ભારત અને યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA) વિશે મંત્રણાઓ ચાલી રહી છે. બંને વડા પ્રધાનોએ FTAને દીવાળી સુધી આખરી ઓપ આપી દેવાનો નિર્ધાર જાહેર કર્યો છે. પાર્ટીગેટ કૌભાંડમાં રાજકીય આક્રમણનો સામનો કરી રહેલા જ્હોન્સનને પત્રકાર પરિષદમાં હિન્દુ અને શીખો દ્વારા ઉજવાતા ધાર્મિક ઉત્સવ દીવાળી સુધી તમે પ્રાઈમ મિનિસ્ટર હશો તેવો પ્રશ્ન કરાયો હતો જેના ઉત્તરમાં જ્હોન્સને ‘ચોક્કસ’ એમ જણાવ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે ‘બ્રિટિશ જનતા પાર્ટીગેટથી આગળ વધી જવા અને જેના માટે અમે ચૂંટાયા છીએ તે મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.’
બંને દેશોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ વચ્ચેની મંત્રણામાં મુક્ત વેપાર કરાર, ઇન્ડો પાસિફિક ક્ષેત્રને મુક્ત અને ઓપન બનાવવા પરભાર મૂકાયો હતો. બ્રિટને આધુનિક ટેકનિક ધરાવતા જેટ ફાઇટર્સ ભારતમાં બનાવવા ઓફર કરવા સાથે ટેકનોલોજી ટ્રાન્સફરની તૈયારી પણ દર્શાવી હતી. સામા પક્ષે વડા પ્રધાન મોદીએ પણ ભારતના નેશનલ હાઇડ્રોજન મિશનમાં સામેલ થવા યુકેને આમંત્રણ આપ્યું હતું. મોદીએ જ્હોન્સનના ભારત પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો હતો. બંને નેતાઓની હાજરીમાં બંને દેશો વચ્ચે મહત્ત્વના કરારની આપલે કરાઈ હતી.
વિશ્વમાં સૌ૧થી ઝડપે વિકસતા અર્થતંત્રોમાં એક ભારત સાથે FTA કરી લેવાય તો બ્રેક્ઝિટ પછી બ્રિટિસ સરકાર માચે મોટું ઈનામ ગણાશે. ભારત સાથે વેપારસંધિ થાય તો યુકેના કુલ વેપારમાં વાર્ષિક 28 બિલિયન પાઉન્ડ જેટલો વધારો થઈ શકે જે 2021ના સ્તરે 3 ટકાથી વધુ વૃદ્ધિ ગણાય. ભારત અત્યાર સુધી વેપારસંધિઓ કરવાથી અળગું રહ્યું છે પરંતુ, તાજેતરમાં જ યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે વેપારસંધિઓ થઈ છે તેને જોતાં યુકે સાથે FTAની શક્યતા ઉજળી છે.