લંડનઃ ભારત અને યુકે વચ્ચે નેતૃત્વ અને વહીવટ વિશે સંવાદ રચવાના હેતુસર ત્રિદિવસીય પ્રતિષ્ઠિત ઈવેન્ટ ‘ઈન્ટરનેશનલ કોન્ક્લેવ ઓન ગુડ ગવર્નન્સ 2024’ લંડનમાં 11થી 14 સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો. આ ઈવેન્ટમાં 13 સપ્ટેમ્બરે લોર્ડ માઈક જર્મનના યજમાનપદે યુકે પાર્લામેન્ટના હાઉસ ઓફ લોર્ડ્સમાં ભવ્ય ભોજન સમારંભ યોજાયો હતો.
આ સંમેલનનું આયોજન પ્રેરણાદાયી નેતા, લેખક, ફીલાન્થ્રોપિસ્ટ અને વર્લ્ડ લીડરશિપ ફોરમના વિઝનરી સ્થાપક નચિકેત જોશી અને ખુશ્બુ શાહ દ્વારા કરાયું હતું. આ ઈવેન્ટમાં યુકે અને ભારતના પ્રભાવશાળી મહાનુભાવો અને નેતાઓ ઉપસ્થિત હતા જેમના થકી ગવર્નન્સ, બિઝનેસ અને સાંસ્કૃતિક વિનિમય ક્ષેત્રે સહકાર અને આપસી સમજને પ્રોત્સાહન સાંપડ્યું હતું.
ગાલા લંચનું એન્કરિંગ પ્રસિદ્ધ ગાયિકા અને માઈન્ડફુલનેસ કોચ રોગેશ્વરી લૂમ્બા દ્વારા કરાયું હતું. આ ઈવેન્ટમાં ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મહિલા અને બાળવિકાસ મિનિસ્ટર અદિતિ વાર્ડા સુનિલ ટ્ટ્કારે, યુકે પાર્લામેન્ટના પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, લેસ્ટર ઈસ્ટ, યુકેના સાંસદ શિવાની રાજા, યુકેના પૂર્વ સાંસદ અને મિનિસ્ટર પોલ સ્કલી, હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર અંજના પટેલ, ગુજરાત સમાચાર-એશિયન વોઈસના સ્થાપક તંત્રી-પ્રકાશક સી.બી. પટેલ, ભારતના ગુજરાતના વિધાનસભ્ય ડો. પ્રદ્યુમન વાજા, NRGCના ચેરમેન હિમાંશુ વ્યાસ, APS જ્યુડિશિયલ એકેડેમીના ડાયરેક્ટર અભય પ્રતાપ સિંહ, ABP અસ્મિના એક્ઝિક્યુટિવ એડિટર રોનક પટેલ, ઈન્ડો-યુરોપિયન બિઝનેસ ફોરમ (IEBF)ના સ્થાપક વિજય ગોએલ, IDUKના સ્થાપક હિર્દેશ ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ચાવીરૂપ સંબોધનમાં નચિકેત જોશીએ આધુનિક વહીવટ અને નેતૃત્વના મહત્ત્વને પ્રકાશિત કર્યું હતું તેમજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હિમાયત કરાતા મૂલ્યો સાથે તેને સાંકળ્યું હતું. નચિકેત જોશીએ કહ્યું હતું કે, ‘વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતે પારદર્શિતા, અખંડિતા અને સમર્પિત જાહેર સેવાના સિદ્ધાંતો અપનાવ્યા છે અને તેના થકી સુશાસનનું મજબૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આપણું સંમેલન આ મૂલ્યોનું સન્માન અને પ્રસાર કરવા સાથે વિશ્વભરમાં વહીવટ પર તેનો પ્રભાવ વધારવા ઈચ્છે છે.
સમાજને યોગદાન આપવા બદલ અસાધારણ વ્યક્તિત્વોને નેતૃત્વ અભિનંદનથી સન્માનિત કરાયા હતા. ભાવિ પેઢીઓ માટે પર્યાવરણીય સ્ટુઅર્ડશિપના મહત્ત્વને દર્શાવતા સસ્ટેનિબિલિટી સંબંધિત ખાસ પરફોર્મન્સ બાળકો દ્વારા રજૂ કરાયું હતું.
IEBFના સ્થાપક વિજય ગોએલે જણાવ્યું હતું કે,‘ઈન્ટરનેશનલ કોન્ક્લેવ ઓન ગુડ ગવર્નન્સ વૈશ્વિક પરિપ્રેક્ષ્યો અને ઉત્કૃષ્ટ કાર્યપદ્ધતિઓનાં વિનિમય, બહેતર ભવિષ્ય માટે પારદર્શિતા અને ઉત્તરદાયિત્વને વિકસાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.’ લંડનસ્થિત પ્રોફેશનલ ખુશ્બુ શાહે કોન્ક્લેવનું શ્રેષ્ઠ સંચાલન કર્યું હતું.