લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં તેમની સામેના આક્ષેપો નકાર્યા છે અને કોઈ પણ ભારતીય કોર્ટે તેમને કોઈ ગુનાના દોષિત ઠરાવ્યા નથી.
વડા પ્રધાન કેમરનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન અને યુકે મિનિસ્ટર ફોર એમ્પ્લોયમેન્ટ પ્રીતિ પટેલ MP, ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન ઈન્ડિયા-યુકે રિલેશન્સના ચેરમેન અને સાંસદ વિરેન્દ્ર શર્મા, EIFના સ્થાપક સભ્ય પ્રોફેસર નાથ પુરી CBE, ઈન્ડિયન મુસ્લિમ ફેડરેશનના પ્રમુખ સમશુદ્દીન આગા, યુકેમાં સૌથી મોટા શીખ ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા- સાઉથોલના પ્રમુખ ગુરમૈલ સિંહ માહલી, નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ યુકેના પ્રમુખ યાજુર શાહ, બ્રિટિશ મુસ્લિમ રિસર્ચ સેન્ટરના બોર્ડ મેમ્બર અને લંડન ઈન્ટરનેશનલ હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ લોર્ડ ખાલીદ હમીદ, વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ રણજિત સિંહ બક્ષી, ઝોરોસ્ટ્રીઅન ભારતવંશી ક્રોસ બેન્ચ લોર્ડ અને યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સ્થાપક ચેરમેન લોર્ડ કરણ બિલિમોરિયા સહિતના અગ્રણીઓએ વડા પ્રધાન મોદીની યુકેની મુલાકાતને વધાવી લેતા નિવેદનો જારી કર્યા હતા.
જોકે આ બધા છતાં, વેસ્ટ યોર્કશાયરના બેટલીના યુસુફ દાઉદે મોદીના સ્વાગત માટે લાલ જાજમ પાથરવા સામે વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતના રમખાણોમાં યુસુફના ભાઈ સઈદ અને પિતરાઈ શકિલ દાઉદની હત્યા થઈ હતી. કેટલાક શીખ સંગઠનોએ મુલાકાત સામે વિરોધ પણ નોંધાવ્યો છે.
કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીની શું ગણતરી?
કન્ઝર્વેટિવ પાર્ટીના પદાધિકારીઓની ગણતરી એવી છે કે આ સમારંભ કેમરનને હજારો બ્રિટિશ ભારતીય મતદારો સાથેનો નાતો મજબૂત કરવાની તક પૂરી પાડશે. આ મતદારો જ ગત સામાન્ય ચૂંટણીમાં ટોરી પાર્ટીને બહુમતી મેળવી આપવામાં મદદરૂપ બન્યા હતા. કેમરને જણાવ્યુ હતું કે તેઓ મોદીની મુલાકાત વિશે ઘણા ઉત્સાહી છે. ભારતીય ડાયસ્પોરાની સાથોસાથ હું પણ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવા ઈચ્છું છું.
મોદીનું આગમન લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન માટે થોડું સમસ્યારૂપ બની શકે છે. બ્રિટને મોદી સાથેના સંબંધો સામાન્ય કર્યાના એક વર્ષ પછી ૨૦૧૩માં કોર્બીને યુકેમાં મોદીના પ્રવેશનો પ્રતિબંધ લાગુ કરવાની માગણી સાથે અર્લી ડે મોશન સ્પોન્સર કરી હતી. લેબર પાર્ટીના વરિષ્ઠ સાંસદ કિથ વાઝે ગત સપ્તાહે જ આ પગલાને ‘ખોટું અને અવિચારી’ ગણાવ્યું હતું અને સંબંધોને નવી દિશા આપવા કોર્બીનને હાકલ કરી હતી. લેબર નેતા કોર્બીનની નિકટના સૂત્રે જણાવ્યા અનુસાર તેઓ ખાનગીમાં મોદીને મળે તેવી શક્યતા છે.