લંડનઃ યુકેમાં ‘નેશનલ પ્રાઈસ-હાઈક ડે’ બનેલી પહેલી એપ્રિલથી નવા ટેક્સ વર્ષના આરંભ સાથે પરિવારો સામે ટેક્સીસ અને ચાર્જીસમાં ફેરફારોના પગલે સંખ્યાબંધ ચીજવસ્તુ અને સેવામાં ભાવવધારો થવાથી ખિસ્સાં ખાલી થઈ ઘરના બજેટ ડામાડોળ થવાના પડકારો સર્જાયા છે. કાઉન્સિલ ટેક્સમાં વધારા ઉપરાંત, શાવરથી માંડી મોબાઈલ ફોન્સના બિલ્સ અને પ્રીસ્ક્રિપ્શન્સની કિંમતોમાં વધારો થયો છે. સ્ટેમ્પ ડ્યુટી અને એર પેસેન્જર ડ્યુટીમાં ધરખમ વધારો થવાથી લોકોને માર સહન કરવો પડશે. ગેસ અને ઈલેક્ટ્રિક ક્ષેત્રે ફિક્સ રેટની ૨૫ યોજનાના અંત સાથે કિંમતો વધશે. આ ઉપરાંત, લોકોએ ડેન્ટલ ચેક-અપ અને સારવારમાં પણ ભારે કિંમતો ચુકવવાની થશે. કેન્સરના દર્દીઓએ પણ વિગની મોટી કિંમત ચુકવવી પડશે.
બ્રિટિશ ગેસ, ઈડીએફ એનર્જી, સ્કોટિશ પાવર અને એનપાવરના ફિક્સ્ડ કટ-પ્રાઈસ ડીલ્સનો અંત આવવા સાથે ગેસ અને ઈલેક્ટ્રિક સેવાના ભાવ વધી જશે. વોટર બિલ્સમાં પણ સરેરાશ એક ટકાની વૃદ્ધિ સાથે રાષ્ટ્રીય સરેરાશ વાર્ષિક ૩૮૯ પાઉન્ડે પહોંચી જશે. બાય-ટુ-લેટ ઈન્વેસ્ટરોએ સ્ટેમ્પ ડ્યુટી પર વધુ ત્રણ પર્સન્ટેજ પોઈન્ટ ચુકવવા પડશે, જેનાથી સરેરાશ પ્રોપર્ટીની કિંમતમાં ૫,૯૧૧ પાઉન્ડ અને લંડનની પ્રોપર્ટીમાં ૧૩,૬૮૬ પાઉન્ડ વધી જશે.
સાંસદોને ૧,૦૦૦ પાઉન્ડનો પગારવધારો
ગત મે મહિનાની સામાન્ય ચૂંટણી પછી સાંસદોના વેતનમાં બીજી વખત વધારો થયો છે, જે લગભગ ૧,૦૦૦ પાઉન્ડ જેટલો હશે. સાંસદોના વેતન પર ધ્યાન આપતી ધ ઈન્ડિપેન્ડન્ટ પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (Ipsa)એ જણાવ્યું હતું કે આ વધારો સાંસદોના પગાર વાજબી બનાવવા માટે છે. સાંસદોને વેતનમાં ૧.૩ ટકાના વધારાથી વાર્ષિક ૯૬૨ પાઉન્ડ વધશે. આનાથી, બાકીના જાહેર ક્ષેત્ર પર એક ટકાની લાગેલી મર્યાદાનો અંત આવ્યો છે. આ વેતનવૃદ્ધિથી સાંસદોની બેઝિક સેલરી ૭૪,૯૬૨ પાઉન્ડ થશે, જે સરેરાશ ૨૬,૦૦૦ પાઉન્ડના વેતનથી લગભગ ત્રણ ગણી છે.
સરેરાશ કાઉન્સિલ ટેક્સ પ્રથમ વખત ૧,૫૦૦ પાઉન્ડ
કાઉન્સિલ ટેક્સ બિલ પહેલી જ વખત ૧,૫૦૦ પાઉન્ડને વટાવી જશે. બેન્ચમાર્ક બેન્ડ-ડી હોમ્સ બિલ ૩.૧ ટકા વધશે, જે આઠ વર્ષમાં સૌથી મોટો વધારો છે. ગયા વર્ષે બેન્ડ-ડી ચાર્જ ૧,૪૮૪ પાઉન્ડ હતો, જે ૪૬ પાઉન્ડના વધારા સાથે ૧,૫૩૦ પાઉન્ડથયો છે. વૃદ્ધો, અશક્તો અને વિકલાંગો માટે સોશિયલ કેરની ચુકવણી માટે બિલ્સમાં બે ટકા પ્રીમિયમ ઉમેરવા દેશની ૧૪૪ કાઉન્સિલને છૂટ અપાઈ છે. કેટલાક વિસ્તારોમાં કાઉન્સિલ ટેક્સ બિલ ઘણું વધારે હશે. સરેના એલ્મબ્રીજ રહેવાસીઓએ સરેરાશ ૧,૮૯૩ પાઉન્ડ ચુકવવા પડશે.
