લંડનઃ યુકેના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને તેમના પુસ્તકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, હું લંડનમાં પહેલીવાર નરેન્દ્ર મોદીને મળ્યો ત્યારે મેં તેમનામાં રહેલી અલૌકિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. જ્હોન્સને પુસ્તકમાં જણાવ્યું હતું કે, 2012માં લંડનના મેયર તરીકે હું પહેલીવાર ભારતની વેપાર મુલાકાતે ગયો ત્યારે એફસીડીઓએ મને મોદી હિન્દુ રાષ્ટ્રવાદી હોવાથી તેમની સાથે મુલાકાત ન કરવા જણાવ્યું હતું. નરેન્દ્ર મોદી સાચા અર્થમાં ચેન્જ મેકર છે.
જ્હોન્સને તેમના પુસ્તક અનલીશ્ડમાં જણાવ્યું છે કે કેટલાક વર્ષો બાદ હું લંડનમાં સિટી હોલની બહાર પહેલીવાર તેમને મળ્યો ત્યારે તેમણે હાથ ઊંચો કરીને હિન્દીમાં કશું કહ્યું હતું અને મેં તેમનામાં રહેલી અપાર્થિવ ઉર્જાનો અનુભવ કર્યો હતો.
તેમણે પુસ્તકમાં જણાવ્યું છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ભારતને રશિયાનો સાથ છોડવા સમજાવવા માટે હું એપ્રિલ 2022માં ભારતની મુલાકાતે ગયો હતો. તે સમયે મને મળેલો આવકાર રાજ્ય દ્વારા પ્રેરિત સુનિયોજિત આવકાર જેવો લાગ્યો હતો. હું ભારતના પશ્ચિમના દેશો સાથે સહકાર નહીં કરવા અને રશિયન ક્રુડ પરના આધારના કારણોને સમજી શક્યો હતો.