લંડનઃ બ્રિટન હવે કોરોના નિયંત્રણમુક્ત નવા યુગમાં પ્રવેશ્યું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે જાહેર કર્યું છે કે કોરોના વાઈરસ તો ગયો નથી પરંતુ, મહામારીના ગત બે વર્ષ દરમિયાન, સમગ્ર દેશ દ્વારા કરાયેલા પ્રયાસોના પરિણામે હવે આપણે તેની સાથે અલગ રીતે જ કામ પાર પાડી શકીશું. વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે હવે આપણે કોવિડને ફ્લુ જેવા અન્ય ચેપી રોગોની સમકક્ષ જ ગણવાના હોવાથી ૨૪ ફેબ્રુઆરીથી ઘરઆંગણાના કાનૂની નિયંત્રણોનો અંત આવશે.
મતલબ કે ઈંગ્લેન્ડમાં બાકી રહેલા ડોમેસ્ટિક નિયંત્રણો પણ દૂર કરવામાં આવશે. સેલ્ફ-આઈસોલેશનની કાનૂની જરૂરિયાતનો અંત આવશે. પહેલી એપ્રિલ સુધી તો જેમનો ટેસ્ટ પોઝિટિવ આવે તેમને ઘરમાં જ રહેવાની અને ઓછામાં ઓછાં પાંચ દિવસ અન્ય લોકો સાથે સંપર્ક ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ પછી સતત બે દિવસ બે ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી ગાઈડન્સને અનુસરવાનું રહેશે.
એપ્રિલ મહિનાથી સરકાર કોવિડ-૧૯ ધરાવતા લોકોએ કાળજી લેવાના તેમજ અન્ય લોકો માટે સંદર્ભે શું ધ્યાન અને કાળજી રાખવી તે બાબતે ગાઈડન્સને અપડેટ કરશે. આ માટે ટેસ્ટિંગના ફેરફારો પણ અમલમાં આવશે.
આ બધું બંધ થશે...
સેલ્ફ-આઈસોલેશન સપોર્ટ પેમેન્ટ્સ, પ્રેક્ટિકલ સપોર્ટના નેશનલ ફંડિંગ તેમજ મેડિસિન ડિલિવરી સર્વિસ પણ મળવાનું બંધ થશે. NHS Covid-19 એપ પર વેન્યુ ચેક-ઈન્સ સહિત રુટિન કોન્ટેક્ટ ટ્રેસિંગનો પણ અંત આવશે. સંપૂર્ણ વેક્સિનેટેડ વયસ્કો અને ગાઢ સંપર્કમાં રહેતા ૧૮ વર્ષથી ઓછી વયના લોકોને સાત દિવસ સુધી રોજ ટેસ્ટિંગ કરાવવાની સલાહ અપાશે નહિ. આ ઉપરાંત, જેઓ સંપૂર્ણ વેક્સિનેટેડ નથી તેવા ગાઢ સંપર્કમાં આવનારા લોકોએ પણ સેલ્ફ-આઈસોલેટ થવાની જરૂર રહેશે નહિ.
સરકારે ૭૫ વર્ષથી વધુ વયના તમામ વયસ્કો, વૃદ્ધ વયસ્કો માટેના કેર હોમ્સના તમામ નિવાસીઓ તેમજ ૧૨ વર્ષથી વધુ વયના ઈમ્યુનોસપ્રેસ્ડ તમામ લોકોને વધારાનો બૂસ્ટર ડોઝ આપવા JCVIની ભલામણ સ્વીકારી લીધી છે. સલાહ અપાશે તો દર વર્ષે ઓટમમાં બૂસ્ટર પ્રોગ્રામ પણ વિચારણા હેઠળ છે. સ્પ્રિંગના બૂસ્ટર પ્રોગ્રામની વ્યવસ્થા સંબંધે યોગ્ય સમયમાં જાહેરાત કરવામાં આવશે. સરકાર ભવિષ્યના વેક્સિન પ્રોગ્રામ્સ બાબતે JCVI ની ભલામણને અનુસરશે.
સરકાર પહેલી એપ્રિલ સ્વૈચ્છિક કોવિડ-સ્ટેટસ સર્ટિફિકેશનના વર્તમાન ગાઈડન્સને પણ દૂર કરશે અને ચોક્કસ સ્થળોએ NHS Covid Passના ઉપયોગની ભલામણ પણ કરશે નહિ. ઈંગ્લેન્ડમાં સામાન્ય જનતા માટે મફત યુનિવર્સલ સીમ્પ્ટોમેટિક અને અસીમ્પ્ટોમેટિક ટેસ્ટિંગ પૂરા પાડવાનો પણ અંત લાવશે. કોવિડ-૧૯ને તેમના જોખમ મૂલ્યાંકનોમાં આવરી લેવા દરેક એમ્પ્લોયર્સ માટે આરોગ્ય અને સલામતી જરૂરિયાતોને પણ દૂર કરવામાં આવશે.
કોવિડની ઉપેક્ષા ભારે પડી શકેઃ બીએમએ
સરકારની જાહેરાતનો પ્રતિભાવ આપતા બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA) દ્વારા જણાવાયું હતું કે સરકારની ‘લિવિંગ વીથ કોવિડ’ વ્યૂહરચના સમાજના સૌથી નબળાં વર્ગના કેટલાકને સુરક્ષા આપવામાં નિષ્ફળ જાય છે. આપણે કોવિડ-૧૯ની સાથોસાથ જીવવા માટે આપણા જીવનને અનુકૂળ બનાવવું જોઈએ તેનો અર્થ તેના તરફ દુર્લક્ષ સેવવાનો હરગિજ થતો નથી.