અમદાવાદઃ ભવન્સ કેમ્પસમાં ૧૧મીએ બે સ્ત્રીમિત્રો દેવિકા ધ્રુવ અને નયના પટેલના પત્ર શ્રુંખલા ગ્રંથ ‘આથમણી કોરનો ઉજાસ’નું લોકાર્પણ થયું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ, ગ્રીડ્સ તેમજ ડાયસ્પોરા એન્ડ માઈગ્રેશન રિસર્ચ સેન્ટર, ગુજરાત યુનિ.એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા લેખિકા દેવિકાબહેન ધ્રુવ અને બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા લેખિકા નયનાબહેન પટેલ વચ્ચે કોલેજકાળમાં મિત્રતા બંધાઈ હતી. બંને વધુ મળી શકતાં નહીં, પણ વ્યસ્તતામાંય બંનેનું લેખન ચાલુ હતું. આશરે ચાળીસ વર્ષથી યુએસમાં વસતાં દેવિકાબહેનને ત્યાંની સંસ્કૃતિ, સમાજ, સાહિત્ય અને કુટુંબ વિશે લખવાની ઇચ્છા થઈ અને સખી નયનાબહેનને પત્રો લખવાનો વિચાર કર્યો. બ્રિટનમાં જાણીતા લેખિકા નયનાબહેન સાથે તેમણે વાત કરી. નયનાબહેનને દેવિકાબહેનનો વિચાર ગમ્યો. દર શનિવારે બ્લોગ પર પત્ર લખવા નક્કી થયું. જાન્યુ., ૨૦૧૬ના પહેલા શનિવારે દેવિકાબહેને નયનાબહેનને પહેલો પત્ર બ્લોગ પર લખ્યો. તે પછીના શનિવારે નયનાબહેને બ્લોગ પર તેના પ્રત્યુત્તરમાં બ્રિટનની સામાજિક, સાંસ્કૃતિક તેમજ પોતાના પરિવારના વાત લખી. આમ બન્ને સહેલીઓએ ૨૬-૨૬ પત્ર બ્લોગ પર મૂક્યા. જેમાં બ્રિટન, અમેરિકા અને ભારતીય સ્મૃતિઓ, સમસ્યાઓ, સંસ્કૃતિ અંગે ઘણી વાતો હતી. આ પત્રોને ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ દ્વારા પુસ્તકનું સ્વરૂપ અપાયુું. પુસ્તકના વિમોચન પ્રસંગે દેવિકાબહેને જણાવ્યું કે, તેમનાં ત્રણ કાવ્યસંગ્રહ અને અંગ્રેજીમાં બે પુસ્તક છે. યુકેમાં રહેતી સહેલી સાથે પત્ર વ્યવહારથી ગુજરાતી ભાષાનું મહત્ત્વ પણ જળવાશે એ વિચારે આ પત્રો લખ્યાં હતાં. નયનાબહેને કહ્યું કે, ટેલિફોન પર પણ વાત થઈ શકી હોત, પરંતુ ગુજરાતી લેખનશૈલીને જાળવી રાખવી હતી. તેથી એક-બીજાને પત્ર લખવાનું શરૂ કર્યું.
પ્રાસંગિક પ્રવચનમાં ગ્રીડ્સના માનદ નિયામક ડો. બળવંત જાની, ગુજરાત યુનિ.ના અધ્યક્ષ ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ તથા એનઆરજી સેન્ટરના સભ્ય દિગંત સોમપુરાએ ડાયસ્પોરા સાહિત્યને મુખ્ય પ્રવાહમાં સાંકળી લેવાની જરૂરિયાત જણાવી હતી. ગુજરાત યુનિ.ના માનદ નિયામક ડો. નીરજા ગુપ્તાએ પ્રેરક ઉદબોધન કર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર બી કે વણપરિયા સહિત પ્રસંગે ઉપસ્થિત હતા.