નરેન્દ્ર મોદીને આવકારવા થનગનતું બ્રિટન

Wednesday 04th November 2015 06:34 EST
 
 
લંડનઃ વિશ્વભરમાં વસતાં ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ભારતીય સમુદાય જ નહીં, બ્રિટિશ પ્રજાજનો પણ થનગની રહ્યા છે. ૧૨થી ૧૪ નવેમ્બરના ત્રણ દિવસના આ રોકાણ દરમિયાન નરેન્દ્ર મોદી નામદાર મહારાણીથી માંડીને ભારતીય સમુદાયને મળશે તો લોકશાહીના મહાન પુરસ્કર્તા બસ્વેશ્વરાની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના નિવાસસ્થાનને મુલાકાતીઓ માટે ખૂલ્લું મૂકશે. વડા પ્રધાન ડેવિડ કેમરન દિવાળીના સપરમા દિવસોમાં યુકેની ત્રણ દિવસીય મુલાકાતે આવનારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના કન્ટ્રીસાઈડ સત્તાવાર નિવાસ ચેકર્સ ખાતે યજમાનપદ સંભાળશે. મે ૨૦૧૪માં ભારતના વડા પ્રધાનપદે ચૂંટાયા પછી નરેન્દ્ર મોદીની આ પ્રથમ યુકે મુલાકાત છે. મુલાકાત દરમિયાન ૧૩ નવેમ્બરે અતિ વિશાળ વેમ્બલી સ્ટેડિયમમાં ૬૦,૦૦૦થી વધુ બ્રિટિશ ભારતીયોની જનમેદની સમક્ષ બ્રિટવના વડા પ્રધાન ડેવિડ કેમરન દ્વારા ભારતના લોકલાડીલા અને માનવંતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હેતપૂર્વક જાહેર અભિવાદન કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અતિ ભરચક સમયપત્રકમાં બકિંગહામ પેલેસમાં રાણી એલિઝાબેથ દ્વિતીય સાથે ભોજન તેમ જ સંસદના બંને ગૃહોને સંબોધનનો પણ સમાવેશ થાય છે.બ્રિટન સરકારે ગત મહિને ચીનના પ્રમુખ શી જિનપિંગનું ભવ્ય સ્વાગત કર્યું હતું, અને તેના માટે મોદીનું રોકસ્ટાર સ્વાગત કરવાનો અવસર આવ્યો છે. ચીનના પ્રમુખના સત્તાવાર પ્રવાસમાં ૪૦ બિલિયન પાઉન્ડના વેપારી સોદાઓ થયા હતા. વડા પ્રધાન મોદીના પ્રવાસને આવો સત્તાવાર દરજ્જો અપાયો ન હોવાં છતાં આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય વેપારસંબંધોને મજબૂત કરવાનો પણ છે.આમ આદમીને ભલે શી જિનપિંગની આગતાસ્વાગતામાં વધુ ભપકો-ઝાકઝમાળ દેખાયા હોય, પણ ઉષ્માપૂર્ણ માહોલ તો નરેન્દ્ર મોદીની આગતાસ્વાગતામાં જ જોવા મળશે તેવું ભારત અને બ્રિટનના રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે. મોદીની યજમાનગતિ વધુ ‘ઉષ્માસભર’ અને ઘરેલુ માહોલ સાથેની હશે એમ કહી શકાય. કેમરને ચીનના વડાને તો ચેકર્સ નજીકની સ્થાનિક પબમાં ફિશ અને ચિપ્સ સાથે બિયરનો આસ્વાદ કરાવ્યો હતો, પરંતુ મોદી તો સંપૂર્ણ શાકાહારી અને નોન-આલ્કોહોલિક છે. આથી ૧૨ નવેમ્બરની રાત્રે તેમની મહેમાનનવાઝી અલગ રીતે કરવામાં આવશે.વડા પ્રધાન મોદી ૧૨ નવેમ્બરે રાત્રિરોકાણ ચેકર્સમાં કરશે. બીજા દિવસની પરોઢે નિશ્ચિતપણે યોગસાધનાના દૈનિક નિત્યક્રમમાં પરોવાશે. આ સમયે યજમાન કેમરન પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે.નામદાર ક્વીન સાથે મુલાકાત બાદ મોદી અને કેમરન ફરી વેમ્બલી સ્ટેડિયમમાં મળશે. આ મહારેલીનું આયોજન કરનાર યુરોપ ઈન્ડિયા ફોરમ (EIF) ભવ્ય સ્ટેડિયમમાં બે મિલિયન પાઉન્ડના ખર્ચે યોજાયેલી આ મહારેલીને કોઇ વિદેશી નેતાને અપાયેલા સૌથી મોટા સ્વાગત તરીકે ઓળખાવી રહ્યા છે. વિશેષ આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાનારા ‘ઓલિમ્પિક સ્ટાઈલ’ના સ્વાગત સમારોહમાં ભારતીય ડાયસ્પોરાના આશરે ૬૦ હજાર સભ્યોને આ સ્વાગત સમારંભમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરાયા છે.ભારતની બહાર કોઈ પણ ભારતીય વડા પ્રધાન માટે આયોજિત આ સૌથી વિશાળ અને મોટો સમારંભ બની રહેશે. જેમાં તમામ રાજકીય પક્ષોના સંસદસભ્યો, બિઝનેસ અગ્રણીઓ તેમ જ મનોરંજન, કળા અને સંસ્કૃતિના ક્ષેત્રોના ખ્યાતનામ મહાનુભાવો આ સમારંભમાં ઉપસ્થિત રહેશે. આમંત્રિતોએ તેમની સાથે પાસપોર્ટ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ ફરજિયાત રાખવું પડશે.