=============
તમારા પોકેટને ક્યાં માર વાગશે?
હાઉસહોલ્ડઃ • ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સરેરાશ કાઉન્સિલ ટેક્સ બિલ્સમાં ૩.૯૯ ટકા જેટલો વધારો થશે • બાય-ટુ-લેટ ઈન્વેસ્ટર્સ માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં ૩ પર્સન્ટેજ પોઈન્ટનો વધારો થશે, જેના પરિણામે યુકેની પ્રોપર્ટીના કિંમતમાં સરેરાશ ૫,૯૧૧ પાઉન્ડ, જ્યારે લંડનમાં ૧૩,૬૮૬ પાઉન્ડનો વધારો થશે • મોટા ભાગના ફિક્સ્ડ પ્રાઈસ ડીલ્સનો આંત આવ્યો છે. ગ્રાહકો નવા ફિક્સ્ડ પ્રાઈસ ડીલ્સ સ્વીકારે નહિ તો તેમને વર્ષે વધારાના ૧૬૦ પાઉન્ડ ચુકવવાના થશે • સરેરાશ પરિવાર માટે વોટર બિલ્સમાં બે પાઉન્ડનો વધારો થઈ ૩૮૯ પાઉન્ડ થશે.
હેલ્થઃ • પ્રીસ્ક્રિપ્શન કોસ્ટ્સ ૨૦ પેન્સ વધારા સાથે ૮.૪૦ પાઉન્ડ થશે • NHSડેન્ટલ ચાર્જિસમાં પાંચ ટકાનો વધારો થશે. ચેક-અપ્સ ૮૦ પેન્સ વધુ મોંઘા થવા સાથે ૧૯.૭૦ પાઉન્ડ થશે. બેન્ડ-૨ સારવાર ૨.૬૦ પાઉન્ડના વધારા સાથે ૫૩.૯૦ પાઉન્ડ થશે, જ્યારે બેન્ડ-૩ સારવાર ૧૧.૨૦ પાઉન્ડના વધારા સાથે ૨૩૩.૭૦ પાઉન્ડ થશે • NHS વિગ અને ફેબ્રિક સપોર્ટ્સના ખર્ચમાં ૧.૭ ટકાનો વધારો થશે.
પોસ્ટ અને ફોનઃ • ફર્સ્ટ-ક્લાસ સ્ટેમ્પ્સ એક પેન્સ વધીને ૬૪ પેન્સ, સેકન્ડ-ક્લાસ સ્ટેમ્પ્સ એક પેન્સ વધીને ૫૫ પેન્સ થશે, જ્યારે નાના પાર્સલના પોસ્ટિંગમાં પાંચ પેન્સ વધીને ૩.૩૫ પાઉન્ડ થશે. • મોબાઈલ ફોન કંપની થ્રી ‘લેગસી’ પ્લાન્સના ગ્રાહકો માટે ૧૫ પાઉન્ડનો માસિક ચાર્જ બમણો કરી ૩૦ પાઉન્ડ કરશે • 02 અને EE કંપનીઓના ચાર્જીસમાં ૧.૩ ટકા સુધીનો વધારો થશે.
મનોરંજનઃ • સ્કાય દ્વારા પહેલી જૂનથી ટીવી પેકેજ પ્રાઈસમાં આઠ ટકા જેટલો વધારો કરશે. રમતગમતના શોખીનોએ માસિક બે પાઉન્ડના વધારા સાથે ૨૭.૫૦ પાઉન્ડ ચુકવવા પડશે.
પ્રવાસઃ • લાંબા અંતરની ફ્લાઈટ્સમાં ઈકોનોમી વર્ગના ભાડાંમાં એર પેસેન્જર ડ્યૂટી બે પાઉન્ડના વધારા સાથે ૭૩ પાઉન્ડ થશે, જ્યારે અન્ય વર્ગો માટે ડ્યૂટી ચાર પાઉન્ડના વધારા સાથે ૧૪૬ પાઉન્ડ થશે. (Source: money.co.uk)