લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે પેટ્રોલ અને ડીઝલ કાર પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે મોકુફ રાખ્યો છે. આ પહેલાં વર્ષ 2030થી નવી પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાને પર્યાવરણલક્ષી લક્ષ્યાંકોને હળવા બનાવતાં જણાવ્યું હતું કે, પ્રતિબંધના કારણે સામાન્ય જનતા પર અસ્વીકાર્ય બોજો આવી પડતો. જોકે વડાપ્રધાનની આ જાહેરાતને પગલે પર્યાવરણ સંગઠનો, વિપક્ષના નેતાઓ અને યુકેના ઉદ્યોગજગતે રોષ વ્યક્ત કર્યો હતો.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, હું નવી પેટ્રોલ અને ડીઝલ કાર પરનો પ્રતિબંધ 2035 સુધી મોકુફ રાખી રહ્યો છું. અમે નવી નેચરલ ગેસ હોમ હિટિંગ સિસ્ટમ પર 2035થી અમલી બનનારા પ્રતિબંધને પણ મોકુફ રાખી રહ્યાં છીએ. હું વર્ષ 2050 સુધીમાં નેટ ઝીરો લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રતિબદ્ધ છું પરંતુ અમે તે દિશામાં વ્યાજબી રીતે આગળ વધીશું.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગ્રીન ઇકોનોમીના મામલામાં યુકે વિશ્વના દેશો કરતાં ઘણો આગળ છે પરંતુ તે દિશામાં ઝડપથી આગળ વધવામાં બ્રિટિશ જનતાની સહમતિ ગુમાવી દેવાનું જોખમ રહેલું છે. અન્યો કરતાં વધુ બલિદાન આપવા બ્રિટિશ જનતાને જણાવવું કેટલી હદે યોગ્ય ગણી શકાય.