નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમમાં ૭૦ પોઈન્ટ મેળવવા આવશ્યક

Tuesday 14th July 2020 11:41 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે યુકેમાં નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમની વિગતો ૧૩ જુલાઈ સોમવારે હાઉસ ઓફ કોમન્સ સમક્ષ જાહેર કરી હતી. યુકે ૩૧ ડિસેમ્બરે બ્રેક્ઝિટ ટ્રાન્ઝિશન પીરિયડના અંતે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળશે ત્યારે મુક્ત અવરજવર બંધ કરી દેવાશે તેના બીજા દિવસ એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી નવી સિસ્ટમનો અમલ શરુ કરાશે, જેમાં તેજસ્વી અને શ્રેષ્ઠ લોકોને આવકારવા પર ભાર મૂકાશે. આ પોઈન્ટ આધારિત સિસ્ટમમાં યુકેમાં રહેવા અને કામ કરવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિએ ઓછામાં ઓછાં ૭૦ પોઈન્ટ મેળવવા જરુરી ગણાશે. મહત્ત્વની બાબત એ છે કે હેલ્થ અને કેર વર્કર્સ માટે ફાસ્ટ-ટ્રેક વિઝાની સુવિધા રહેશે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે આ બ્લુપ્રિન્ટ દર્શાવે છે કે યુકે બ્રેક્ઝિટ પછી અંકુશો પોતાના હસ્તક મેળવશે તેની સાથે માનવતાપૂર્ણ અને વ્યવહારુ ઈમિગ્રેશન સિસ્ટમ જોવાં મળશે. સોશિયલ કેર સિસ્ટમમાં કામ કરવા પૂરતા પ્રમાણમાં લોકો મળી રહેશે તેવા પ્રશ્નના ઉત્તરમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘મહત્ત્વની બાબત એ છે કે ગત થોડા મહિનાઓમાં આ દેશમાં રહેતા અને કામ કરતા ઈયુ નાગરિકોનું પ્રમાણ ખરેખર વધ્યું છે. તેઓ વધુ પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આપણે ઈમિગ્રેશન પર અંકુશ મેળવી રહ્યા છે તેનો અર્થ એવો નથી કે આપણે આ દેશમાં આવતા તમામ માટે બારણા બંધ કરી દઈશું.’

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ હેઠળ એમ્પ્લોયર્સને યુકેમાંથી જ વર્કરોમાં ઈન્વેસ્ટ કરવા પ્રોત્સાહિત કરાશે. તેમણે કહ્યું હતું કે એમ્પ્લોયર્સે ઈમિગ્રન્ટ વર્કર્સ પર આધાર રાખવાના બદલે પોતાના વર્કફોર્સની કુશળતાઓ વધારવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે,‘આપણે રેસિડેન્ટ લેબર માર્કેટ ટેસ્ટ દૂર કર્યો છે, આવશ્યક કુશળતા અને વેતનની મર્યાદા ઓછી કરી છે અને સ્કિલ્ડ વર્કર્સ પરની મર્યાદા હટાવી છે. નવા ફાસ્ટ ટ્રેક હેલ્થ એન્ડ કેર વિઝા વિઝાથી વિશ્વના પ્રતિભાશાળી હેલ્થ પ્રોફેશનલ્સને આપણી NHS અને સોશિયલ કેર સિસ્ટમમાં કામ કરવાનું સરળ અને ઝડપી બનશે. વિઝા ફી ઘટાડવામાં આવશે, તેઓ યુકેમાં કામ કરી શકશે કે નહિ તેનો નિર્ણય અરજદાર પ્રોફેશનલ્સને ત્રણ સપ્તાહમાં જ મળી જશે. હેલ્થ અને સોશિયલ કેર સેક્ટર્સમાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને વ્યાપક હેલ્થ વર્કર્સને ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ ભરવામાંથી માફી આપીશું.’

નવી વ્યવસ્થા ઓછી કુશળતા સાથેના માઈગ્રન્ટ્સને બ્રિટનમાં પ્રવેશમાં કાપ મૂકાય તેની સાથે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વર્કર્સને યુકેના વિઝા મેળવવાનું સરળ રહે તેને પ્રાધાન્ય આપે છે. ઈયુ અને ઈયુ બહારના ઈમિગ્રન્ટ્સ માટે સમાન વ્યવહાર રખાશે પરંતુ, ઈયુ નાગરિકોએ વિઝા માટે ફિંગરપ્રિન્ટ્સ આપવાની નહિ રહે. હેલ્થ અને કેર વિઝા ચાવીરુપ હેલ્થ પ્રોફેશનલ્સને યુકેમાં કામ મેળવવાનો માર્ગ પૂરો પાડશે જ્યારે ગ્રેજ્યુએટ રુટ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુકેમાં ઓછામાં ઓછાં બે વર્ષ રહેવાની પરવાનગી આપશે.

