લંડનઃ બ્રિટનના મોર્ગેજ માર્કેટમાં પ્રવર્તી રહેલી અંધાધૂંધી મધ્યે ધીરાણકર્તાઓએ આ મહિને મોર્ગેજ રેટમાં વધારો કરી દેતાં 1 લાખ કરતાં વધુ પરિવારોના ખિસ્સા પર બોજો વધી ગયો છે. દેશની ત્રીજા ક્રમની લેન્ડર કંપની સેનટેન્ડરે સપ્તાહાંતમાં મોર્ગેજ દરમાં બદલાવ કર્યો છે જ્યારે ટીએસબીએ ફક્ત અઢી કલાકની નોટિસમાં 10 વર્ષની ફિક્સ્ડ રેટ ડીલ પાછી ખેંચી લીધી છે. કોવેન્ટ્રી બિલ્ડિંગ સોસાયટી દ્વારા તેની બે, ત્રણ અને પાંચ વર્ષની ડીલ્સમાં મોર્ગેજ દરમાં વધારો કરાયો છે.
ફુગાવાના દરના આંકડા સામે આવ્યા બાદ ધીરાણકર્તાઓ દ્વારા આ પગલાં લેવાયાં છે. આમ તો ફુગાવાનો દર ઘટીને 8.7 ટકા પર આવ્યો છે પરંતુ ધારણા કરતાં ઘટાડો ઓછો રહ્યો છે. મોર્ગેજ માર્કેટમાં પ્રવર્તી રહેલી અંધાધૂંધી સરકારની ચિંતાઓમાં વધારો કરશે કારણ કે મોર્ગેજ બિલમાં વધારાના કારણે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ વધુ ગંભીર બને તેવી સંભાવના છે. માર્ચ મહિનાથી મોર્ગેજ લેનારા લોકોની સંખ્યા તળિયે બેઠી છે. ફાઇનાન્સિયલ ડેટા એનાલિસ્ટ મનીફેક્ટ્સના જણાવ્યા અનુસાર સરેરાશ બે વર્ષના ફિક્સ્ડ રેટ મોર્ગેજના દર 5.34 ટકાથી વધીને 5.64 ટકા પર પહોંચ્યા છે. તેનો અર્થ એ થયો કે બે લાખ પાઉન્ડના મોર્ગેજ પર વર્ષે 444 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે. બાર્કલે, એચએસબીસી, વર્જિન મની, નેશનલ વાઇડ, સ્કિપટન અને યોર્કશાયર બિલ્ડિંગ સોસાયટીઓએ તેમના ફિક્સ્ડ રેટ મોર્ગેજના દરમાં 0.85 ટકાનો વધારો ઝીંકી દીધો છે.
મોર્ગેજ રિન્યૂ કરાવવાના ખર્ચમાં 4 વર્ષમાં 38 ટકાનો તોતિંગ વધારો
લંડનઃ મોર્ગેજ રિન્યૂ કરાવવાના ખર્ચમાં વર્ષ 2019થી અત્યાર સુધીમાં 38 ટકાનો વધારો નોંધાયો છે. તેના કારણે મકાન માલિકોને સરેરાશ 350 પાઉન્ડ પ્રતિ માસ વધુ ચૂકવવાની નોબત આવી છે. યુકે ફાઇનાન્સના આંકડા પર આધારિત લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા કરાયેલા એક રિસર્ચ અનુસાર માર્ચ 2023માં મોર્ગેજ રિન્યૂ કરાવનાર મકાન માલિકને પ્રતિ માસ સરેરાશ 1305 પાઉન્ડ ચૂકવવા પડશે જે ગઇ સંસદની ચૂંટણી પહેલાં 949 પાઉન્ડ પ્રતિ માસ હતા. લંડનમાં આ આંકડો પ્રતિ માસ 2187 પાઉન્ડ પ્રતિ માસ પર પહોંચ્યો છે જે 615 પાઉન્ડનો વધારો દર્શાવે છે. વ્યાજદરમાં વધારો થતાં બેન્કો અને બિલ્ડિંગ સોસાયટીઓ દ્વારા લોનની નવી આકારણી કરાતા છેલ્લા એક સપ્તાહમાં 10 ટકા જેટલી મોર્ગેજ ડીલ અદ્રશ્ય થઇ ગઇ હતી.