ધુમ્રપાન છોડાવવા એનએચએસ દ્વારા ક્રાંતિકારી દવા અપાશે

આ ગોળી નિકોટિન ગમ અને પેચ કરતાં પણ વધુ અસરકારક હોવાનો દાવો

Tuesday 12th November 2024 10:21 EST
 
 

લંડનઃ એનએચએસ ઇંગ્લેન્ડ દ્વારા હજારો જિંદગીઓને બચાવવા માટે એન્ટી સ્મોકિંગ પીલ્સ જારી કરાઇ છે. વેરેનિક્લાઇન નામની આ દવા ધુમ્રપાન છોડવામાં વેપ્સ જેવી જ મદદ કરે છે અને નિકોટિન રેપ્લેસમેન્ટ ગમ અથવા પેચ કરતાં પણ વધુ અસરકારક છે. એનએચએસ દ્વારા ઇંગ્લેન્ડમાં દર વર્ષે લાખો લોકોને ધુમ્રપાન છોડવામાં મદદરૂપ થવા માટે આ દવા અપાશે. આ ગોળી રોજ લેવાની રહે છે.

આ દવા નિકોટિનની તલબને ઘટાડે છે અને તેની મગજ પર થતી અસરને અવરોધે છે.ધુમ્રપાન ન કરવાના કારણે સર્જાતી બેચેની અને ઊંઘની સમસ્યાને પણ આ દવા દૂર કરે છે. કાઉન્સેલિંગની સાથે આ દવાનો ઉપયોગ કરવાથી દર ચારમાંથી એક વ્યક્તિ છ મહિનામાં ધુમ્રપાન છોડી શકે છે.

ધુમ્રપાન રહિત પેઢીનું સર્જન કરવાના સરકારના પ્રયાસોમાં જોડાતાં એનએચએસની આ દવા દર્દીઓ માટે વધુ અસરકારક સારવાર બની રહેશે અને તેના કારણે કરદાતાઓના 500 મિલિયન બચાવી શકાશે. એનએચએસનો દાવો છે કે આ દવાના ઉપયોગથી પ્રતિ વર્ષ 85,000 લોકોને ધુમ્રપાનની લતમાંથી મુક્ત કરાવી શકાશે અ આગામી પાંચ વર્ષમાં ધુમ્રપાનના કારણે થતા 9500 મોત અટકાવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter