લંડન, અબુજાઃ નાઈજિરિયન બિલિયોનેર અને ટેક એન્ટ્રેપ્રીન્યોર ડોઝી મોબુઓસી ઈંગ્લિશ ચેમ્પિયનશિપ ક્લબ શેફિલ્ડ યુનાઈટેડને આશરે 90થી 108 મિલિયન પાઉન્ડમાં ખરીદી રહ્યા હોવાના અહેવાલો છે. ક્લબ દ્વારા માલિકી ટ્રાન્સફર થવા પર પ્રતિબંધની મધ્યે મોબુઓસી સોદાને ફાઈનલ કરવાના આખરી તબક્કામાં હોવાનું કહેવાય છે.
ડોઝી મોબુઓસી ટિન્ગો મોબાઈલ પીએલસી અને ટિન્ગો ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સના માલિક છે અને 7 બિલિયન ડોલરની નેટ વર્થ ધરાવે છે. તેઓ આફ્રિકાની પ્રગતિ અને આફ્રિકન્સ સમૃદ્ધ બની શકે તેવા વાતાવરણના લક્ષ્ય સાથે ડોઝી મોબુઓસી ફાઉન્ડેશન ચલાવે છે. તેઓ ફૂટબોલ ઈન્વેસ્ટર પણ છે.
બીબીસીના અહેવાલ મુજબ અમેરિકન બિઝનેસમેન હેન્રી મૌરિસ યોર્કશાયર ક્લબની માલિકી હસ્તગત કરવામાં નિષ્ફળ ગયા પછી ચેમ્પિયનશિપ ક્લબના માલિકે નાઈજિરિયન બિલિયોનેર મોબુઓસી સાથે વાટાઘાટો આદરી છે. ઈંગ્લિશ ફૂટબોલ લીગના માલિકો અને ડાયરેક્ટર્સ સાથે સોદામાં સફળ થયા પછી તેઓ ક્લબની માલિકી ધારણ કરશે અને ક્લબના દેવાની પતાવટ પછી તેની ટ્રાન્સફર પરના પ્રતિબંધને દૂર કરવામાં મદદ કરશે તેમ કહેવાય છે.