‘બે મહાન રાષ્ટ્ર - એક ગૌરવશાળી ભવિષ્ય’ (Two Great Nations. One Glorious Future)ની થીમ સાથે યોજાનારા સ્વાગત સમારંભનો આરંભ સર્વશ્રેષ્ઠ બ્રિટિશ ભારતીય કળાકારોને દર્શાવતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવશે, જેનું જીવંત પ્રસારણ ભારતમાં પણ કરાશે.યજમાન વડા પ્રધાન કેમરન મોદીને સ્ટેજ પર આવકારે તે અગાઉ લંડન ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાની સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત અને બ્રિટનના રાષ્ટ્રગીતો ગાવામાં આવશે. વડા પ્રધાન મોદી એક કલાક હિન્દી ભાષામાં સંબોધન કરે તેવી ધારણા છે. વડા પ્રધાન મોદીની મુલાકાત દિવાળીના તહેવારની સાથોસાથ આવતી હોવાથી સમારંભમાં વડા પ્રધાનના ચાવીરૂપ સંબોધન પછી બ્રિટનની સૌથી મોટી આતશબાજી યોજાય તેવી પણ ધારણા છે.સ્વાગત સમારંભમાં વેલકમ પાર્ટનર્સ બનવા માટે યુકેની કોમ્યુનિટીઝની ૪૫૦થી વધુ સંસ્થાઓ દ્વારા ઈવેન્ટ વેબસાઈટ www.ukwelcomesmodi.org પર નોંધણી કરાવાઈ હતી. સમારંભના ટ્વીટર હેન્ડલ @ukwelcomesmodi પર કાર્યક્રમની જાહેરાતો અને તેની પ્રગતિ સંબંધિત તમામ માહિતી મૂકાશે.લોકલાડીલા ‘નમો’ને આવકારવા અભૂતપૂર્વ ધસારોવેમ્બલી સ્ટેડિયમમાં કોમ્યુનિટી રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અભૂતપૂર્વ ધસારાને ધ્યાનમાં રાખી UKWelcomesModi દ્વારા મર્યાદિત સંખ્યામાં વધારાની ટિકિટ્સ જારી કરાઈ હતી. ૪૫૦થી વધુ વિવિધ કોમ્યુનિટી સંસ્થાઓ UKWelcomesModi સાથે સ્વાગત સહયોગી તરીકે જોડાઈ છે. આ સંસ્થાઓ સાથે ૧.૬ મિલિયનના બ્રિટિશ ઈન્ડિયન ડાયસ્પોરાનો મોટો હિસ્સો પણ વડા પ્રધાન મોદીના સ્વાગતમાં સામેલ થશે. આ એક પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમ જ બની રહેશે, જેમાં વડા પ્રધાન મોદીનું યુકેમાં સૌપ્રથમ સંભાષણ વિશેષ મહત્ત્વનું બની રહેશે.પ્રોગ્રામ કમિટીના કીર્તિ માથુરે જણાવ્યું હતું કે, ‘અમારી પાસે સાંસ્કૃતિક કાર્યક્રમની આકર્ષક વિશેષતાઓ તૈયાર છે, જેમાં યુકે અને ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓ અત્યાર સુધી જોવા મળી ન હોય તેવી બંને દેશોની સંગીત, નૃત્ય, નાટક અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી કૃતિઓ દર્શાવશે.’કોન્સર્ટ્સનું ધામઃ વેમ્બલી સ્ટેડિયમ વેમ્બલી સ્ટેડિયમ ઈંગ્લિશ ફૂટબોલ અને ઐતિહાસિક રોક કોન્સર્ટ્સના ધામ તરીકે પ્રખ્યાત છે. હવે સૌપ્રથમ વખત રાજકારણી અહીં ખેલ માંડવા આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંભવિત હિન્દી પ્રવચન યુકે-ઈન્ડિયા સંબંધો પર વધુ ભાર મૂકશે, જે સબટાઈટલ્સ સાથે વિશાળ પડદાઓ પર પ્રસારિત કરાશે. સ્ટેડિયમની મહત્તમ ક્ષમતા ૯૦,૦૦૦ વ્યક્તિની છે ત્યારે મોદીના સત્કાર સમારંભમાં અંદાજે ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ મહેમાન ઉપસ્થિત રહેશે. બ્રિટનમાં ભારતીય ડાયસ્પોરાની વસ્તી ૧.૫ મિલિયનથી વધુ અને તેમાંના મોટા ભાગના ગુજરાતી સમુદાયના હોય ત્યારે આટલી હાજરી ન હોવાનું કોઈ કારણ નથી.વડા પ્રધાન મોદીનો બ્રિટન કાર્યક્રમ ૧૨ નવેમ્બર • સવારે આગમન અને બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે મંત્રણા • મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ• વેસ્ટમિન્સ્ટર - પાર્લામેન્ટને સંબોધન• સાંજે સિટી ઓફ લંડન ખાતે બિઝનેસ એગ્રીમેન્ટ્સ• સાંજે ગિલ્ડહોલ ખાતે રિસેપ્શન• રાત્રે ચેકર્સ હાઉસમાં રોકાણ૧૩ નવેમ્બર • ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે મુલાકાત અને લંચ• જેગુઆર લેન્ડ રોવર પ્લાન્ટની મુલાકાત• સાંજે વેમ્બલી સ્ટેડિયમમાં ભવ્ય રીસેપ્શન અને જનમેદનીને સંબોધન૧૪ નવેમ્બર • લંડનના લેમ્બેથ બરોમાં બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ• લંડનમાં આંબેડકર હાઉસની મુલાકાત (નોંધઃ છેલ્લી ઘડીના ફેરફારોને આધીન)

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter