લંડનઃ એક અખબારી અહેવાલ બાદ યુકેની નર્સિંગ રેગ્યુલેટરી સંસ્થાના વડા સર ડેવિડ વોરેને રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. નર્સિંગ એન્ડ મીડવાઇફરી કાઉન્સિલમાં પ્રવર્તી રહેલા ઝેરી વાતાવરણના કારણે જનતા અને નર્સો જોખમમાં મૂકાઇ રહ્યાં હોવાના અહેવાલ બાદ સર ડેવિડ વોરેન હોદ્દો છોડવા તૈયાર થયા છે.
કે સી નાઝિર અફઝલ દ્વારા જારી કરાયેલ સ્વતંત્ર સમીક્ષા બાદ સર વોરેનના રાજીનામાની માગ બુલંદ બની હતી. સમીક્ષામાં આરોપ મૂકાયો હતો કે તેઓ જડ કરી ગયેલી સમસ્યાઓની ચેતવણીઓની ધરાર અવગણના કરી રહ્યાં હતાં.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કાઉન્સિલ દરેક સમસ્યામાં નિષ્ફળ જઇ રહી છે. ગંભીર પ્રકારના સેક્સ્યુઅલ, ફિઝિકલ અને રેસિસ્ટ અત્યાચારો સામે કાઉન્સિલ આંખ આડા કાન કરી રહી છે. કાઉન્સિલ યુકેમાં 8 લાખ કરતાં વધુ નર્સ, મીડવાઇફ અને નર્સિંગ એસોસિએટ્સ પર નિયંત્રણ રાખે છે.