લંડનઃ બ્રિટિશ ફર્મ નોવાસીટ (Novacyt) લાખો પાઉન્ડની કિંમતના કોરોના વાઈરસ ટેસ્ટિંગનું ઉત્પાદન કરી રહી છે અને વિદેશમાં તેનું વેચાણ કરી રહી છે કારણકે યુકેમાં તેનો ઉપયોગ કરવા માટે પૂરતી સંખ્યામાં લેબોરેટરીઝ નથી. નોવાસીટે તેની સાઉધ્મ્પ્ટન ખાતેની સબસિડિયરી પ્રાઈમરડિઝાઈન મારફત ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ્સનું ૮૦ દેશોને વેચાણ કરી ૧૭.૮ મિલિયન પાઉન્ડની કમાણી કરી છે. જોકે, માત્ર એક મિલિયન પાઉન્ડના ટેસ્ટિંગ ઉપકરણો બ્રિટનમાં વેચાયા છે. વિશ્વભરમાં ટેસ્ટિંગ ઉપકરણોની તંગી હોવાં છતાં યુકેમાં આ સાધનો શાથી ખરીદાતાં નથી તેનો વિવાદ સર્જાયો છે.
બીજી તરફ, યુકેમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુઆંક આસમાને જઈ રહ્યો છે ત્યારે હજારો પેશન્ટ્સ અને મેડિકલ કર્મીઓના પરીક્ષણોની તાતી જરૂરિયાત હોવાં છતાં, બ્રિટનમાં કોરોના વાઈરસના પરીક્ષણોનો ફિઆસ્કો થવાની ક્ષોભજનક પરિસ્થિતિ વચ્ચે સાઉથ-વેસ્ટ લંડનના ચેસિંગ્ટન વર્લ્ડ ઓફ એડવેન્ચર્સ ખાતે વિશાળ ટેસ્ટિંગ સેન્ટરમાં ૨૭ માર્ચથી કામગીરી શરૂ કરાયાના દાવાઓ છતાં, કોઈ NHS વર્કર્સ ત્યાં જોવા મળ્યા ન હતા.
બ્રિટનમાં NHS સ્વેબિંગ સ્ટેશન્સ ખાલી પડ્યા છે. કોવિડ-૧૯ કટોકટી મધ્યે ફ્રન્ટલાઈનના હેલ્થ વર્કર્સ કામ કરવા ફીટ છે કે કેમ તે શોધવા આ પરીક્ષણો કરવાના છે. હવે હોસ્પિટલોને એકાંતવાસમાં રહેતા ડોક્ટર્સ, નર્સીસ સહિતના NHS સ્ટાફના પરીક્ષણો માટે કોઈ પણ વધારાની લેબની જગ્યાનો ઉપયોગ કરવાનો આદેશ અપાયો છે. હજારોની સંખ્યામાં ટેસ્ટ ઉપકરણો ઉપયોગ વિના પડી રહ્યાં છે અને વિશાળ NHS સ્વેબિંગ સ્ટેશન્સ પણ ખાલીખમ રહે છે તેવી હાલતમાં હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. તેમણે ૮૫ ટકા ટેસ્ટ્સ પેશન્ટ્સ માટે અનામત રાખવાના નિયમને રદ કર્યો હોવાનું પણ કહેવાય છે. હવે હાઉસિંગ એન્ડ કોમ્યુનિટીઝ સેક્રેટરી રોબર્ટ જેનરિકે દાવો કર્યો છે કે એપ્રિલની મધ્ય સુધીમાં દિવસના ૨૫,૦૦૦ સુધી લોકોનું પરીક્ષણ કરી શકાશે.