લંડનઃ ચાન્સેલર રાચેલ રીવ્ઝે સ્પ્રિંગ સ્ટેટમેન્ટમાં યુકેના ખસ્તાહાલ અર્થતંત્રની હાલત સુધારવા 14 બિલિયન પાઉન્ડનું પેકેજ તો જાહેર કર્યું છે, પણ તેમાં વેલ્ફેર બજેટ અને જાહેર સેવામાં નોંધપાત્ર કાપ પણ મૂક્યો છે. ચાન્સેલરે સંરક્ષણ ખર્ચમાં 2.2 બિલિયન પાઉન્ડનો વધારો કર્યો છે પરંતુ, કોઈ ટેક્સ વધારાની જાહેરાતો કરી નથી. અલબત્ત, નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ્સ લદાશે તો બચતો ધોવાઈ જશે અને આગામી ઓટમ બજેટમાં ટેક્સ લાદવામાં આવે તેવું બની શકે છે.
વેલ્ફેર બજેટમાં ભારે કાપથી ટ્રેઝરીને 4.8 બિલિયન પાઉન્ડની બચત થશે પરંતુ, 3 મિલિયનથી વધુ પરિવારોએ વાર્ષિક સરેરાશ 1720 પાઉન્ડનું નુકસાન સહન કરવું પડશે. સરકારના જ એનાલિસીસ મુજબ વધુ 250,000 લોકો 2029-30 સુધીમાં ગરીબીમાં ધકેલાઈ જશે. આમ થવાથી વધુ 50,000 બાળકો સહિત લગભગ 14.5 મિલિયન લોકો સાપેક્ષ ગરીબીમાં રહેતા થશે. સરકારને ખર્ચકાપના પગલાંથી ચાન્સેલરે પર્સનલ ઈન્ડિપેન્ડન્સ પેમેન્ટ્સ (Pip)ની સમીક્ષા કરવાની પણ વાત કરી હતી.
આ ઉપરાંત યુનિવર્સલ ક્રેડિટનો બેઝિક રેટ 2029-30 સુધીમાં પ્રતિ સપ્તાહ 14 પાઉન્ડનો કરાશે પરંતુ, વર્તમાન દાવેદારો માટે હેલ્થ એલિમેન્ટ સ્થગિત કરી દેવાશે. નવા દાવેદારો માટે આ દર ઘટી જશે. કામકાજને ઉત્તેજન આપવા અને નકામા ઈન્સેન્ટિવ્ઝનો ઉપાય કરવા એપ્રિલ 2026થી યુનિવર્સલ ક્રેડિટ્સના દરોમાં ફેરફાર કરવામાં આવશે. ચાન્સેલરે લોકોને પુનઃ કામે લગાડવામાં મદદ માટે એમ્પ્લોયમેન્ટ સપોર્ટ તરીકે 1 બિલિયન પાઉન્ડની તેમજ જોબસેન્ટર્સને સપોર્ટ કરવા 400 મિલિયન પાઉન્ડ પણ ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે જે લોકો કામ કરી શકે છે તેમણે કામ કરવું જ જોઈએ. દરમિયાન, ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટી દ્વારા 2025 માટે વૃદ્ધિની આગાહી 2 ટકાથી ઘટાડી 1 ટકા કરી હતી. જોકે, આગામી અને તેના પછીના વર્ષો માટે વૃદ્ધિ વધતી જશે તેમ જણાવ્યું હતું.
ચાન્સેલરે હજારો નવા સોશિયલ અને એફોર્ડેબલ મકાનો બાંધવા 2 બિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે અને પાંચ વર્ષમાં 1.3 મિલિયન નવાં મકાનો બાંધવામાં આવનાર છે.