લંડનઃ લેસ્ટરની પરંપરાગત દીવાળી લાઇટ્સ સ્વીચ ઓન ઇવેન્ટ વર્ષ 2024 માટે રદ કરી દેવાઇ છે. લેસ્ટર કાઉન્સિલના વધી ગયેલા ખર્ચના બોજાને કારણે આ નિર્ણય લેવાયો છે. લેસ્ટરમાં દીવાળીની ઉજવણી નિમિત્તે બે ઇવેન્ટનું આયોજન કરાય છે પરંતુ આ વર્ષે ફક્ત દીવાળીના દિવસે એક જ ઇવેન્ટનું આયોજન કરાશે.
દીવાળીની ઉજવણીની બે ઇવેન્ટના આયોજન માટે કાઉન્સિલના ખર્ચમાં છેલ્લા પાંચ વર્ષમાં મોટો વધારો નોંધાયો હતો. 2018માં 1,89,000 પાઉન્ડના ખર્ચ સામે 2023માં આ બે ઇવેન્ટના આયોજન પાછળનો ખર્ચ 2,50,000 પાઉન્ડ પર પહોંચ્યો હતો. લેસ્ટર સિટી કાઉન્સિલે એક ઇવેન્ટ રદ કરવા પાછળ તેના બજેટ પર વધેલા અણધાર્યા બોજાને જવાબદાર ગણાવ્યો છે.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, વધેલા ખર્ચના કારણે બે દિવસ ઉજવણી કરવી મુશ્કેલ બની છે. આ નિર્ણય કરતાં પહેલાં કાઉન્સિલે સંખ્યાબંધ હિતધારકોનો સંપર્ક કર્યો હતો. આસિસ્ટન્ટ મેયર ફોર કલ્ચર કાઉન્સિલર વી ડેમ્પસ્ટરે જણાવ્યું હતું કે અમારી તિજોરી પર અણધાર્યો બોજો પડી રહ્યો છે. જો બંને ઇવેન્ટનું આયોજન કરવું હોય તો તે માટે ફંડિંગના અન્ય વિકલ્પોનો વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ દુર્ભાગ્યે તેની વ્યવસ્થા થઇ શકી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે લેસ્ટર સિટી કાઉન્સિલ પર નાદારી તોળાઇ રહી છે અને તેના કારણે દીવાળીની સ્વીચ ઓન ઇવેન્ટનો ભોગ લેવાયો છે. બે ઇવેન્ટના સ્થે હવે 31 ઓક્ટોબરના રોજ એક જ સંયુક્ત ઇવેન્ટનું આયોજન કરાશે. જેમાં બેલગ્રેવ રોડ અને કોસિંગ્ટન સ્ટ્રીટમાં ઉજવણીઓ કરાશે. ગોલ્ડન માઇલ પર સમગ્ર દીવાળીની ઉજવણી દરમિયાન રોશની કરાશે.
લેસ્ટરના વેપાર ધંધાને મોટો ફટકો પડશેઃ શિવાની રાજા
લેસ્ટરના સાંસદ શિવાની રાજાએ દીવાળીની સ્વીચ ઓન ઇવેન્ટ રદ કરવા મુદ્દે જણાવ્યું હતું કે, ખર્ચમાં કાપ મૂકવાના પ્રયાસમાં સ્વીચ ઓન ઇવેન્ટ રદ થવાના કારણે વેપાર ધંધાને મોટો ફટકો પડશે. સંસદમાં લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરતા શિવાની રાજાએ કાઉન્સિલના નિર્ણયની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વીચ ઓન ઇવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી બેલગ્રેવના વેપારધંધા તેમના પર આધારિત રહેતા હોય છે. ઇવેન્ટ રદ થવાના કારણે શહેરને મોટો ફટકો પડવાનો છે. મને મળેલા આંકડા પ્રમાણે સ્વીચ ઓન ઇવેન્ટ પર 1,20,000 પાઉન્ડનો ખર્ચ આવી શકે છે. આટલા નાણા માટે વેપાર ધંધાને મોટો ફટકો પડવા જઇ રહ્યો છે.