નવેમ્બર 2024થી યુરોપ સિવાયના તમામ વિદેશી પ્રવાસીઓ માટે ઇટીએ ફરજિયાત

યુકેમાં પ્રવેશતા અથવા ટ્રાન્ઝિટ કરતા તમામ પ્રવાસીઓએ ઇટીએ પેટે 10 પાઉન્ડ ચૂકવવા પડશે

Tuesday 17th September 2024 11:08 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે જાહેરાત કરી છે કે બ્રિટિશ અને આઇરિશ નાગરિકો સિવાયના યુકેની મુલાકાતે આવતા તમામ વિઝિટર્સે યુકે પહોંચતા પહેલાં દેશમાં પ્રવેશવાની મંજૂરી લેવી પડશે. વિસ્તૃત ટ્રાવેલ વિઝા સ્કીમનો અમલ આગામી વસંત ઋતુથી કરાશે. વિઝા વિના યુકેની મુલાકાત લઇ શકતા વિઝિટર્સે ચૂકવવાની થતી 10 પાઉન્ડની ફીના નિયમો નવેમ્બર 2024થી મોટાભાગના દેશોના પ્રવાસીઓ પર લાગુ કરાશે.

અગાઉની કન્ઝર્વેટિવ સરકારે ગયા વર્ષે લીગલ રેસિડેન્સ રાઇટ્સ અથવા વિઝા વિના યુકેમાં પ્રવેશતા અથવા ટ્રાન્ઝિટ કરતા લોકો માટે ઇલેક્ટ્રોનિક ઓથોરાઇઝેશન સિસ્ટમ (ઇટીએ) લાગુ કરી હતી. હાલમાં કતાર, બહેરિન, કુવૈત, ઓમાન, યુએઇ, સાઉદી અરબ અને જોર્ડનના નાગરિકો માટે ઇટીએ ફરજિયાત છે જે માટે 10 પાઉન્ડની ફી ચૂકવવી પડે છે. નવેમ્બરથી હવે આ નિયમ યુરોપના દેશો સિવાયના અન્ય તમામ દેશોના નાગરિકોને લાગુ થશે. 8 જાન્યુઆરી 2025થી એન્ટ્રી માટે ઇટીએ ફરજિયાત બનશે. માર્ચ 2024થી યુરોપના દેશોના નાગરિકો માટે ઇટીએ લાગુ કરાશે અને તેનો અમલ 2 એપ્રિલ 2025થી ફરજિયાત બનશે.

હાઉસ ઓફ કોમન્સમાં એક લેખિત નિવેદનમાં કૂપરે જણાવ્યું હતું કે, એકવાર સંપુર્ણપણે અમલી બની ગયા બાદ ઇટીએ સ્કીમ હાલની એડવાન્સ પરમિશનની ખામી દૂર કરશે. મિનિસ્ટર ફોર માઇગ્રેશન એન્ડ સિટિઝનશિપ સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ડિજિટાઇઝેશનના કારણે દર વર્ષે યુકેની બોર્ડર પસાર કરતાં લાખો લોકોને સુવિધા મળશે. અમે યુકેમાં પ્રવાસીઓને આવકારીએ છીએ કારણ કે તેનાથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને 32 બિલિયન પાઉન્ડનો લાભ થાય છે.

જોકે હિથ્રો એરપોર્ટે આરોપ મૂક્યો છે કે ઇટીએ સ્કીમના કારણે ટ્રાન્સફર પેસેન્જરની સંખ્યામાં 90,000નો ઘટાડો નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter