લંડનઃ બ્રિટિશ માલસામાનની નિકાસમાં વિક્રમી વધારાથી ગત એપ્રિલમાં દેશની વેપારખાધમાં ધારણાથી વધુ ઘટાડો નોંધાયો હતો. ટ્રેડ સેક્ટરના આંકડા મુજબ ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનાની અસ્થિરતા બાદ ઈયુ રેફરન્ડમ પૂર્વે યુકેનું અર્થતંત્ર સ્થિર થયું હતું. બ્રિટિશ માલસામાનની ઈયુમાં નિકાસમાં ગયા વર્ષની સરખામણીએ ૧૦.૩ ટકાનો વધારો થયો હતો. જોકે, ઈયુ સિવાયની નિકાસ માત્ર ૧.૯ ટકા વધી હતી.
એકંદરે એપ્રિલમાં માલસામાનની નિકાસમાં ૧૧.૨ ટકાનો વધારો થયો હતો, જે ૧૯૯૮માં વિક્રમો સ્થપાવાનું શરૂ થયું તે પછીનો સૌથી મોટો માસિક વધારો છે. એપ્રિલમાં કુલ ૨૬.૧ બિલિયન પાઉન્ડના સામાનની નિકાસ થઈ હતી, જે જૂન, ૨૦૧૩માં નોંધાયેલી વિક્રમજનક નિકાસની નજીક હતી. આયાત પણ બે બિલિયન પાઉન્ડના વધારા સાથે ૩૬.૬ બિલિયન પાઉન્ડ થઈ હતી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ મુજબ માલસામાનની વેપારખાધનો માર્ચમાં ઘટાડા સાથે ૧૦.૬ બિલિયન પાઉન્ડનો અંદાજ મૂકાયો હતો. તેમાં ઘટાડો જળવાયો હતો. એપ્રિલમાં વેપારખાધ ૧૦.૫ બિલિયન પાઉન્ડ થઈ હતી. સર્વિસીસ સહિતની કુલ વેપારખાધ પણ સાત મહિનાની સૌથી ઓછી એપ્રિલમાં ૩.૩ બિલિયન પાઉન્ડ થઈ હતી. જે માર્ચમાં ૩.૫ બિલિયન પાઉન્ડ અને જાન્યુઆરીમાં સૌથી વધુ ૫.૨ બિલિયન પાઉન્ડ હતી.