પોઈન્ટ સિસ્ટમમાં યુકેમાં નોકરીની ઓફર હોય, નોકરીને સુસંગત PhD ધરાવતા હોય, સારું ઈંગ્લિશ બોલવાની ક્ષમતા હોય અથવા વાર્ષિક ૨૨,૦૦૦ પાઉન્ડથી વધુ મેળવી શકતા હોય સહિતના ધોરણો પાર પડતા હોય તેમને નિશ્ચિત પોઈન્ટ્સ આપવામાં આવશે. આ ઉપરાંત, નર્સિંગ અને સિવિલ એન્જિનિઅરીંગ સહિતના જે ક્ષેત્રોમાં વર્કરની અછત હોય તેમાં નોકરીની ઓફર હોય તેમને વધારાના પોઈન્ટ્સ પણ મળી શકશે.

આ ઉપરાંત, ઓછામાં ઓછા ૧૨ મહિના કસ્ટડીની સજા કરાઈ હોય, ગંભીર નુકસાન થાય તેવા ગુના કર્યા હોય તેમજ કાયદાની અવહેલના કરી સતત ગુના આચરતા હોય તેવા લોકોને નવા નિયમો હેઠળ યુકેમાં પ્રવેશનો ઈનકાર કરી શકાશે અથવા યુકેમાં હશે તેને દેશનિકાલ કરી શકાશે. વર્તમાન નિયમો હેઠળ ઈયુ બ્લોકના સજા પામેલા અપરાધી વિશે તેના કેસ અનુસાર નિર્ણય લેવાય છે.

                                              નવી સિસ્ટમમાં પોઈન્ટ્સની ગણતરી             

(વિઝા અરજી માટે ૭૦ પોઈન્ટ્સ જરુરી રહેશે)

વર્ણન                                       આવશ્યક        પોઈન્ટ્સ

માન્ય સ્પોન્સર દ્વારા નોકરીની ઓફર            હા             ૨૦

યોગ્ય કૌશલ્યના સ્તરે નોકરી                     હા             ૨૦

ચોક્કસ સ્તરનું ઈંગ્લિશ બોલવાની ક્ષમતા        હા             ૨૦

વેતન £૨૦,૪૮૦ (લઘુતમ)થી £૨૩,૦૩૯     ના             ૦૦

વેતન £૨૩,૦૪૦ થી £૨૫,૫૯૯                 ના             ૧૦

વેતન £૨૫,૬૦૦ અને તેથી વધુ                 ના             ૨૦

વર્કરની અછતના ક્ષેત્રોમાં નોકરી                 ના             ૨૦

નોકરી સાથે સુસંગત વિષયમાં Ph.D             ના             ૧૦

નોકરી સાથે સુસંગત STEM વિષયમાં Ph.D     ના             ૨૦

(STEM = સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિઅરીંગ, મેથ્સ)

 

                                                   નવી ઈમિગ્રેશન સિસ્ટમની ઝલક                   

• જાન્યુઆરી ૧, ૨૦૨૧થી પોઈન્ટ્સ આધારિત નવી ઈમિગ્રેશન સિસ્ટમનો અમલ • ચોક્કસ સ્તરનું ઈંગ્લિશ બોલવાની ક્ષમતા, માન્ય એમ્પ્લોયર પાસેથી નોકરીની ઓફર અને લઘુતમ મર્યાદાનું વેતન મેળવવા સહિત ચાવીરુપ આવશ્યક્તાઓ માટે પોઈન્ટ્સ અપાશે • યુકેમાં રહેવા અને કામ કરવા ઈચ્છતા લોકોએ વિઝા માટે અરજી કરવા લાયક ગણાવવા ૭૦ પોઈન્ટ મેળવવાના રહેશે • ઉચ્ચ કૌશલ્ય સાથે તેજસ્વી અને શ્રેષ્ઠ ઈમિગ્રન્ટ્સને આવકાર • ઓછી કુશળતા ધરાવતા ઈમિગ્રન્ટ્સ બ્રિટન આવતા અટકશે • દેશમાં હેલ્થ પ્રોફેશનલ્સ અને સારસંભાળના કામ માટે ફાસ્ટ ટ્રેક  હેલ્થ એન્ડ કેર વિઝા • ગ્રેજ્યુએટ વિઝા રુટથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુકેમાં ઓછામાં ઓછાં બે વર્ષ રહેવાની છૂટ મળશે • સરકાર આગામી ઉનાળામાં વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રોસેસ સુધારશે અને ગ્રેજ્યુએટ રુટ લોન્ચ કરશે.• ઈયુ નાગરિકોને વિશ્વના બાકીના દેશોના લોકો સાથે સમાન વ્યવહાર પરંતુ, તેમને વિઝા માટે ફિંગરપ્રિન્ટ્સ આપવાની નહિ રહે • એક વર્ષથી વધુ જેલની સજા સાથેના ક્રિમિનલ્સને બાકાત રાખવા કે ડિપોર્ટ કરવા મિનિસ્ટર્સને સત્તા • ખિસાકાતરું અને ચોર જેવા સતત ગુનાખોરી આચરનારાને એક વર્ષથી છી સજા થઈ હોય તો પણ પ્રતિબંધિત કરી શકાશે • વર્તમાન નિયમો હેઠળ ઈયુના સજા પામેલા અપરાધીને તેમના કેસના આધારે જ બાકાત રાખી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter