લંડનઃ બ્રિટને દુબાઈના ધનિક અરજદારો માટે ‘પ્લેટિનમ’ વિઝા સર્વિસ શરૂ કરી છે, જેમાં અધિકારીઓ અમીરાતના નિવાસીઓના મહેલ કે ઘરમાં જઈ બધી કાર્યવાહી કરી આપશે. આ લોકોને સામાન્ય અરજદારોની માફક લાઈનમાં ઊભા રહેવું નહિ પડે. જોકે, તેની મસમોટી ફી ચુકવવી પડશે.
ધનિક અરજદારો માટે વિશ્વમાં આ પ્રકારની સૌપ્રથમ વિઝા સર્વિસમાં યુકેના અધિકારીઓ વિઝા ફોર્મ્સ, બાયોમેટ્રિક સાધન, આઈ સ્કેનર સાથે અરજદારના ઘેર કે ઓફિસ પહોંચી જશે. કાર્યવાહી પછી વિઝાની રુબરુ ડિલિવરી પણ કરાશે. આ પ્રીમિયમ સર્વિસ માટે ૭૫૦ પાઉન્ડની જંગી ફી ચુકવવી પડશે. આ ફી ન પોસાય તેના માટે ‘પ્લેટિનમ લાઉન્જ’ સર્વિસ છે, જ્યાં અરજદારે પ્રોસેસિંગ કંપનીના લાઉન્જમાં જઈ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. કાર્યવાહી ચાલે તે દરમિયાન કસ્ટમર આરામ ફરમાવશે. ૪૩૫ પાઉન્ડની ફી સાથેની આ સર્વિસમાં અરજદારને ઘેરથી લાવવા અને પાછા લઈ જવાનો પણ સમાવેશ થાય છે.