાણીને ઘણુ દુઃખ થયું હતું. હિન્દુ ધર્મમાં માંસાહાર કે શરાબપાન વર્જિત નથી પરંતુ ઘણા હિન્દુ શાકાહારી હોય છે અને શરાબને હાથ પણ લગાડતા નથી.
10 ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, દિવાળી ઉજવણીમાં વિવિધ સમુદાયોને આવકારતાં વડાપ્રધાન ઘણા ખુશ થયા હતા. તેમણે બ્રિટિશ હિન્દુ, શીખ અને જૈન સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું. જોકે આયોજનમાં ભૂલ કરાઇહતી. અમે હિન્દુ સમુદાયની લાગણી સમજી શકીએ છીએ અને માફી માગીએ છીએ. અમે આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લઇશું.
લેસ્ટર ઇસ્ટના સાંસદ શિવાની રાજાએ વડાપ્રધાન સ્ટાર્મરને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ વર્ષની દિવાળી ઉજવણીના આયોજનથી હું ઘણી હતાશ થઇ છું. સરકારને રિવાજો અને પરંપરાઓનું જ્ઞાન નથી તે નિરાશાજનક બાબત છે. મારા મતવિસ્તારના હજારો હિન્દુઓના પ્રતિનિધિ તરીકે મને ઘણું દુઃખ થયું છે.