લંડન, અબુજાઃ નાઈજિરિયાના ધનવાન પરિવારે પોતાની દીકરી માટે કિડની મેળવવા ગરીબ ફેરિયાને બહેતર જીવનની લાલચ આપી યુકે લાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે તેને 7,000 પાઉન્ડની રકમ આપવાની વાત પણ થઈ હતી. નોર્થ લંડનના હેમ્પસ્ટીડની રોયલ ફ્રી હોસ્પિટલમાં કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાવાનું હતું. નાઈજિરિયન દંપતી આઈક અને બીટ્રિસ એક્વેરેમાડુ, તેમની 25 વર્ષની દીકરી સોનિયા અને મેડિકલ વચેટિયા ડો. ઓબિન્ના ઓબેટાએ 21 વર્ષના ગરીબ પુરુષ પાસેથી તેની કિડની મેળવવા કરેલા કાવતરા સંદર્ભે લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે.
નાઈજિરિયાની પાર્લામેન્ટના સીનિયર સભ્ય 60 વર્ષીય આઈક એક્વેરેમાડુ અને તેમની 56 વર્ષીય પત્ની બીટ્રિસ નાઈજિરિયાના સમાજમાં ભારે પ્રતિષ્ઠા ધરાવવા સાથે ધનવાન છે અને આંતરરાષ્ટ્રીય સંપર્કો ધરાવે છે. તેમની દીકરી સોનિયાની કિડની ખરાબ છે અને ડાયાલિસિસ પર રહેવું પડે છે. કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ કિડનીનું દાન કરી શકે છે પરંતુ, આ માટે નાણાકીય વળતર આપવું ગેરકાયદે અને અપરાધ છે.
નાઈજિરિયાના અન્ય સ્થળોએ યોગ્ય વ્યક્તિની તપાસ કરાયા પછી કિડનીનું દાન કરનાર વ્યક્તિને લાગોસમાં શોધી કઢાયો હતો. કોર્ટ સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ તે વ્યક્તિ ટેલિફોનના પાર્ટ્સ વેચીને ગુજરાન ચલાવતો હતો. આ પુરુષ યોગ્ય મેચ હોવાનું પુરવાર થયા પછી તેને ફેબ્રુઆરી 2022માં લંડન લાવવા માટે ટેમ્પરરી વિઝા પણ મેળવાયો હતો. તેને 2400થી 7000 પાઉન્ડ સુધીની રકમ આપવા તેમજ યુકેમાં કામકાજની વ્યવસ્થા કરાવી આપવાની સમજૂતી પણ થઈ હતી. કહેવાતા કાવતરામાં સોનિયા અને સૂચિત કિડનીદાતા કઝીન હોવાનું જાહેર કરાયું હતું. રોયલ ફ્રી હોસ્પિટલમાં ડોક્ટરોને શું જવાબ આપવા સહિત તેમના વંશનો ઈતિહાસ પણ સમજાવી દેવાયો હતો.
જોકે, રોયલ ફ્રી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ સાથે પ્રથમ મુલાકાત સુધી તો તે વ્યક્તિને તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે યુકે લવાયો હોવાની જાણ જ ન હતી. તેણે કહ્યું કે તે બરાબર સમજી શકતો નથી. તેને માટે કામની તક અને આટલી રકમ મળે તે બહુ મોટી વાત હતી. ટ્રાન્સપ્લાન્ટ નહિ થાય તેમ કહેવાતા તેને હાશકારો થયો હતો.