લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડનોકે જણાવ્યું છે કે બ્રિટિશ નાગરિકત્વ માટે ઇમિગ્રન્ટ્સને યુકેમાં ઓછામાં ઓછા 15 વર્ષનો વસવાટ કર્યો હોય તો જ અરજીને પરવાનગી આપવી જોઇએ. હાલમાં યુકેમાં લઘુત્તમ 6 વર્ષ વસવાટ કરનાર ઇમિગ્રન્ટ બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી શકે છે.
ટોરી નેતા બન્યા પછીની સૌપ્રથમ નીતિવિષયક જાહેરાત કરતાં બેડનોકે જણાવ્યું હતું કે, યુકેમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા, બેનિફિટ્સનો દાવો કરનારા અને સોશિયલ હાઉસિંગનો લાભ લેનારા ઇમિગ્રન્ટ્સને યુકેમાં અનિશ્ચિત મુદત સુધી વસવાટની પણ પરવાનગી આપવી જોઇએ નહીં.
બેડનોકે જણાવ્યું હતું કે, બ્રિટિશ નાગરિકતા એ ફક્ત અધિકાર નહીં પરંતુ વિશેષાધિકાર છે અને યુકે સાથે અર્થપૂર્ણ જોડાણ ધરાવનારને જ બ્રિટિશ નાગરિકતા અપાવી જોઇએ. જોકે લેબર મિનિસ્ટર એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, 14 વર્ષના શાસનકાળની શરમજનક નિષ્ફળતા બાદ હવે કન્ઝર્વેટિવના કોઇ દાવાને ગંભીરતાથી લેવાતો નથી.
બેડનોકે જણાવ્યું હતું કે, નાગરિકતાના વર્તમાન નિયમો થોડા સમય પહેલાં જ યુકેમાં આવેલા ઇમિગ્રન્ટ્સ માટે કન્વેયર બેલ્ટ સમાન પૂરવાર થઇ રહ્યાં છે. તેના કારણે સંખ્યાબંધ લોકો બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત કરી રહ્યાં છે અને તેનું દબાણ જાહેર સેવાઓ પર સર્જાઇ રહ્યું છે.
આઇએલઆર માટે 10 વર્ષનો વસવાટ ફરજિયાત બનાવવા બેડનોકનો પ્રસ્તાવ
કેમી બેડનોકે જણાવ્યું હતું કે, બેરોજગાર અને ઓછું વેતન પ્રાપ્ત કરનારા માઇગ્રન્ટ્સને યુકેમાં અનિશ્ચિત મુદત માટે વસવાટની પરવાનગી આપવી જોઇએ નહીં. બેડનોકે પ્રસ્તાવ મૂક્યો છે કે યુકેમાં કાયદેસર રીતે આવનાર ઇમિગ્રન્ટને લઘુત્તમ 10 વર્ષ વસવાટ બાદ જ ઇનડેફિનેટ લીવ ટુ રિમેઇન (આઇએલઆર) માટે અરજી કરવાની પરવાનગી આપવી જોઇએ. તેના 10 વર્ષના યુકેમાં વસવાટ દરમિયાન તેણે કોઇ અપરાધ આચર્યો હોવો જોઇએ નહીં અને સોશિયલ હાઉસિંગ સહિતના કોઇપણ બેનિફિટ્સ પ્રાપ્ત ન કર્યા હોવા જોઇએ. યુકેમાં તેમના વસવાટ દરમિયાન તેમણે યુકેના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોવું જોઇએ. તેમના પગાર ઊંચા હોવા જોઇએ અને તેમણે એટલો ટેક્સ ચૂકવ્યો હોવો જોઇએ કે સરકારી સેવાઓ પર બોજો પડ્યો ન હોય. ઇંગ્લિશ ચેનલ પાર કરીને અથવા અન્ય કોઇ રીતે યુકેમાં ગેરકાયદેસર રીતે આવેલા માઇગ્રન્ટ્સને આઇએલઆર માટે પ્રતિબંધિત કરી દેવા જોઇએ.