લંડનઃ હોમ ઓફિસ દ્વારા નિર્વાસિતોને યુકેમાં કાયમી વસવાટ મુદ્દે નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં જે નિર્વાસિતો કાયમી વસવાટની અરજી કરે તેમને પાંચ વર્ષના મર્યાદિત વસવાટ પછી ‘સેફ કન્ટ્રી રીવ્યુ’નો સામનો કરવો પડશે. આ નીતિ હેઠળ હજારો અરજદાર નિર્વાસિતોને તેમના મૂળ દેશમાં પરત મોકલવાનું સલામત છે કે કેમ તેની સમીક્ષા કરવામાં આવશે. બ્રિટનમાં ગત પાંચ વર્ષમાં ૫૯,૦૦૦થી વધુ નિર્વાસિતોને રક્ષણ અપાયું છે અને ૨૦૧૦થી ૧૦૦,૦૦૦થી વધુ નિર્વાસિતોને વસવાટ અપાયો છે.
હોમ ઓફિસની સૂચના અનુસાર તમામ રેફ્યુજીસને બ્રિટનમાં એસાઈલમ આપ્યાના પાંચ વર્ષ પછી તેમને હજુ રક્ષણની જરૂરિયાત છે કે કેમ તે વિશે સત્તાવાર સમીક્ષા કરવાની નીતિ ચૂપચાપ તાત્કાલિક અમલી બનાવાઈ છે. ઉલ્લેખનીય છે કે થેરેસા મે હોમ સેક્રેટરી હતાં ત્યારે ૨૦૧૫ની કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં ભવિષ્યમાં બ્રિટનમાં રેફ્યુજી દરજ્જો મેળવનારને હંગામી રક્ષણ જ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
હોમ ઓફિસની સૂચનામાં સ્પષ્ટ કરાયું છે કે પાંચ વર્ષના પ્રોબેશન સમયગાળાના વસવાટ પછી રેફ્યુજીએ બ્રિટનમાં સ્થાયી થવાની અરજી કરવાની રહે છે ત્યારે નવા સેફ રિટર્ન રીવ્યુનો સામનો કરવાનો રહેશે. જેઓ આવી અરજી કરવામાં નિષ્ફળ જશે તેમને ઓવરસ્ટેયર્સ જાહેર કરાશે અને કામ કરવામાં કે બેનિફિટ્સનો દાવો કરતા અટકાવાશે અને દેશનિકાલ થવાને પાત્ર ગણાશે. સમીક્ષામાં નિર્વાસિતોને વધુ રક્ષણની જરૂર છે કે કેમ તે જોવામાં આવશે. જે લોકોને વધુ સમય રક્ષણની જરૂર નહિ જણાય તેમણે યુકેમાં રહેવા અન્ય આધારે અરજી કરવી પડશે અથવા દેશ છોડવો પડશે.