લંડનઃ બોર્ડર સ્ટાફે યુકેમાં ગેરકાયદેસર કામ કરી રહેલા માઇગ્રન્ટ્સ પર આકરો સકંજો કસ્યો છે. વર્ષ 2025માં પ્રથમ જાન્યુઆરી મહિનામાં સમગ્ર દેશમાં ગેરકાયદેસર કામ કરનારાઓને ઝડપી લેવા કરાયેલી કાર્યવાહીમાં સેંકડો માઇગ્રન્ટ્સની ધરપપકડ કરાઇ હતી. 2025માં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા 828 બિઝનેસ પર દરોડા પડાયા હતા અને 609 માઇગ્રન્ટ્સની ધરપકડ કરાઇ હતી. જે જાન્યુઆરી 2024ની સરખામણીમાં 73 ટકાનો વધારો દર્શાવે છે. હમ્બરસાઇડમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાં પડાયેલા દરોડામાં ગેરકાયદેસર કામ કરી રહેલા 7 વ્યક્તિની ધરપકડ કરાઇ હતી અને 4ને અટાકયતમાં લેવાયાં હતાં.
દેશમાં ગેરકાયદેસર કામ કરનારા સામે દેશવ્યાપી કાર્યવાહી અંતર્ગત સ્ટાર્મર સરકાર દ્વારા ભારતીય રેસ્ટોરન્ટ્સ, નેઇલ બાર, કન્વેનિયન્સ સ્ટોર્સ, કાર વોશ સહિતના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા જાન્યુઆરી મહિનામાં રેકોર્ડ તોડ દરોડા પડાયા હતાં.
હોમ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માનવ તસ્કર ગેંગો દ્વારા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરીઓના અપાતા ખોટા વચનોનો અંત લાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે ઇમિગ્રેશન સિસ્ટમ વ્યવસ્થિત બનાવવા માગીએ છીએ.
કૂપરે જણાવ્યું હતું કે, ઇમિગ્રેશન નિયમોનું સન્માન થવું જોઇએ અને તેનો કડકાઇથી અમલ થવો જોઇએ. લાંબા સમયથી એમ્પ્લોયર્સ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનું શોષણ કરી રહ્યાં છે. કડક પગલાંના અભાવે ઘણા વિદેશીઓ ગેરકાયદેસર રીતે યુકેમાં આવીને ગેરકાયદેસર નોકરીઓ કરી રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇમિગ્રેશન અને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ મુદ્દે આકરું વલણ અપનાવી રહેલી રિફોર્મ યુકે પાર્ટીની લોકપ્રિયતા લેબર પાર્ટી કરતાં પણ વધી ગઇ છે. વડાપ્રધાન સ્ટાર્મરને કન્ઝર્વેટિવ અને રિફોર્મ યુકે એમ બંનેનો સામનો કરવો પોષાય તેમ નથી. ટોરી નેતા કેમી બેડનોક પણ ઇમિગ્રેશન મામલે કડક વલણ અપનાવી રહ્યાં છે. બીજીતરફ અમેરિકામાં ટ્રમ્પે બોલાવેલા સપાટાથી પ્રેરાઇને લેબર સરકાર પણ હવે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ સામે કડક હાથે કામ લેવા મજબૂર બની છે.