લંડનઃ યુકે ટ્રેઝરીના ઈકોનોમિક સેક્રેટરી જ્હોન ગ્લેન દ્વારા રોયલ મિન્ટ ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઈન્સ માટે નોન-ફંગિબલ ટોકન્સ (Non-fungible token - NFTs)ની કામગીરી હાથ ધરી રહી હોવાનો અણસાર અપાયો છે. હજુ ભાવિ અભિગમના પ્રતીક વિશે ચોક્કસ યોજના કે વિગતો જાહેર કરાઈ નથી પરંતુ, રોયલ મિન્ટ ટુંક સમયમાં વિગતો સાથે બહાર આવશે તેમ મિનિસ્ટરે જણાવ્યું હતું.
યુકે સરકાર ક્રિપ્ટોકરન્સીને ગંભીરતાથી લઈ રહી છે. ટ્રેઝરીએ ‘ડિસેન્ટ્રલાઈઝ્ડ ઓટોનોમસ ઓર્ગેનાઈઝેશન્સ (DAOs)’ના કાનૂની દરજ્જાને ચકાસવા કાનૂની ટાસ્ક ફોર્સને જણાવ્યું છે.
ઉપયોગ થવાથી નાશવંત તેમજ કિંમત, વજન, સંખ્યા અને માપ ધરાવતી જંગમ વસ્તુઓથી વિપરીત નોન-ફંગિબલ ટોકન્સ (NFT) ડેટાનો નોન-ઈન્ટરચેન્જેબલ એકમ છે જેનો સંગ્રહ બ્લોકચેઈન અથવા તો ડિજિટલ લેજર પર કરી શકાય છે તેમજ તેનું વેચાણ અને વેપાર પણ કરી શકાય છે. NFT ડેટા યુનિટ્સના પ્રકાર ફોટોઝ, વીડિયોઝ અને ઓડિયોઝ સાથે સંકળાયેલી ડિજિટલ ફાઈલ્સના પણ હોઈ શકે છે.
અગાઉ યુક્રેન જેવા દેશોએ પણ NFTજારી કરેલા છે જોકે, બ્રિટિશ સરકારના સર્વોચ્ચ સ્તરેથી આવી હોવાથી આ જાહેરાત અલગ પ્રકારની છે. યુકેના ચલણોનું પ્રિન્ટિંગ કરતી સંસ્થા દ્વારા જ આ કામગીરી નકરાશે તેમ કહેવાય છે. આનો અર્થ એવો હરગિજ નથી કે સરકાર ટુંક સમયમાં પાઉન્ડના બદલે મહારાણીના સિક્કાનું ચલણ શરૂ કરી દેશે. આ જાહેરાતમાં વિગતોનો સંપૂર્ણ અભાવ છે અને યુકે ફાઈનાન્સિયલ ઈનોવેશનના ક્ષેત્રે ગંભીર છે અને ક્રિપ્ટો સાથે આગળ વધવા સક્ષમ હોવાનું દર્શાવવા પૂરતી લોકોની નાડ ટટોળવા જાહેરાત કરાઈ હોય તે પણ શક્ય છે.