લંડન, અબુજાઃ પોતાની 25 વર્ષીય પુત્રી સોનિયા માટે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા યુવાન પુરુષની છેતરપિંડી કરીને કિડની મેળવવાના પ્રયાસમાં નાઈજિરિયાના 60 વર્ષીય સેનેટર આઈક એક્વેરેમાડુને લંડનની સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટે દોષિત ઠરાવ્યા છે. સેનેટર આઈક ઉપરાંત, તેની 56 વર્ષીય પત્ની બીટ્રિસ અને વચેટિયા તરીકે કામ કરનારા 50 વર્ષીય ડોક્ટર ઓબિન્ના ઓબેટાને પણ યુવાન માણસને કિડની કઢાવવા લાગોસથી યુકે લાવવાના કાવતરામાં દોષિત ગણાવાયા છે. જોકે, દંપતીની પુત્રી સોનિયાને દોષી ઠરાવાઈ નથી. તેમને 5 મેએ સજા સંભળાવાશે. મોર્ડન સ્લેવરી એક્ટ હેઠળ તેમને આજીવન કેદની સજા થઈ શકે છે.
નાઈજિરિયામાં સનસનાટી મચાવનારી ટ્રાયલના આરંભે નાઈજિરિયન સેનેટના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વગશાળી સેનેટર અને તેની પત્ની તેમજ દીકરી અને ડોક્ટરે ગુનો કર્યાનો ઈનકાર કર્યો હતો. સોનિયાના કઝિન ગણાવાયેલો યુવાન લાગોસમાં ફેરિયાનું કામ કરતો હતો. તેને યુકેમાં કામ કરવા અને વસવાટની ખાતરી સાથે 7,000 પાઉન્ડ (7,800 યુરો) આપવાનું વચન અપાયું હતું.
યુકેમાં નિઃસ્વાર્થભાવે કિડની આપવી કાયદેસર ગણાય છે પરંતુ, નાણાકીય અથવા ચીજવસ્તુના વળતરના બદલામાં આમ કરવું ગેરકાયદે ગણાય છે. ટ્રાયલ દરમિયાન યુવાન ફેરિયાએ જણાવ્યું હતું કે તેને યુકેમાં કામ કરવા લવાયો હોવાનું તે માનતો હતો અને બ્રિટિશ ડોક્ટરોની પૂછપરછથી જ તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લવાયો હોવાની જાણકારી મળી હતી. તેનું ઓપરેશન થઈ શક્યું ન હતું. આ પછી તે પોતાનો જીવ બચાવવા પોલીસ પાસે ગયો હતો.