લંડનઃ લોર્ડ ચાન્સેલર અને જસ્ટિસ સેક્રેટરી શબાના માહમૂદ ઇમિગ્રેશન અને અસાયલમ લીગલ એઇડ વર્ક માટેની ફીમાં વધારો કરવો કે કેમ તે અંગેનો નિર્ણય નવેમ્બરમાં લેવા સહમત થયાં છે. આ માટે તેઓ નિર્ણય પહેલાંના આઠ સપ્તાહ ચર્ચા વિચારણા કરશે અને સલાહ સૂચનો પ્રાપ્ત કરશે.
2024ના પ્રારંભે કાયદા કંપની ડંકન લૂઇસે અગાઉની કન્ઝર્વેટિવ સરકાર સામે કેસ દાખલ કરી લીગલ એઇડ વર્ક માટેની ફીમાં 18 ટકાના વધારાની માગ કરી હતી. જો લેબર સરકાર દ્વારા આ અંગે નિર્ણય લેવાશે તો કંપની દ્વારા કેસને પડતો મૂકાશે.
1996થી ઇમિગ્રેશન લીગલ એઇડ માટેની એક કલાકની ફી 52 પાઉન્ડ રહી છે. તેનો અર્થ એ થયો કે છેલ્લા 28 વર્ષથી આ કામ માટેની ફીમાં ખરેખર તો 48 ટકાની ઘટ પ્રવર્તી રહી છે. સોલિસિટર જેરેમી બ્લૂમે જણાવ્યું હતું કે, ફીમાં તાકિદે વધારો કરવાની જરૂર છે કારણ કે ઓછી ફીના કારણે લોકોને રાજ્યાશ્રયના દાવાઓ માટે વકીલ ઉપલબ્ધ થઇ રહ્યાં નથી.
કાયદા કંપની દ્વારા હોમ ઓફિસના આંકડાની કરાયેલી સમીક્ષા અનુસાર 2019થી 2023 વચ્ચે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રાજ્યાશ્રયની અરજીઓમાં 160 ટકાનો વધારો થયો છે પરંતુ લીગલ એઇડ આપનારાઓ દ્વારા શરૂ કરાયેલા કેસોમાં ફક્ત 32 ટકાનો વધારો નોંધાયો છે.