લંડનઃ નિયમોનું ઉલ્લંઘન કરીને બેનિફિટ્સ હાંસલ કરનારાની હવે ખેર નહીં રહે. બેન્કોએ હવે ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનને ખાતાધારકની તમામ માહિતી આપવી પડશે. આ માટેની સત્તાઓ વિભાગને આપવામાં આવી છે જેથી તે બેન્કોને ખાતાધારકની મહત્વની માહિતી આપવા ફરજ પાડી શકે.
નવા નિયમો અંતર્ગત વિભાગ બેન્કોને ખાતાધારકની બચતો, વેકેશનના પ્રવાસ અને અન્ય બાબતોની માહિતી આપવાની ફરજ પાડી શકે છે. તેનો અર્થ એ થયો કે લાગુ મર્યાદા કરતાં વધુ બચત ધરાવતા, વિદેશમાં લાંબો સમય વેકેશન માણતા હોય તેવા બેનિફિટ્સના દાવેદારો પર સકંજો કસાશે. વિભાગે જણાવ્યું હતું કે, અમે અમારા કર્મચારીઓને નવા નિયમોનો અસરકારક ઉપયોગ કરવા માટે તાલીમ આપી રહ્યાં છીએ. વિભાગ દ્વારા નવી રિપોર્ટિંગ મિકેનિઝમ પણ લાગુ કરાશે. જોકે વિભાગ ખાતાધારકની અંગત વિગતો અન્ય કોઇ સાથે આપલે કરશે નહીં.
લેબર સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં કરદાતાઓના નાણાની સુરક્ષા કરવા અને જાહેર સેવાઓનો દુરુપયોગ કરી ફ્રોડ કરનારા લોકો સામે આકરા પગલાં લેવાનું વચન આપ્યું હતું તે અંતર્ગત નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે. જોકે એક્ટિવિસ્ટોનો આરોપ છે કે આ નવા નિયમોના કારણે મોટી સંખ્યામાં નિર્દોષ લોકો પણ દંડાઇ જશે.