લંડનઃ આ વર્ષે બિઝનેસીસ અને પરિવારો દ્વારા કરજ લેવાનું પ્રમાણ વધવાની આગાહી કરાઈ છે. ઈવાય આઈટમ ક્લબની તાજી આગાહી જણાવે છે કે નેટ બિઝનેસ ધીરાણમાં ૧૫ બિલિયન પાઉન્ડ જેટલો વધારો થશે અને ૨૦૧૬-૨૦૧૯ના ગાળામાં વાર્ષિક સરેરાશ પાંચ ટકાના ધોરણે વૃદ્ધિ જણાશે. ૨૦૦૯-૨૦૧૪ના ગાળામાં સરેરાશ છ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ વર્ષે ગ્રાહકો દ્વારા ખર્ચામાં ૨.૮ ટકાની વૃદ્ધિ થવાની આગાહી કરાઈ છે ત્યારે કન્ઝ્યુમર ક્રેડિટ ૫.૭ ટકા અને ૨૦૧૯ સુધીના ત્રણ વર્ષમાં સરેરાશ ચાર ટકાના ધોરણે વધશે. મકાનોની કિંમતો અને આવકો વધવા સાથે નેટ મોર્ગેજ ધીરાણ ૩.૪ ટકા જેટલું વધી શકે છે. આ દર ૨૦૦૭ પછી સૌથી ઝડપી હોવાં છતાં નાણાકીય કટોકટી અગાઉના વર્ષોની સરખામણીએ નીચો છે. બિઝનેસ ધીરાણમાં અંદાજિત વધારાને મજબૂત રોકાણવૃદ્ધિ અને નીચા કરજખર્ચનો સાથ મળી રહેશે. જોકે, નીચા દરનું વાતાવરણ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડસ્ટ્રી માટે ચિંતાનું કારણ બની રહેશે.
ઈવાય આઈટમ ક્લબના સીનિયર ઈકોનોમિક એડવાઈઝર માર્ટિન બેકે જણાવ્યું હતું કે ગ્રાક ધીરાણ અને ખર્ચમાં વધારાનો અર્થ એ થશે કે ગયા વર્ષે પારિવારિક બચતનો રેશિયો વિક્રમી ૪.૮ ટકાના તળિયે પહોંચ્યો હતો તે જોખમી નહિ બને.